BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample
લૂકના આ ભાગમાં ઈસુ તેમની યરુશાલેમની લાંબી યાત્રાના અંત સુધી પહોંચી ગયા છે. ઈસુ ગધેડા પર બેસીને જૈતુન પર્વત પાસેથી શહેરમાં આગમન કરે છે. માર્ગમાં લોકોના વિશાળ ટોળાં તેમનું રાજવી સ્વાગત કરે છે, અને સ્તુતિ કરતાં પોકાર કરે છે કે, "ઈશ્વરના નામે આવનાર રાજાની સ્તુતિ થાઓ." લોકોના ટોળાંએ યાદ કર્યું, કે ઈઝરાયલના પ્રાચીન પ્રબોધકોએ વચન આપ્યું હતું, કે એક દિવસે ઈશ્વર પોતે પોતાના લોકોને બચાવવા માટે આવશે, અને જગત પર શાસન કરશે. ઝખાર્યા પ્રબોધકે આવનાર રાજા વિશે વાત કરી હતી કે તે ન્યાય અને શાંતિ લાવવા માટે ગધેડા પર બેસીને યરુશાલેમ આવશે. લોકોના ટોળાં ગીતો ગાઇ રહ્યાં છે, કેમ કે જાણી ચૂક્યા છે કે ઈસુ તેમની બધી આશાઓને જીવંત કરી રહ્યાં છે.
પરંતુ બધા સંમત થતા નથી. ધાર્મિક આગેવાનો ઈસુના શાસનને તેમની સત્તા માટે જોખમરૂપ ગણે છે, અને તેમને સત્તાધિકારીઓને હવાલે કરવાની યુક્તિઓ વિચારે છે. ઈસુ જોઈ શકે છે કે હવે શું થવાનું છે. તે જાણે છે કે ઈઝરાયલ તેમને રાજા તરીકે સ્વીકારશે નહીં, અને ઈસુનો નકાર તેમને વિનાશના પંથે લઈ જશે, અને તેમની પાયમાલી નોતરશે. તેના કારણે તેમનું હૃદય દુ:ખી છે. અને તેના કારણે ઈસુ ભાવુક બની જાય છે. જેવા તે યરુશાલેમમાં પ્રવેશ કરે છે કે તરત જ મંદિરના આંગણામાં જાય છે, અને નાણાંવટીઓને હાંકી કાઢીને બલિદાનની વ્યવસ્થાને વેરવિખેર કરી નાખે છે. તે આંગણામાં ઊભા રહે છે અને લોકોનો વિરોધ કરીને કહે છે, "આ તો પ્રાર્થનાનું સ્થાન છે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે." અહીં તે યર્મિયા પ્રબોધકની વાતને ટાંકે છે. યર્મિયાએ પણ એ જ સ્થળે ઊભાં રહીને ઈઝરાયલની ધાર્મિક અને રાજકીય સત્તાની અને ઈઝરાયલના પ્રાચીન ધર્મગુરૂઓની આલોચના કરી હતી.
ધર્મગુરૂઓને ઈસુએ કરેલાં વિરોધનો મુદ્દો સમજાય છે, પરંતુ તેઓ તેમાંથી બોધ લેવા માગતાં નથી. અને જેવી રીતે ઈઝરાયલના પ્રાચીન આગેવાનોએ યર્મિયા સામે ષડયંત્ર રચ્યું હતું, તેમ ઈસુનો પણ અંત કરવા માગે છે. ઈઝરાયલના અગ્રણીઓના વર્તનનું વર્ણન કરવા માટે ઈસુ એક ધનવાન માણસનું દ્રષ્ટાંત કહે છે. તે લાંબી મુસાફરીમાં જાય છે ત્યારે તેની દ્રાક્ષાવાડી ભાડે આપે છે. તે ધનવાન માણસ ફળો વિશે માહિતી મેળવવા માટે પોતાના ચાકરોને દ્રાક્ષાવાડીમાં મોકલે છે, પરંતુ ભાડૂઆતો તે ચાકરોને કોઈ પણ માહિતી આપ્યા વિના મારીને કાઢી મૂકે છે. તેથી ધનવાન માણસ પોતાના પુત્રને મોકલે છે અને આશા રાખે છે, કે તેને તેઓ માન આપશે, પરંતુ ભાડૂઆતો તો આ પરિસ્થિતિને તે ધનવાન માણસના વારસથી મુક્તિ મેળવીને દ્રાક્ષાવાડી લૂંટી લેવાની તક તરીકે જુએ છે. તેઓ ધનવાન માણસના વહાલા પુત્રને મારી નાખીને બહાર ફેંકી દે છે. આ દ્રષ્ટાંતમાં ઈસુ દ્રાક્ષાવાડીના દુષ્ટ ભાડૂઆતોની સરખામણી ઈઝરાયલના ધાર્મિક આગેવાનો સાથે કરે છે, જેઓ વારંવાર ઈશ્વરે મોકલેલા પ્રબોધકોનો અસ્વીકાર કરતા રહે છે, અને હવે ઈશ્વરના વહાલા પુત્રને મારી નાખવાની તૈયારી કરી રહ્યાં છે. ઈસુ સ્પષ્ટ કરે છે કે ધાર્મિક આગેવાનો પોતાના પિતાઓની ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યાં છે, અને વધારે અધિકાર પ્રાપ્ત કરવાની તેમની મહત્વાકાંક્ષા તેમને માત્ર વિનાશ તરફ દોરી જશે.
About this Plan
લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More