ઉત્પ 4

4
કાઈન અને હાબેલ
1આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ અને તેણે પુત્ર કાઈનને જન્મ આપ્યો. તેણે કહ્યું, “ઈશ્વરની કૃપાથી મને દીકરો જન્મ્યો છે.” 2પછી તેણે બીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાળક હતો અને કાઈન ખેડૂત હતો.
3આગળ જતા એમ થયું કે કાઈન ઈશ્વરને માટે ભૂમિનાં ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો. 4હાબેલ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પ્રથમ જન્મેલાં તથા ઉત્તમ અર્પણો લાવ્યો. ઈશ્વરે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં, 5પણ કાઈનને તથા તેના અર્પણને અમાન્ય કર્યાં. તેથી કાઈન ઘણો ગુસ્સે થયો અને તેનું મોં ઊતરી ગયું.
6યહોવાહે કાઈનને કહ્યું કે, “તને શા માટે ગુસ્સો આવ્યો છે અને તારું મોં ઊતરી ગયું છે? 7જે સારું છે તે તું કરે, તો શું તું માન્ય નહિ થશે? પણ જે સારું છે તે તું નહિ કરે, તો પાપ તારે દ્વારે રહે છે અને તે તેની તરફ તારું આકર્ષણ કરશે, પણ તું તેના પર જીત મેળવી શકીશ.”
8કાઈને પોતાના ભાઈ હાબેલ સાથે વાત કર્યો જયારે તેઓ ખેતરમાં હતા#4:8 “ચાલ, આપણે ખેતરમાં જઈએ.”, ત્યારે ત્યાં કાઈને પોતાના ભાઈ હાબેલ વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખ્યો.
9પછી ઈશ્વરે કાઈનને કહ્યું, “તારો ભાઈ હાબેલ ક્યાં છે? “તેણે કહ્યું, “હું જાણતો નથી? શું હું મારા ભાઈનો રખેવાળ છું?”
10ઈશ્વરે કહ્યું, “આ તેં શું કર્યું છે? તારા ભાઈનું લોહી ભૂમિમાંથી બદલો લેવા માટે મને હાંક મારે છે. 11હવે તારા ભાઈનું લોહી તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મુખ ઉઘાડ્યું છે, તેથી તું શાપિત થયો છે. 12તું ગમે તેટલી મહેનતથી ભૂમિને ખેડશે, પણ તે પોતાનાં બળ તને આપશે નહિ. તું પૃથ્વી પર નિરાશ્રિતની માફક અહીંતહીં ભટકતો રહેશે.”
13કાઈને ઈશ્વરને કહ્યું કે, “હું સહન કરું તે કરતાં તમે મને વધારે સજા કરી છે. 14તમે મને આજે અહીંથી હાંકી કાઢ્યો છે અને હવે તમારી આગળથી મારે સંતાવાનું, પૃથ્વી પર ભટકવાનું તથા નાસતા ફરવાનું થશે. હવે જે કોઈ મને જોશે તે મને મારી નાખશે.” 15ઈશ્વરે તેને કહ્યું કે, “જે કોઈ તને મારી નાખશે, તેને સાત ગણી સજા થશે.” પછી ઈશ્વરે કાઈનને ઓળખવા સારુ તેના શરીર પર ચિહ્ન મૂક્યું કે જે કોઈ તેને જુએ, તે તેને મારી નાખે નહિ.
16કાઈન ઈશ્વરની સમક્ષતામાંથી ચાલ્યો ગયો. અને જઈને એદનની પૂર્વના નોદ#4:16 ભટકવાનું દેશ દેશમાં રહ્યો.
કાઈનનો વંશજો
17કાઈને તેની પત્ની સાથે વૈવાહિક સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થઈ. તેણે હનોખને જન્મ આપ્યો. કાઈને એક નગર બાંધ્યું અને તેનું નામ પોતાના દીકરાના નામ પરથી હનોખ નગર રાખ્યું.
18હનોખથી ઇરાદ જન્મ્યો. ઇરાદ મહૂયાએલનો પિતા હતો. મહૂયાએલ મથૂશાએલનો પિતા હતો. મથૂશાએલ લામેખનો પિતા હતો. 19લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં: એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લાહ હતું.
20આદાએ યાબાલને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારાઓનો તથા ગોવાળિયાનો આદિપિતા હતો. 21તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે તાર તથા પવનથી વાગતાં વાંજિત્રો વગાડનારાઓનો આદિપિતા હતો. 22સિલ્લાહએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. જે સર્વ તાંબાના તથા લોખંડનાં હથિયાર બનાવનાર હતો. તૂબાલ-કાઈનની બહેન નાઅમાહ હતી.
23લામેખે પોતાની પત્નીઓને કહ્યું કે,
“આદા તથા સિલ્લાહ, હું જે કહું તે સાંભળો,
હે લામેખની પત્નીઓ માંરે જે કહેવું પડે છે તે કાળજીપૂર્વક સાંભળો.
મને ઘાયલ કરનાર એક માણસને, મેં મારી નાખ્યો છે,
મને જખમી કરનાર એક જુવાનને મેં મારી નાખ્યો છે.
24જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય,
તો લામેખનો સિત્તોતેર ગણો લેવાશે.”
શેથનો જન્મ
25પછી આદમથી સગર્ભા થયેલી તેની પત્ની હવાએ બીજા એક દીકરાને જન્મ આપ્યો. તેનું નામ શેથ રાખવામાં આવ્યું. ત્યારે હવાના ઉદ્દગાર આ હતા: “કાઈને હાબેલને મારી નાખ્યો હતો. એ હાબેલના બદલામાં ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે.” 26શેથની પત્નીએ પણ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ અનોશ રાખ્યું. અનોશના જન્મ પછી લોકોમાં ઈશ્વરની ઉપાસના કરવાની શરૂઆત થઈ.

Currently Selected:

ઉત્પ 4: IRVGuj

Qaqambisa

Share

Copy

None

Ufuna ukuba iimbalasane zakho zigcinwe kuzo zonke izixhobo zakho? Bhalisela okanye ngena