Uphawu lweYouVersion
Khetha Uphawu

ઉત્પત્તિ 9

9
નૂહ સાથે ઈશ્વરનો કરાર
1ઈશ્વરે નૂહ અને તેના પુત્રોને આશિષ આપતાં કહ્યું, “વંશવૃદ્ધિ કરો, સંખ્યામાં વધો અને આખી પૃથ્વીને તમારા વંશજોથી ભરપૂર કરો.#ઉત. 1:28. 2પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ, આકાશનાં બધાં પક્ષીઓ, જમીન પર પેટે ચાલનારાં પ્રાણીઓ અને દરિયાનાં માછલાં તમારાથી બીશે અને ગભરાશે; તેઓ તમારા અધિકાર નીચે છે. 3પહેલાં જેમ મેં તમને લીલાં શાકભાજી ખોરાક તરીકે આપ્યાં હતાં તેમ હવે પૃથ્વી પર હાલતાંચાલતાં બધાં પ્રાણી તમારો ખોરાક થશે. 4એટલું જ કે તમારે રક્તવાળું માંસ ખાવું નહિ, કારણ, રક્તમાં જીવ છે.#ઉત. 17:10-14; લેવી. 19:26; પુન. 12:16,23; 15:23. 5હું જરૂર તમારા રક્તનો હિસાબ માગીશ: દરેક પ્રાણી પાસેથી હું તેનો હિસાબ માગીશ અને પ્રત્યેક વ્યક્તિ પાસેથી તેના સાથીમાનવના જીવનો હિસાબ માગીશ. 6મેં ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતને સર્જી હોઈ જો કોઈ અન્ય માણસનો જીવ લે તો તેનો જીવ પણ લેવાશે. હું પ્રત્યેક માણસ પાસેથી તેના સાથીમાનવના જીવનો બદલો માગીશ.#ઉત. 1:26; નિર્ગ. 20:13.
7“તો હવે તમે વંશવૃદ્ધિ કરો, સંખ્યામાં વધો અને આખી પૃથ્વીને તમારા વંશજોથી ભરપૂર કરો.”#ઉત. 1:28.
8પછી ઈશ્વરે નૂહ અને તેના પુત્રોને કહ્યું, 9-10“આજે હું તમારી સાથે, તમારા વંશજો સાથે અને વહાણમાંથી બહાર આવેલા પૃથ્વી પરના સજીવો એટલે પક્ષીઓ, ઢોરઢાંક અને વન્યપશુઓ સાથે આ કરાર કરું છું. 11હું મારો કરાર સ્થાપિત કરું છું કે હવે પછી જળપ્રલય દ્વારા કદી પણ બધા સજીવોનો નાશ થશે નહિ અને ફરી કદી જળપ્રલયથી પૃથ્વીનો વિનાશ થશે નહિ.”
12-13પછી ઈશ્વરે કહ્યું, “તમારી સાથે તથા સર્વ સજીવ પ્રાણીઓ સાથે હું આ જે સાર્વકાલિક કરાર કરું છું તેનું આ ચિહ્ન છે: હું વાદળમાં મારું મેઘધનુષ્ય મૂકું છું. પૃથ્વી સાથે મેં કરેલા મારા કરારનું એ ચિહ્ન છે. 14જ્યારે હું પૃથ્વી પર વાદળાં લાવીશ ત્યારે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે, 15ત્યારે તમારી સાથે તથા સર્વ પ્રાણીઓ સાથે મેં કરેલો મારો કરાર હું સંભારીશ અને જળપ્રલયથી ફરી કદીપણ સર્વ સજીવોનો નાશ થશે નહિ. 16વાદળોમાં મેઘધનુષ્ય દેખાશે ત્યારે તે જોઈને મારી અને પૃથ્વીના સર્વ જાતનાં સજીવ પ્રાણીઓ વચ્ચેનો એ સાર્વકાલિક કરાર હું યાદ કરીશ.”
17ઈશ્વરે નૂહને કહ્યું, “પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીઓ સાથે કરેલા મારા કરારનું એ ચિહ્ન છે.”
નૂહ અને તેના પુત્રો
18વહાણમાંથી બહાર આવેલા નૂહના પુત્રોનાં નામ શેમ, હામ અને યાફેથ હતાં. હામ કનાનનો પિતા હતો. 19નૂહના એ ત્રણ પુત્રો હતા. તેમનાથી જ આખી પૃથ્વી પરની વસ્તી થઈ.
20સૌ પ્રથમ ખેતી કરનાર નૂહ હતો, તેણે દ્રાક્ષવાડી રોપી. 21એકવાર તેણે દ્રાક્ષાસવ પીધો અને નશામાં આવી જઈને પોતાના તંબુમાં નવસ્ત્રો થઈ ન પડયો હતો. 22કનાનના પિતા હામે પોતાના પિતા નૂહને નગ્નાવસ્થામાં જોયો અને પછી બહાર જઈને તેણે પોતાના બે ભાઈઓને એ સંબંધી જણાવ્યું. 23પણ શેમ અને યાફેથે ચાદર લીધી અને તેને પોતાના ખભા પર નાખીને પાછલે પગે તંબુમાં ગયા અને પોતાના પિતાની નગ્નતા ઢાંકી. તેમણે પોતાનાં મોં બીજી બાજુ ફેરવેલાં રાખ્યાં હતાં અને પોતાના પિતાની નગ્નતા જોઈ નહિ. 24જયારે નૂહને નશો ઊતર્યો ત્યારે પોતાના સૌથી નાના પુત્રે કરેલા દુષ્કૃત્યની તેને જાણ થઈ. 25ત્યારે તેણે કહ્યું.
“કનાન શાપિત હો;
તે પોતાના ભાઈઓનો ગુલામ થશે.”
26વળી, તેણે કહ્યું,
“પ્રભુ, શેમના ઈશ્વર, સ્તુત્ય હો;
કનાન શેમનો ગુલામ બનો.
27ઈશ્વર યાફેથની#9:27 યાફેથ:હિબ્રૂ ભાષામાં ‘યાફેથ’ અને ‘વૃદ્ધિ’ માટેના શબ્દોમાં સમાનતા છે. વૃદ્ધિ કરો;
તેના વંશજો શેમના લોકો સાથે
તંબુમાં રહો.
કનાન યાફેથનો ગુલામ બનો.”
28-29જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો અને નવસો પચાસ વર્ષની ઉંમરે તે મૃત્યુ પામ્યો.

Qaqambisa

Share

Copy

None

Ufuna ukuba iimbalasane zakho zigcinwe kuzo zonke izixhobo zakho? Bhalisela okanye ngena