YouVersion Logo
Search Icon

માર્ક 1

1
બાપ્તિસ્મા કરનાર યોહાનનો સંદેશ
(માથ. 3:1-12; લૂક. 3:1-18; યોહા. 1:19-28)
1ઈશ્વરપુત્ર ઈસુ ખ્રિસ્ત વિષેનો આ શુભસંદેશ છે. 2યશાયાએ લખેલું હતું તે પ્રમાણે તેની શરૂઆત થઈ:
“પ્રભુ કહે છે,
‘તારે માટે માર્ગ તૈયાર કરવા
હું મારા દૂતને તારી આગળ મોકલીશ.’
3વેરાન પ્રદેશમાં કોઈ પોકારે છે:
‘પ્રભુને માટે રાજમાર્ગ તૈયાર કરો;
તેમને જવાનો માર્ગ સરખો કરો.”
4એમ યોહાન વેરાન પ્રદેશમાં પ્રગટ થયો. તે લોકોને બાપ્તિસ્મા આપતો અને ઉપદેશ કરતો. તેણે લોકોને કહ્યું, “તમારાં પાપથી પાછા ફરો અને બાપ્તિસ્મા લો, અને ઈશ્વર તમારાં પાપની ક્ષમા આપશે.” 5યોહાનને સાંભળવા માટે યહૂદિયાના પ્રદેશમાંથી અને યરુશાલેમ શહેરમાંથી ઘણા લોકો તેની પાસે આવતા. તેઓ પોતાનાં પાપ કબૂલ કરતા અને તે તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપતો.
6યોહાન ઊંટના વાળમાંથી બનાવેલાં વસ્ત્રો પહેરતો, કમરે ચામડાનો પટ્ટો બાંધતો અને તીડ તથા જંગલી મધ ખાતો. 7તેણે લોકો આગળ જાહેર કર્યું: “મારા પછીથી આવનાર માણસ મારા કરતાં પણ મહાન છે; હું તો નીચો નમીને વાધરી છોડીને તેમનાં ચંપલ ઉતારવા જેવોય યોગ્ય નથી. 8હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું; પણ તે તો પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.”
ઈસુનું બાપ્તિસ્મા અને પ્રલોભન
(માથ. 3:13—4:11; લૂક. 3:21-22; 4:1-13)
9થોડા સમય પછી ઈસુ ગાલીલના પ્રદેશમાં આવેલા નાઝારેથથી આવ્યા, અને યોહાને યર્દન નદીમાં તેમનું બાપ્તિસ્મા કર્યું. 10ઈસુ પાણીમાંથી બહાર આવ્યા કે તરત જ તેમણે આકાશને ઊઘડતું જોયું અને પવિત્ર આત્માને પોતા પર કબૂતરની જેમ ઊતરતો જોયો. 11આકાશમાંથી વાણી સંભળાઈ: “તું મારો પ્રિય પુત્ર છે; હું તારા પર પ્રસન્‍ન છું.”
12પછી તરત જ પવિત્ર આત્મા તેમને વેરાન પ્રદેશમાં લઈ ગયો. 13એ વેરાન પ્રદેશમાં જંગલી પ્રાણીઓ હતાં. ઈસુ ત્યાં ચાળીસ દિવસ સુધી રહ્યા. શેતાનથી તેમનું પ્રલોભન થતું, પણ દૂતો આવીને તેમની સેવા કરતા.
પ્રથમ શિષ્યોને આમંત્રણ
(માથ. 4:12-22; લૂક. 4:14-15; 5:1-11)
14યોહાનને કેદમાં પૂરવામાં આવ્યા પછી ઈસુ ગાલીલમાં ગયા અને ઈશ્વરના શુભસંદેશનો ઉપદેશ કર્યો. 15તેમણે કહ્યું, “સમય પાકી ચૂક્યો છે અને ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. તમારાં પાપથી પાછા ફરો અને શુભસંદેશ પર વિશ્વાસ કરો.”
16ગાલીલ સરોવરને કિનારે ચાલતાં ચાલતાં ઈસુએ માછી સિમોન અને તેના ભાઈ આંદ્રિયાને જોયા. તેઓ જાળ વડે સરોવરમાંથી માછલાં પકડતા હતા. 17ઈસુએ તેમને કહ્યું, “મને અનુસરો, અને હું તમને માણસોને મારા અનુયાયી બનાવતાં શીખવીશ.” 18તરત જ તેઓ પોતાની જાળો મૂકી દઈને તેમની પાછળ ગયા. 19તેઓ થોડેક દૂર ગયા, અને ઝબદીના દીકરા યાકોબ અને તેના ભાઈ યોહાનને જોયા. તેઓ પોતાની હોડીમાં પોતાની જાળો સાંધી રહ્યા હતા. ઈસુએ તેમને જોતાંની સાથે જ બોલાવ્યા. 20તેઓ તેમના પિતા ઝબદીને અન્ય મજૂરો સાથે હોડીમાં જ મૂકી દઈને ઈસુની પાછળ ગયા.
ઈસુનો અધિકાર
(લૂક. 4:31-37)
21તે કાપરનાહુમ નગરમાં આવ્યા, અને પછીના વિશ્રામવારે ઈસુ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા અને શિક્ષણ આપવા લાગ્યા. 22તેમની શીખવવાની રીતથી તેમને સાંભળનારા લોકો આશ્ર્વર્ય પામ્યા. તે નિયમશાસ્ત્રના શિક્ષકો જેવા ન હતા; એને બદલે, તે તો અધિકારથી શિક્ષણ આપતા હતા. 23એ જ સમયે અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ ભજનસ્થાનમાં આવી પહોંચ્યો. તેણે બૂમ પાડી, 24“નાઝારેથના ઈસુ, તમારે અમારું શું ક્મ છે? શું તમે અમારો નાશ કરવા અહીં આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું. તમે ઈશ્વર પાસેથી આવેલ પવિત્ર વ્યક્તિ છો!”
25ઈસુએ તેને સખત આજ્ઞા કરી, “ચૂપ રહે, અને એ માણસમાંથી બહાર નીકળી જા.” 26દુષ્ટાત્માએ તે માણસને સખત રીતે મરડી નાખ્યો અને મોટી બૂમ પાડતો તેનામાંથી નીકળી ગયો. 27લોકો અચંબો પામી ગયા અને એકબીજાને પૂછવા લાગ્યા, “આ શું? અધિકારયુક્ત નવું જ શિક્ષણ! આ માણસ દુષ્ટાત્માઓને હુકમ કરે છે, અને તેઓ તેનું માને છે પણ ખરા!”
28આમ, ગાલીલના સમગ્ર પ્રદેશમાં ઈસુની ખ્યાતિ ઝડપથી ફેલાઈ ગઈ.
ઘણા લોકો સાજા થયા
(માથ. 8:14-17; લૂક. 4:38-41)
29તેઓ તરત જ ભજનસ્થાનમાંથી નીકળીને સિમોન તથા આંદ્રિયાને ઘેર ગયા; અને યાકોબ તથા યોહાન પણ તેમની સાથે ગયા. 30સિમોનની સાસુ તાવથી પથારીવશ હતી. ઈસુ ત્યાં ગયા એટલે તરત જ લોકોએ તેને વિષે ઈસુને વાત કરી. 31ઈસુ તેની પાસે ગયા અને તેનો હાથ પકડીને તેને બેઠી કરી. તેનો તાવ ઊતરી ગયો, અને તે તેમની સરભરા કરવા લાગી.
32સાંજ પડતાં લોકો બીમાર અને દુષ્ટાત્મા વળગેલા માણસોને ઈસુની પાસે લાવ્યા. 33નગરના બધા લોકો ઘરના આંગણામાં એકઠા થયા હતા. 34જાતજાતના રોગથી પીડાતા ઘણા માણસોને ઈસુએ સાજા કર્યા અને ઘણા દુષ્ટાત્માઓને કાઢયા. તેમણે દુષ્ટાત્માઓને કંઈ બોલવા દીાા નહિ; કારણ, ઈસુ કોણ છે તે દુષ્ટાત્માઓ જાણતા હતા.
ગાલીલમાં ઈસુનો ઉપદેશ
(લૂક. 4:42-44)
35બીજે દિવસે અજવાળું થયા પહેલાં વહેલી સવારે ઈસુ ઊઠયા અને ઘરમાંથી બહાર ગયા. નગર બહાર એક્ંત સ્થળે જઈને તેમણે પ્રાર્થના કરી. 36પણ સિમોન તથા તેના સાથીદારોએ તેમની શોધ કરી. 37તેઓ તેમને મળ્યા એટલે કહ્યું, “બધા તમને શોધે છે.” 38પણ ઈસુએ જવાબ આપ્યો, “આપણે આસપાસનાં અન્ય ગામોમાં પણ જઈએ. મારે ત્યાંના લોકોને પણ ઉપદેશ આપવાનો છે; કારણ, તે માટે હું આવ્યો છું.”
39તેથી આખા ગાલીલ પ્રાંતમાં ફરીને તેમનાં ભજનસ્થાનોમાં તેમણે ઉપદેશ કર્યો અને દુષ્ટાત્માઓ કાઢયા.
રક્તપિત્તિયો શુદ્ધ કરાયો
(માથ. 8:1-4; લૂક. 5:12-16)
40એક રક્તપિતિયો ઈસુની પાસે આવી નમી પડયો, અને તેણે આજીજીપૂર્વક સહાય માગતાં કહ્યું, “તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો તેમ છો.” 41ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું અને તેની નજીક જઈને તેમણે તેને સ્પર્શ કર્યો. તેમણે કહ્યું, “હા, હું ઇચ્છું છું; તું શુદ્ધ થા!” 42તત્કાળ તે માણસમાંથી રક્તપિત્ત દૂર થયો અને તે શુદ્ધ થયો. 43પછી ઈસુએ તેને વિદાય આપતાં સખત શબ્દોમાં કહ્યું, 44“જો જે, આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધેસીધો યજ્ઞકાર પાસે જા, અને તેને તારી તપાસ કરવા દે. પછી તું શુદ્ધ થયો છે તે બધાની સમક્ષ સાબિત કરવા મોશેએ ઠરાવેલા બલિદાનનું અર્પણ કર.”
45પછી એ માણસે જઈને એ વાત બધે ફેલાવી. તેણે એટલી બધી જાહેરાત કરી કે ઈસુ કોઈ નગરમાં જાહેર રીતે જઈ શક્યા નહિ; એને બદલે, તેમને બહાર એક્ંત જગ્યાઓમાં જવું પડયું. ચોમેરથી લોકો તેમની પાસે આવતા હતા.

Currently Selected:

માર્ક 1: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in