YouVersion Logo
Search Icon

માર્ક 2

2
લકવાવાળાને સાજાપણું
(માથ. 9:1-8; લૂક. 5:17-26)
1થોડા દિવસો પછી ઈસુ કાપરનાહુમ પાછા આવ્યા, અને તે ઘેર છે એવા સમાચાર ફેલાઈ ગયા; 2તેથી એટલા બધા લોકો એકઠા થયા કે ક્યાંય જગ્યા રહી નહિ, આંગણામાં પણ નહિ. ઈસુ તેમને શુભસંદેશ સંભળાવતા હતા, 3ત્યારે કેટલાક લોકો લકવાથી પીડાતા એક માણસને ચાર માણસો પાસે ઊંચકાવીને ઈસુની પાસે લાવ્યા. 4પણ લોકોની ભીડને કારણે તેઓ તેને ઈસુની પાસે લઈ જઈ શક્યા નહિ. તેથી ઈસુ જ્યાં હતા, બરાબર તે જ ઠેકાણે તેમણે છાપરું ઉકેલી નાખ્યું. છાપરું ખુલ્લું થયા પછી તેમણે તેને તેની પથારી સાથે જ ઉતાર્યો. 5ઈસુએ તેમનો વિશ્વાસ જોઈને લકવાવાળા માણસને કહ્યું, “મારા દીકરા, તારાં પાપ માફ કરવામાં આવે છે.”
6ત્યાં બેઠેલા નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકોએ પોતાના મનમાં વિચાર્યું, 7“આ માણસ આવું કેમ બોલે છે? તે તો ઈશ્વરની નિંદા કરે છે! એકલા ઈશ્વર સિવાય બીજું કોઈ પાપની ક્ષમા આપી શકે જ નહિ.” 8ઈસુ તરત જ તેમના મનમાં ચાલતા વિચારો જાણી ગયા, અને તેથી તેમને કહ્યું, “તમે એવા વિચાર કેમ કરો છો? 9‘તારાં પાપ માફ કરવામાં આવે છે,’ અથવા ‘ઊઠ, તારી પથારી ઊંચકીને ચાલ,’ એ બેમાંથી આ લકવાવાળા માણસને શું કહેવું સહેલું છે? 10પણ હું તમારી આગળ સાબિત કરી આપીશ કે માનવપુત્રને પૃથ્વી પર પાપની ક્ષમા આપવાનો અધિકાર છે.” 11તેથી તેમણે લકવાવાળા માણસને કહ્યું, “હું તને કહું છું કે, ઊઠ, તારી પથારી ઊંચકીને તારે ઘેર જા.” 12તે સૌનાં દેખતાં જ એ માણસ ઊઠયો, અને પથારી ઉઠાવી ઉતાવળે જતો રહ્યો. તે સૌ અત્યંત સ્તબ્ધ થઈ ગયા, અને “અમે આવું કદીયે જોયું નથી,” એમ કહેતાં ઈશ્વરની પ્રશંસા કરવા લાગ્યા.
લેવીને આમંત્રણ
(માથ. 9:9-13; લૂક. 5:27-32)
13ઈસુ ફરીવાર ગાલીલ સરોવરને કિનારે આવ્યા. લોકોનો સમુદાય તેમની પાસે આવ્યો અને તે તેમને શિક્ષણ આપવા લાગ્યા. 14પછી જતાં જતાં તેમણે અલ્ફીના દીકરા લેવીને જક્તનાકા પર બેઠેલો જોયો. તે નાકાદાર હતો. ઈસુએ તેને કહ્યું, “મને અનુસર.” લેવી ઊઠીને તેમની પાછળ ગયો.
15થોડા સમય પછી ઈસુ લેવીના ઘરમાં#2:15 લેવીના ઘરમાં: અથવા, તેના (એટલે ઈસુના) ઘરમાં. જમવા બેઠા હતા. ઘણા બધા નાકાદારો અને સમાજમાં બહિષ્કૃત થયેલાઓ ઈસુ પાછળ ગયા હતા, અને તેમાંના ઘણા તો તેમની અને તેમના શિષ્યોની સાથે જમવા પણ બેઠા હતા. 16નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો જેઓ ફરોશી હતા, તેમણે જોયું કે ઈસુ એ બહિષ્કૃત માણસો અને નાકાદારો સાથે જમે છે; તેથી તેમણે તેમના શિષ્યોને પૂછયું, “તે આવા લોકો સાથે કેમ જમે છે?” 17ઈસુએ એ સાંભળીને જવાબ આપ્યો, “જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી; પણ ફક્ત જેઓ બીમાર છે તેમને જ છે. હું નેકીવાન ગણાતા લોકોને નહિ, પણ સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓને આમંત્રણ આપવા આવ્યો છું.”
ઉપવાસ વિષે પ્રશ્ર્ન
(માથ. 9:14-17; લૂક. 5:33-39)
18એકવાર બાપ્તિસ્મા કરનાર યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરતા હતા, ત્યારે કેટલાક લોકોએ ઈસુની પાસે આવીને પૂછયું, “બાપ્તિસ્મા કરનાર યોહાનના અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી તેનું શું કારણ? 19ઈસુએ જવાબ આપ્યો, “લગ્નજમણમાં આવેલા મહેમાનો ઉપવાસ કરે ખરા? ના, કદી જ નહી. જ્યાં સુધી તેમની સાથે વરરાજા છે, ત્યાં સુધી તેઓ ઉપવાસ નહિ કરે. 20પણ એવો સમય આવશે કે જ્યારે તેમની પાસેથી વરરાજા લઈ લેવામાં આવશે; અને તે સમયે તેઓ ઉપવાસ કરશે. 21જૂના વસ્ત્રને કોઈ તદ્દન નવા કપડાનું થીંગડું મારતું નથી. જો એમ કરે, તો નવું થીંગડું સંકોચાતાં જૂના વસ્ત્રને સાંધવાને બદલે ફાડી નાખશે, અને એમ વસ્ત્ર વધારે ફાટશે. 22તેવી જ રીતે વપરાયેલી ચામડાની મશકોમાં કોઈ નવો દારૂ ભરતું નથી. જો એમ કરે, તો દારૂ મશકોને ફાડી નાખે, અને એમ દારૂ અને મશકો બન્‍નેનો નાશ થાય. ના, ના, નવા દારૂ માટે તો નવી જ મશકો જોઈએ!”
માનવતા કે રીતરિવાજ
(માથ. 12:1-8; લૂક. 6:1-5)
23વિશ્રામવારને દિવસે ઈસુ અનાજનાં ખેતરોમાંથી પસાર થતા હતા. તેમના શિષ્યો તેમની સાથે ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા. 24તેથી ફરોશીઓએ ઈસુને કહ્યું, “જુઓ, તમારા શિષ્યો વિશ્રામવારે આ જે ક્મ કરે છે તે આપણા નિયમશાસ્ત્રની વિરુદ્ધ છે!” 25ઈસુએ જવાબ આપ્યો, “દાવિદ ભૂખ્યો હતો, ત્યારે તેણે શું કર્યું હતું તે શું તમે વાંચ્યું નથી? તે અને તેના સાથીદારો ભૂખ્યા હતા; 26તેથી તેણે ઈશ્વરના ઘરમાં જઈને અર્પણ કરેલી રોટલી ખાધી. અબ્યાથાર મુખ્ય યજ્ઞકારના સમયમાં એ બન્યું. આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે તો માત્ર યજ્ઞકારો જ આ રોટલી ખાઈ શકે; છતાં દાવિદે તે ખાધી, અને પોતાની સાથેના માણસોને પણ આપી.” 27ઈસુએ સાર આપતાં કહ્યું, “વિશ્રામવાર માણસના ભલા માટે ઠરાવવામાં આવ્યો હતો, નહિ કે માણસને વિશ્રામવાર માટે બનાવવામાં આવ્યો. 28માનવપુત્ર વિશ્રામવાર પર પણ પ્રભુત્વ ધરાવે છે.”

Currently Selected:

માર્ક 2: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in