YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 8

8
પવિત્ર આત્મામય જીવન
1એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી. 2કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. 3કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે [કામ] તેને અશક્ય હતું તે ઈશ્વરે [કર્યું, એટલે] પોતના દીકરાને પાપી દેહની સમાનતામાં, અને પાપાર્થાર્પણને માટે મોકલીને તેમના દેહમાં પાપને શિક્ષા ફરમાવી, 4જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારામાં, નિયમની માગણી પૂર્ણ થાય. 5કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે; પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર [મન લગાડે છે]. 6દૈહિક મન તે મરણ છે; પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. 7કારણ કે દૈહિક મન તે ઈશ્વર પર વૈર છે. કેમ કે તે ઈશ્વરના નિયમને આધીન નથી, અને થઈ શકતું પણ નથી. 8જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્‍ન કરી શકતા નથી.
9પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે [ખ્રિસ્ત] નો નથી. 10જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે [તમારું] શરીર તો મરેલું છે; પણ ન્યાયીપણાને લીધે [તમારો] આત્મા જીવે છે. 11જેમણે ઈસુને મૂએલાંમાંથી ઉઠાડયા, #૧ કોરીં. ૩:૧૬. તેમનો આત્મા જો તમારામાં વસતો હોય, તો જેમણે ખ્રિસ્ત ઈસુને મૂએલાંમાંથી ઉઠાડયા, તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારાં મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.
12એ માટે, ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહના ઋણી નથી. 13કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ; પણ જો તમે આત્મા દ્વારા શરીરનાં કામોને મારી નાખો તો તમે જીવશો. 14કેમ કે જેટલા ઈશ્વરના આત્માથી દોરાય છે, તેટલા ઈશ્વરના દીકરા છે. 15કેમ કે #ગલ. ૪:૫-૭. ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તકપુત્રપણાનો આત્મા મળ્યો છે, તેને લીધે આપણે #માર્ક ૧૪:૩૬; ગલ. ૪:૬. આબ્બા, પિતા, એવી હાંક મારીએ છીએ. 16આપણા આત્માની સાથે પણ [પવિત્ર] આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં છોકરાં છીએ, 17હવે જો છોકરાં છીએ, તેઓ વારસ પણ છીએ. એટલે ઈશ્વરના વારસ છીએ, અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેમની સાથે દુ:ખ સહન કરીએ તો.
પ્રગટ થનાર મહિમા
18કેમ કે હું એમ માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતનાં દુ:ખો સરખાવવા જોગ નથી. 19કેમ કે સૃષ્ટિની આતુરતા ઈશ્વરનાં છોકરાંના પ્રગટ થવાની વાટ જોયા કરે છે. 20#ઉત. ૩:૧૭-૧૯. કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનાર [ની ઇચ્છા] થી વ્યર્થપણાને સ્વાધીન થઈ; 21પણ તે એવી આશાથી [સ્વાધીન થઈ] કે સૃષ્ટિ પોતે પણ નાશની ગુલામીમાંથી મુક્ત થઈને ઈશ્વરનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. 22કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી સમગ્ર સૃષ્ટિ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે. 23#૨ કોરીં. ૪:૨-૪. વળી તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની, રાહ જોતાં આપણે પોતના [મન] માં નિસાસા નાખીએ છીએ. 24કેમ કે તે જ આશાએ આપણે તારણ પામ્યા છીએ. પણ જે આશા દશ્ય હોય તે આશા નથી, કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે તેની આશા કેમ રાખે? 25પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ.
26તે પ્રમાણે [પવિત્ર] આત્મા પણ આપણી નિર્બળતામાં [આપણને] સહાય આપે છે; કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિ:સાસાથી આપણે માટે મધ્યસ્થતા કરે છે. 27અને આત્માની ઇચ્છા શી છે તે અંતર્યામી જાણે છે, કેમ કે તે પવિત્રોને માટે ઈશ્વર [ની ઇચ્છા] પ્રમાણે વિનંતી કરે છે.
28વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે. 29કેમ કે જેઓને તે અગાઉથી જાણતા હતા, તેઓને વિષે તેમણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે, તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય. જેથી તે ઘણા ભાઈઓમાં જયેષ્ઠ થાય: 30વળી જેઓને તેમણે અગાઉથી નકકી કર્યા, તેઓને તેમણે તેડયા પણ; અને જેઓને તેમણે તેડયા, તેઓને તેમણે ન્યાયી પણ ઠરાવ્યા. અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યા, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા.
ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરનો પ્રેમ
31તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ? 32જેમણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બંધુએ કેમ નહિ આપશે? 33ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? [તેઓને] ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે. 34તો [તેઓને] દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુ પામ્યા, હા જે મૂએલામાંથી પાછા પણ ઊઠયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થતા પણ કરે છે. 35ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે, વેદના કે, સતાવણી કે, દુકાળ કે, નગ્નતા કે, જોખમ કે, તરવાર? 36લખેલું છે,
# ગી.શા. ૪૪:૨૨. “તારે લીધે અમે આખો દિવસ
માર્યા જઈએ છીએ.
કપાવાનાં ઘેટાંના જેવા
અમે ગણાયેલા છીએ.”
37તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ.
38કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું કે, પરાક્રમીઓ, 39ઊંચાણ કે ઊંડાણ કે, કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in