રોમનોને પત્ર 9
9
ઈશ્વર અને તેમના પસંદ કરાયેલા લોકો
1હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, -હું જૂઠું બોલતો નથી, મારું અંત:કરણ પણ પવિત્ર આત્મામાં મારો સાક્ષી છે-કે, 2મને ભારે શોક તથા મારા અંત:કરણમાં અખંડ વેદના થાય છે. 3કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારાં સગાંવહાલાં [ને બદલે] હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કાર પામેલો થાઉં, એવી જાણે મને ઇચ્છા થાય છે. 4તેઓ ઇઝરાયલી છે, અને #નિ. ૯:૪. દત્તકપુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્ત્રદાન, ભજનક્રિયા તથા વચનો તેઓનાં જ છે. 5ધર્મપિતૃઓ તેઓના છે, અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે. તે સર્વકાળ સર્વોપરી, સ્તુત્ય ઈશ્વર છે. આમીન.
6પણ ઈશ્વરની વાત જાણે કે વ્યર્થ ગઈ હોય એમ નથી. કેમ કે જેઓ ઇઝરાયલના [વંશજો] છે તેઓ સર્વ ઇઝરાયલી નથી. 7તેમ જ તેઓ ઇબ્રાહિમના વંશજો છે તેથી તેઓ સર્વ [તેનાં] છોકરાં છે, એમ પણ નથી! પણ [લખેલું છે કે,] #ઉત. ૨૧:૧૨. ‘ઇસહાકથી તારો વંશ ગણાશે.’ 8એટલે જેઓ દેહનાં છોકરાં છે, તેઓ ઈશ્વરનાં છોકરાં છે, એમ નહિ; પણ જેઓ વચનનાં છોકરાં છે, તેઓ જ વંશ ગણાય છે. 9કેમ કે વચન તો આવું છે, #ઉત. ૧૮:૧૦. “આ સમયે હું આવીશ, અને સારાને દીકરો થશે.”
10માત્ર એટલું જ નહિ; પરંતુ રિબકાએ પણ એકથી એટલે આપણા પૂર્વજ ઇસહાકથી ગર્ભ ધર્યો, 11અને [છોકરાઓના] જન્મ્યા પહેલાં જ્યારે તેઓએ હજુ કંઈ પણ સારું કે ભૂંડું કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો સંકલ્પ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડું કરનારની ઇચ્છા પર આધાર રાખે, 12માટે તેને કહેવામાં આવ્યું, #ઉત. ૨૫:૨૩. “વડો નાનાની ચાકરી કરશે.” 13વળી, એમ પણ લખેલું છે, #માલ. ૧:૨-૩. મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો, પણ એસાવનો ધિકકાર કર્યો.’
14તો આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વરને ત્યાં અન્યાય છે? ના, એવું ન થાઓ. 15કેમ કે તે મૂસાને કહે છે, #નિ. ૩૩:૧૯. “જેના ઉપર હું દયા કરવા [ચાહું] , તેના ઉપર હું દયા કરીશ; અને જેના ઉપર હું કરુણા કરવા [ચાહું] , તેના ઉપર હું કરુણા કરીશ.” 16માટે એ તો ઇચ્છનારથી નહિ, અને દોડનારથી નહિ, પણ દયા કરનાર ઇશ્વરથી થાય છે. 17વળી શાસ્ત્રવચન ફારુનને કહે છે, #નિ. ૯:૧૬. “તારા દ્વારા હું મારું સામર્થ્ય બતાવું, અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય એ કામ માટે મેં તને ઊભો કર્યો છે.” 18માટે ચાહે તેના પર તે દયા કરે છે, અને ચાહે તેને તે હઠીલો કરે છે.
ઈશ્વરનાં ક્રોધ અને કૃપા
19તો તું મને પૂછશે, “તેમ છે તો તે દોષ કેમ કાઢે છે? કેમ કે તેમના સંકલ્પને કોણ અટકાવે છે?” 20પણ અરે માણસ, તું વળી કોણ છે કે ઈશ્વરને સવાલ પૂછે? #યશા. ૨૯:૧૬; ૪૫:૯. જે ઘડેલું છે, તે શું પોતાના ઘડનારને પૂછશે, “તમે મને એવું કેમ બનાવ્યું?” 21શું કુંભારને એકનાએક ગારાના એક ભાગનું ઉત્તમ કાર્યને માટે તથા બીજાનું હલકા કામને માટે પાત્ર ઘડવાને ગારા ઉપર અધિકાર નથી?
22અને જો ઈશ્વરે પોતાનો કોપ બતાવવાની તથા પોતાનું સામર્થ્ય જણાવવાની ઇચ્છા રાખીને નાશને યોગ્ય થયેલાં કોપનાં પાત્રોનું ઘણી સહનશીલતાથી સહન કર્યું. 23અને જો મહિમાને માટે આગળ તૈયાર કરેલાં દયાનાં પાત્રો પર, 24એટલે આપણા પર જેઓને તેમણે કેવળ યહૂદીઓમાંથી નહિ, પણ વિદેશીઓમાંથી પણ તેડયા છે [તેઓ પર] , પોતાના મહિમાની સંપત્તિ જણાવવાની તેમની મરજી હતી તો તેમાં શું [ખોટું] ? 25વળી, હોશિયામાં પણ તે એમ જ કહે છે,
#
હો. ૨:૨૩. ‘જે મારી પ્રજા નહોતી
તેને હું મારી પ્રજા, અને
જે વહાલી ન હતી
તેને હું વહાલી કહીશ.’
26 #
હો. ૧:૧૦. અને જે સ્થળે તેઓને એવું
કહેવામાં આવ્યું હતું,
‘તમે મારી પ્રજા નથી.’
તે સ્થળે તેઓ જીવતા
ઈશ્વરના દીકરા કહેવાશે.
27વળી, યશાયા ઇઝરાયલ સંબંધી પોકારીને કહે છે, #યશા. ૧૦:૨૨-૨૩. “જો સમુદ્રની રેતીના જેટલી ઇઝરાયલની સંખ્યા હોય તોપણ તેનો શેષ જ તારણ પામશે. 28કેમ કે પ્રભુ પોતાનું વચન પૂર્ણ કરશે, અને ટૂંકમાં પતાવીને તેને પૃથ્વી પર અમલમાં લાવશે.”
29એમ જ યશાયાએ આગળ પણ કહ્યું હતું, #યશા. ૧:૯. “જો સૈન્યોના પ્રભુએ આપણે માટે બીજ રહેવા દીધું ન હોત, તો આપણે સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત.”
ઇઝરાયલ અને સુવાર્તા
30તો આપણે શું અનુમાન કરીએ? એ જ કે વિદેશીઓ ન્યાયીપણાની પાછળ લાગુ રહેતા નહોતા, તોપણ તેઓને ન્યાયીપણું, એટલે જે ન્યાયપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે, પ્રાપ્ત થયું. 31પણ જેથી ન્યાયીપણું પ્રાપ્ત કરી શકાય એવા નિયમની પાછળ લાગુ રહ્યા છતાં ઇઝરાયલ તે નિયમને પહોંચી શક્યા નહિ. 32શા માટે નહિ? કેમ કે તેઓ વિશ્વાસથી નહિ, પણ જાણે કે [નિયમની] કરણીઓથી [તેને શોધતા હતા] , તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી. 33લખેલું છે,
#
યશા. ૨૮:૧૬. “જુઓ, હું સિયોનમાં ઠેસ
ખવડાવનાર પથ્થર,
ને ઠોકરરૂપ ખડક મૂકું છું.
જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે
તે શરમાશે નહિ.”
Currently Selected:
રોમનોને પત્ર 9: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.