રોમનોને પત્ર 7
7
લગ્નના ઉદાહરણદ્વારા સ્પષ્ટીકરણ
1વળી, ભાઈઓ, શું તમે નથી જાણતા (નિયમ [શાસ્ત્ર] જાણનારા પ્રત્યે હું બોલું છું.) કે માણસ જીવે છે ત્યાં સુધી તેના પર નિયમની સત્તા હોય છે? 2કેમ કે જે સ્ત્રીને પતિ છે, તે પોતાના પતિના જીવતાં સુધી તેની સાથે નિયમથી બંધાયેલી હોય છે, પણ જો તેનો પતિ મરી જાય, તો તે પતિના નિયમથી મુક્ત થાય છે. 3હવે પતિના જીવતાં જો તે બીજો પતિ કરે, તો તે વ્યભિચારિણી કહેવાશે; પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત થાય છે, તેથી જો તે બીજો પતિ કરે તોપણ તે વ્યભિચારણી નથી. 4એમ જ, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તના શરીરદ્વારા નિયમશાસ્ત્રના સંબંધમાં મૂએલા થયા છો, જેથી તમે બીજાના, એટલે જે મૂએલાંમાંથી પાછા ઊઠયા છે તેમના થાઓ કે, આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્ન કરીએ. 5કેમ કે જ્યારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર દ્વારા પાપવાસનાઓ આપણા અવયવોમાં મરણને માટે ફળ ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરતી હતી. 6પણ આપણે જે બાબતમાં બંધાયા હતા તે બાબતમાં મરણ પામ્યાથી હમણાં આપણે નિયમશાસ્ત્રથી મુક્ત થયા છીએ. એ માટે નિયમશાસ્ત્રની જૂની પદ્ધતિ પ્રમાણે નહિ, પણ આત્માને અનુસરનારી નવીન પદ્ધતિ પ્રમાણે સેવા કરીએ.
નિયમશાસ્ત્ર અને પાપ
7ત્યારે આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ન હોત; કેમ કે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત; કે ‘લોભ ન રાખ, ’ તો મેં #નિ. ૨૦:૧૭; પુન. ૫:૨૧. લોભ જાણ્યો ન હોત. 8પણ પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞા વડે મારામાં સર્વ પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો; કેમ કે નિયમ વિના પાપ નિર્જીવ છે. 9હું તો અગાઉ નિયમ વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું, અને હું મરી ગયો. 10એટલે જે આજ્ઞા જીવનને અર્થે [છે એવું] મને માલૂમ પડયું. 11કેમ કે, પાપે, પ્રસંગ મળતાં, આજ્ઞા વડે #ઉત. ૩:૧૩. મને ઠગ્યો, અને તે વડે મને મારી નાખ્યો.
12માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે, અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારક છે. 13ત્યારે શું જે હિતકારક છે તે મને મૃત્યુકારક થયું? ના, કદી નહિ. પણ પાપ તે પાપ જ દેખાય, અને આજ્ઞા વડે પાપ તે અતિશય પાપિષ્ટ થાય, એ માટે જે હિતકારક છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું.
વિશ્વાસી જનમાં વસતા બે સ્વભાવ
14કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે; પણ હું દૈહિક છું, અને પાપને વેચાયેલો છું. 15કેમ કે #ગલ. ૫:૧૭. હું જે કરું છું, તે હું સમજીને [કરતો નથી] :કારણ કે હું જે ઇચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે હું કરું છું. 16ત્યારે હું જે ઇચ્છતો નથી તે જો હું કરું છું, તો હું નિયમ વિષે કબૂલ કરું છું કે તે સારો છે. 17તો હવે જે તે કરે છે તે તો હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે જ તે કરે છે. 18કેમ કે હું જાણું છું કે, મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું [મારામાં] નથી. 19કેમ કે જે સારું હું ઇચ્છું છું તે હું કરતો નથી; પણ જે ભૂંડું હું ઇચ્છતો નથી તે હું કર્યા કરું છું, 20હવે જો હું જે ઇચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. 21તો મને એવો નિયમ માલૂમ પડે છે કે સારું કરવા ઇચ્છું છું ત્યારે ભૂડું હાજર હોય છે. 22કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે ઈશ્વરના નિયમમાં આનંદ માનું છું. 23પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે, અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. 24હું કેવો દુર્ભાગી માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે? 25આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું ઈશ્વરની આભારસ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી ઈશ્વરના નિયમની પણ દેહથી પાપના નિયમની, સેવા કરું છું.
Currently Selected:
રોમનોને પત્ર 7: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.