YouVersion Logo
Search Icon

નીતિવચનો 9

9
જ્ઞાન અને અજ્ઞાનની મિજલસ
1જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે.
તેણે પોતાના સાત સ્તંભો
કોતરી કાઢ્યા છે;
2તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે,
અને દ્રાક્ષારસ મિશ્ર કર્યો છે;
તેણે પોતાની મેજ પર ભોજન
તૈયાર રાખ્યું છે.
3પોતાની દાસીઓને મોકલીને,
નગરની સહુથી ઊંચી જગા પરથી
તે હાંક મારે છે,
4‘જે કોઈ મૂર્ખ હોય, તે વળીને
અહીં અંદર આવે!’
વળી જે બેવકૂફ હોય તેને તે કહે છે,
5‘આવો, મારી રોટલી ખાઓ,
અને મારો મિશ્ર કરેલો
દ્રાક્ષારસ પીઓ.
6હે મૂર્ખો, [હઠ] છોડી દો, ને જીવો;
અને બુદ્ધિને માર્ગે ચાલો.’
7તિરસ્કાર કરનારને ઠપકો આપનાર
બદનામ થાય છે;
અને દુષ્ટ માણસને ધમકાવનારને
અપજશ મળે છે.
8તિરસ્કાર કરનારને ઠપકો ન દે,
રખેને તે તારો ધિક્કાર કરે;
9જ્ઞાની પુરુષને [શિક્ષણ] આપ,
એટલે તે વધારે જ્ઞાની થશે;
ન્યાયી માણસને શીખવ, એટલે
તેની સમજમાં વૃદ્ધિ થશે.
10 # અયૂ. ૨૮:૨૮; ગી.શા. ૧૧૧:૧૦; નીતિ. ૧:૭. યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે;
અને પરમપવિત્રની ઓળખાણ
એ જ બુદ્ધિ છે.
11કેમ કે મારા વડે તારા
આયુષ્યની વૃદ્ધિ થશે,
અને તારા આવરદાનાં વર્ષો વધશે.
12જો તું જ્ઞાની હોય, તો તારે પોતાને માટે
તું જ્ઞાની છે;
અને જો તું તિરસ્કાર કરતો હોય, તો
તારે એકલાને જ તે [નું ફળ]
ભોગવવું પડશે.
13મૂર્ખ સ્‍ત્રી કંકાસિયણ છે;
તે સમજણ વગરની છે,
અને છેક અજાણ છે.
14તે પોતાના ઘરના બારણા આગળ,
નગરની ઊંચી જગાઓ પર આસન
વાળીને બેસે છે,
15જેથી ત્યાં થઈને જનારાઓને, એટલે
પોતાને સીધે માર્ગે ચાલનારાઓને
તે [એમ કહીને] બોલાવે,
16‘જે કોઈ મૂર્ખ હોય, તે વળીને અહીં
અંદર આવે!’ અને બુદ્ધિહીનને
તે કહે છે,
17‘ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે,
અને સંતાઈને [ખાધેલી] રોટલી
સ્વાદિષ્ટ હોય છે.’
18પણ તે જાણતો નથી કે
તે મૂએલાની જગા છે;
અને તેના મહેમાનો શેઓલનાં
ઊંડાણોમાં ઊતરનારા છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 9