YouVersion Logo
Search Icon

નીતિવચનો 8

8
જ્ઞાનનું સ્તુતિજ્ઞાન
1 # નીતિ. ૧:૨૦-૨૧. શું જ્ઞાન હાંક મારતું નથી, અને બુદ્ધિ
બૂમ પાડતી નથી?
2તે રસ્તાઓના સંગમ આગળ,
માર્ગની એકબાજુ ઊંચા ચબૂતરાઓની
ટોચ પર ઊભું રહે છે;
3તે દરવાજાની પાસે, નગરના દ્વારે,
અને બારણામાં પેસવાની જગાએ,
મોટેથી પોકારે છે,
4“હે માણસો, હું તમને
હાંક મારીને કહું છું;
મારું બોલવું મનુષ્યોને માટે છે.
5હે બેવકૂફો, શાણપણ શીખો;
અને હે મૂર્ખો, તમે સમજણા થાઓ.
6સાંભળો, હું ઉત્તમ વાતો કહીશ;
અને યથાયોગ્ય વાતો વિષે
મારા હોઠો ઊઘડશે.
7મારું મુખ સત્ય ઉચ્ચારશે;
કેમ કે દુષ્ટતા મારા હોઠોને
ધિક્કારપાત્ર લાગે છે.
8મારા મુખના બધા શબ્દો નેક છે;
તેઓમાં વાંકું કે વિપરીત કંઈ નથી,
9તેઓ સર્વ સમજણાને માટે સીધા છે,
વિદ્વાનોને તેઓ યથાયોગ્ય લાગે છે.
10રૂપું નહિ, પણ મારું શિક્ષણ લો;
ચોખ્ખા સોના કરતાં
સમજ સંપાદન કરો.
11કેમ કે જ્ઞાન માણેક કરતાં શ્રેષ્ઠ છે;
સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ
તેની બરાબરી કરી શકે નહિ.
12મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ
બનાવ્યું છે,
અને કૌશલ્ય તથા વિવેકબુદ્ધિને
હું શોધી કાઢું છું.
13દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ
યહોવાનું ભય છે;
અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ,
તથા આડું મુખ, એમનો
હું ધિક્કાર કરું છું.
14ડહાપણ તથા કૌશલ્ય મારાં છે;
હું બુદ્ધિ છું; મને સામર્થ્ય છે.
15મારા વડે રાજાઓ રાજ કરે છે,
અને હાકેમો ન્યાય ચૂકવે છે.
16મારાથી સરદારો તથા હોદ્દેદારો,
હા, પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,
અમલ ચલાવે છે.
17મારા પર પ્રેમ કરનારાઓ પર
હું પ્રેમ રાખું છું;
જેઓ ખંતથી મને શોધે છે
તેઓને હું પ્રાપ્ત થઈશ.
18દ્રવ્ય તથા માન મારી પાસે છે,
અચળ ધન તથા નેકી પણ છે.
19મારું ફળ સોના કરતાં,
ચોખ્ખા સોના કરતાં,
અને મારી પેદાશ ઊંચી જાતના
રૂપા કરતાં શ્રેષ્ઠ છે.
20હું નેકીના માર્ગમાં,
ન્યાયના રસ્તાઓની વચ્ચે
ચાલું છું; કે
21જેથી હું મારા પર પ્રેમ કરનારાઓને
સંપત્તિનો વારસો આપું,
અને તેઓના ભંડારો ભરપૂર કરું.
22યહોવાએ સૃષ્ટિક્રમના આરંભમાં,
# પ્રક. ૩:૧૪. તેનાં આદિકૃત્યોની અગાઉ
મને ઉત્પન્‍ન કર્યું.
23સદાકાળથી, આરંભથી,
પૃથ્વી થયા પહેલાં મને સ્થાપન
કરવામાં આવ્યું હતું.
24જ્યારે કોઈ જળનિધિઓ નહોતા,
જ્યારે પાણીથી ભરપૂર
કોઈ ઝરાઓ નહોતા,
ત્યારે મારો જન્મ થયો હતો.
25પર્વતોના પાયા નંખાયા તે પહેલાં,
ડુંગરો થયા અગાઉ,
મારો જન્મ થયો હતો;
26ત્યાં સુધી પ્રભુએ પૃથ્વી, ખેતરો કે,
દુનિયાની માટીનું મંડાણ કર્યું નહોતું.
27જ્યારે તેમણે આકાશો વ્યવસ્થિત કર્યાં,
ત્યારે હું ત્યાં હતું;
જ્યારે તેમણે ઊંડાણના પ્રદેશની
ચારે બાજુ મર્યાદા ઠરાવી;
28જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષ સ્થિર કર્યું;
જ્યારે તેમણે જળનિધિના
ઝરા દઢ કર્યા;
29જ્યારે તેમણે સમુદ્રને હદ નીમી આપી
કે, તે ફરમાવેલી [મર્યાદા]
ઓળંગે નહિ;
જ્યારે તેમણે પૃથ્વીના પાયા આંક્યા;
30ત્યારે કુશળ કારીગર તરીકે
હું તેમની સાથે હતું;
અને હું દિનપ્રતિદિન
તેમને સંતોષ આપતું હતું,
સદા હું તેમની આગળ હર્ષ કરતું હતું.
31તેમની વસ્તીવાળી પૃથ્વી પર
હું ગમત કરતું હતું;
અને મનુષ્યોમાં
મને આનંદ થતો હતો.”
32હવે, દીકરાઓ, મારું સાંભળો;
કેમ કે મારા માર્ગો
પાળનારને ધન્ય છે.
33શિખામણ સાંભળીને જ્ઞાની થાઓ,
અને તેનો નકાર કરશો નહિ.
34જે માણસ મારું સાંભળે છે,
દરરોજ મારા દરવાજા પાસે
લક્ષ રાખે છે,
તથા મારી બારસાખો આગળ રાહ
જુએ છે, તેને ધન્ય છે.
35કેમ કે જેઓને હું મળું છું,
તેઓને જીવન મળે છે,
અને તેઓ યહોવાની કૃપા પ્રાપ્ત કરશે.
36પણ જે મારી વિરુદ્ધ ભૂલ કરે છે,
તે પોતાના જ આત્માને
નુકસાન પહોંચાડે છે;
મને ધિક્કારનારા
સર્વ મોતને ચાહે છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in