નીતિવચનો 4
4
જ્ઞાનની ફળપ્રાપ્તિ
1દીકરાઓ, પિતાની
શિખામણ સાંભળો,
અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો;
2કેમ કે હું તમને ઉત્તમ બોધ આપું છું;
મારા શિક્ષણનો ત્યાગ ન કરો.
3કેમ કે હું મારા પિતાનો
[માનીતો] દીકરો હતો,
મારી માની દષ્ટિમાં હું સુકુમાર તથા
એકનોએક હતો.
4મારા પિતાએ મને શિક્ષણ આપતાં કહ્યું,
“તારા અંત:કરણમાં
મારા શબ્દો સંઘરી રાખ;
મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે:
5જ્ઞાન મેળવ, બુદ્ધિ સંપાદન કર;
ભૂલીશ નહિ, અને મારા મુખના શબ્દ
ભૂલીને આડે માર્ગે વળીશ નહિ;
6તેને તું ન તજ, એટલે
તે તારું રક્ષણ કરશે;
તેના પર પ્રેમ કર,
ને તે તને સંભાળશે.
7જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે;
તેથી તે પ્રાપ્ત કર;
તારી બધી કમાણી ઉપરાંત
બુદ્ધિ પ્રાપ્ત કર.
8તેનું સન્માન કર, અને તે તને ઉચ્ચ
પદવીએ ચઢાવશે;
તું તેને ભેટીશ, તો
તે તને પ્રતિષ્ઠિત કરશે.
9તે તારા માથાને શોભાનો
શણગાર પહેરાવશે;
તે તને તેજસ્વી મુગટ આપશે.”
સીધો અને અવળો માર્ગ
10હે મારા દીકરા, મારી વાતો
સાંભળીને સ્વીકાર;
એટલે તારા આવરદાનાં વર્ષો
ઘણાં થશે.
11મેં તને જ્ઞાનના માર્ગમાં કેળવ્યો છે;
મેં તને પ્રામાણિકપણાને રસ્તે
દોર્યો છે.
12તું ચાલશે ત્યારે તારાં પગલાં સંકોચ
પામશે નહિ;
અને તું દોડશે ત્યારે
તને ઠોકર વાગશે નહિ.
13શિખામણને મજબૂત પકડી રાખ;
તેને છોડતો નહિ;
તેને સંઘરી રાખ;
કેમ કે તે તારું જીવન છે.
14દુષ્ટના માર્ગમાં પ્રવેશ ન કર;
અને ભૂંડા માણસોના રસ્તામાં ન ચાલ.
15તેનાથી દૂર રહે, તેની પડખે ન જા;
તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા.
16કેમ કે તેઓ નુકસાન કર્યા વગર
ઊંઘતા નથી;
અને કોઈને ફસાવ્યા વગર
તેમની ઊંઘ ઊડી જાય છે.
17કેમ કે તેઓ દુષ્ટતાને
અન્ન તરીકે ખાય છે,
અને જોરજુલમને દ્રાક્ષારસની
જેમ પીએ છે.
18પણ સદાચારીનો માર્ગ પ્રભાતના
પ્રકાશ જેવો છે,
જે મધ્યાહન થતાં સુધી
વધતો ને વધતો જાય છે.
19દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે;
તેઓ શાથી ઠેસ ખાય છે,
તે તેઓ જાણતા નથી.
20મારા દીકરા, મારા શબ્દો પર
લક્ષ આપ;
મારી વાતો પર કાન ધર.
21તેઓને તારી આંખ આગળથી
દૂર થવા ન દે;
તેઓને તારા હ્રદયમાં રાખ.
22તે જેઓને મળે છે,
તેઓને તે જીવનરૂપ છે,
અને તેમના આખા શરીરને
આરોગ્યરૂપ છે.
23પૂર્ણ ખંતથી તારા હ્રદયની સંભાળ રાખ;
કેમ કે તેમાંથી જ જીવનનો
ઉદભવ છે.
24આડું મોઢું તારી પાસેથી દૂર કર,
અને હઠીલા હોઠ તારાથી દૂર રાખ.
25તારી આંખો સામી નજરે જુએ,
અને તારાં પોપચાં તારી
આગળ સીધી નજર નાખે.
26 #
હિબ. ૧૨:૧૩. તારા પગનો માર્ગ સપાટ કર,
અને તારા સર્વ રસ્તા નિયમસર થાય.
27જમણે કે ડાબે હાથે મરડાઈને
જતો નહિ;
દુષ્ટતાથી તારો પગ દૂર કર.
Currently Selected:
નીતિવચનો 4: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.