YouVersion Logo
Search Icon

નીતિવચનો 18

18
1જે જુદો પડે છે તે પોતાની ઇચ્છા
સાધવા મથે છે,
તે રીસથી સર્વ સુજ્ઞાનની
વિરુદ્ધ થાય છે.
2મૂર્ખને બુદ્ધિમાં તો નહિ,
પણ તેનું હ્રદય પોતાનું સ્વરૂપ પ્રકાશે,
તેમાં જ આનંદ છે.
3દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર
પણ લેતો આવે છે,
અને અપકીર્તિ સાથે નિંદા
[પણ આવે છે].
4માણસના મુખના શબ્દો ઊંડા
પાણી જેવા છે;
જ્ઞાનનો ઝરો વહેતી નદી [જેવો છે].
5દુષ્ટની શેહશરમ રાખવી,
તથા ઇનસાફમાં નેક માણસને
છેહ દેવો એ યોગ્ય નથી.
6મૂર્ખના હોઠ કજિયા કરાવે છે,
અને તેનું મોં ફટકા માગે છે.
7મૂર્ખનું મોં એ તેનો વિનાશ છે,
અને તેના હોઠ એ તેના પોતાના
આત્માનો ફાંદો છે.
8કાન ભંભેરનારના શબ્દો સ્વાદિષ્ટ
કોળિયા જેવા છે,
અને તે પેટના અભ્યંતરમાં
ઊતરી જાય છે.
9વળી જે પોતાનાં કામ
કરવામાં ઢીલો છે
તે ઉડાઉનો ભાઈ છે.
10યહોવાનું નામ મજબૂત કિલ્લો છે;
નેકીવાન તેમાં નાસી જઈને
સહીસલામત રહે છે.
11દ્રવ્યવાન માણસનું ધન એ
તેનું કિલ્‍લેબંધીવાળું શહેર છે,
તેની પોતાની માન્યતા પ્રમાણે
તે ઊંચા કોટ જેવું છે.
12માણસનું હ્રદય ગર્વિષ્ઠ થયા પછી
નાશ આવે છે,
પહેલી દીનતા છે, પછી માન છે.
13સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં
મૂર્ખાઈ તથા લજ્જા છે.
14હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખ
સહન કરી શકશે;
પણ ઘાયલ મન કોણ વેઠી શકે?
15ડાહ્યાનું હ્રદય ડહાપણ પ્રાપ્ત કરે છે;
અને જ્ઞાની જ્ઞાન સાંભળવા મથે છે.
16માણસની બક્ષિસ તેને માટે માર્ગ
ખુલ્લો કરે છે.
અને તેને મોટા માણસની હજૂરમાં
દાખલ કરે છે.
17જે પોતાનો દાવો પ્રથમ માંડે છે
તે [વાજબી દેખાય છે] ;
પણ તેનો પ્રતિવાદી આવીને
તેને ઉઘાડો પાડે છે.
18ચિઠ્ઠી [નાખવાથી] તકરાર
સમી જાય છે,
અને સમર્થોના ભાગ
વહેંચવામાં આવે છે.
19દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી
તે કિલ્લાવાળા નગરને
[જીતવા કરતાં મુશ્કેલ છે] ;
[એવા] કજિયા કિલ્લાની
ભૂંગળો જેવા છે.
20માણસ પોતાના મુખના ફળથી
પેટ ભરીને ખાશે;
અને તેના હોઠોની ઊપજથી
તે ધરાશે.
21મરણ તથા જીવન જીભની સત્તામાં છે;
અને તેનો જે જેવો ઉપયોગ કરશે
તે તેવું ફળ ખાશે.
22જેને પત્ની મળે તેને સારી ભેટ
મળી જાણવી,
અને તેને યહોવાની કૃપા પ્રાપ્ત
થાય છે.
23ગરીબ કાલાવાલા કરે છે;
પણ દ્રવ્યવાન કઠોર જવાબ આપે છે.
24જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન
વહોરે છે;
પરંતુ એક એવો મિત્ર છે કે જે ભાઈના
કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 18