YouVersion Logo
Search Icon

નીતિવચનો 17

17
1જે ઘર મિજબાનીથી ભરપૂર
હોય પણ કજિયાકંકાસવાળું
હોય તેના કરતાં શાંતિ સહિત
રોટલીનો સૂકો ટુકડો સારો છે.
2ડહાપણથી વર્તનાર ચાકર બદનામી
કરાવનાર દીકરા પર
અધિકાર ચલાવશે.
અને એ ચાકરને દીકરાના ભાઈઓમાં
વારસાનો ભાગ મળશે.
3રૂપાને ગાળવા માટે કુલડી હોય છે,
અને સોનાને માટે ભઠ્ઠી હોય છે;
પણ અંત:કરણને પારખનાર યહોવા છે.
4દુષ્કર્મી દુષ્ટ હોઠો પર લક્ષ આપે છે;
અને જૂઠો નુકસાનકારક જીભ તરફ
કાન ધરે છે.
5જે ગરીબની મશ્કરી કરે છે તે તેના
સરજનહારની નિંદા કરે છે;
જે કોઈ વિપત્તિને દેખીને રાજી થાય છે
તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.
6છોકરાંનાં છોકરાં વૃદ્ધ પુરુષનો
મુગટ છે;
અને છોકરાંનો મહિમા તેઓના
પિતાઓ છે.
7ઉત્તમ ભાષણ મૂર્ખને ઘટતું નથી;
તેમ સરદારોને જૂઠા હોઠો
વિશેષ અઘટિત છે.
8જેને બક્ષિસ મળે છે, તેની નજરમાં
તે મૂલ્યવાન મણિ જેવી છે;
જ્યાં જ્યાં તે જાય છે, ત્યાં ત્યાં
તે ઉદય પામે છે
9દોષને ઢાંકનાર પ્રેમ શોધે છે;
પણ અમુક બાબત વિષે બોલ્યા
કરનાર ઇષ્ટ મિત્રોમાં અંતર પાડે છે.
10મૂર્ખને સો ફટકાના કરતાં,
બુદ્ધિમાનને ઠપકાનો ઘા વધારે ઊંડી
અસર કરે છે.
11ભૂંડો માણસ ફક્ત બળવો શોધે છે;
તે માટે તેની સામે ક્રૂર સંદેશિયો
મોકલવામાં આવશે.
12જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી
રીંછણ કોઈને મળજો,
પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો.
13જે કોઈ ભલાઈનો બદલો ભૂંડાઈથી
વાળે છે,
તેના ઘરમાંથી હાનિ દૂર થશે નહિ.
14કોઈ પાણીને નીકળવાનું [બાકું] કરી
આપે,
તે માફક જ ઝઘડાનો આરંભ છે;
માટે ઝઘડો થયા પહેલાં
તકરાર મૂકી દો.
15જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે, ને જે
કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે,
તેઓ બંનેથી સરખી રીતે યહોવા
કંટાળે છે.
16જ્યારે મૂર્ખને બુદ્ધિ નથી
ત્યારે જ્ઞાન ખરીદવા તેના હાથમાં
મૂલ્ય ક્યાંથી હોય?
17મિત્ર સર્વ સમયે પ્રેમ રાખે છે,
અને ભાઈ પડતી દશાને માટે
જન્મ્યો છે.
18બુદ્ધિહીન માણસ વચન આપીને
પોતાના પડોશીનો જામીન થાય છે.
19કજિયો ચાહનાર ગુનો ચાહે છે;
જે પોતાનો દરવાજો ઊંચો કરે છે
તે પોતાનો નાશ શોધે છે.
20વિપરીત મનવાળા માણસનું
હિત થતું નથી;
અને આડી જીભવાળો હાનિમાં
આવી પડે છે.
21જેને પેટે મૂર્ખ પડે છે તેને ખેદ થાય છે;
અને મૂર્ખના પિતાને આનંદ નથી.
22આનંદી હ્રદય એ ઉત્તમ ઔષધ છે;
પણ ઘાયલ થયેલું મન હાડકાંને
સૂકવી નાખે છે.
23દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને
ઇનસાફના માર્ગ ઊંઘા વાળે છે.
24બુદ્ધિમાન પુરુષની દષ્ટિ જ્ઞાન
ઉપર જ હોય છે;
પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર
ચોંટેલી હોય છે.
25મૂર્ખ દીકરો પોતાના પિતાને
ખેદરૂપ છે,
તે પોતાની માતાને દુ:ખરૂપ છે.
26વળી નેકીવાનને દંડ કરવો,
તથા પ્રામાણિકપણાને લીધે
સજ્‍જનોને મારવા એ યોગ્ય નથી.
27થોડાબોલો માણસ શાણો છે;
અને ઠંડા મિજાજનો માણસ
બુદ્ધિમાન હોય છે.
28મૂર્ખ છાનો રહે ત્યાં સુધી
તે ડાહ્યો ગણાય છે;
હોઠ બંધ રાખે ત્યાં સુધી તે
શાણો [લેખાય] છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 17