YouVersion Logo
Search Icon

નીતિવચનો 16

16
1માણસો મનમાં સંકલ્પ કરે છે;
પણ જીભથી ઉત્તર આપવો
તે યહોવાના હાથમાં છે.
2માણસના સર્વ માર્ગો તેની પોતાની
નજરમાં તો ચોખ્ખા છે;
પણ યહોવા તેમના
મનની તુલના કરે છે.
3તારાં કામો યહોવાને સ્વાધીન કર,
એટલે તારા મનોરથ પૂરા
કરવામાં આવશે.
4યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના
ઉપયોગને માટે સરજી છે;
હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે
[સરજ્યા છે].
5દરેક અભિમાની અંત:કરણવાળાથી
યહોવા કંટાળે છે;
હું ખાતરીપૂર્વક [કહું છું] કે,
તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.
6દયા તથા સત્યતાથી
પાપનું પ્રાયશ્ચિત્ત થાય છે;
અને યહોવાના ભયથી માણસો
દુષ્ટતાથી દૂર થાય છે.
7જ્યારે કોઈ માણસના માર્ગથી
યહોવા રાજી થાય છે,
ત્યારે તે તેના શત્રુઓને પણ
તેની સાથે સલાહસંપમાં રાખે છે.
8અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં,
નેકીથી મળેલી
થોડી [આવક] સારી છે.
9માણસનું મન પોતના માર્ગની
યોજના કરે છે;
પણ તેનાં પગલાં ચલાવવાનું
યહોવાના હાથમાં છે.
10રાજાના હોઠોમાં ઈશ્વરવાણી છે;
તેનું મુખ ખોટો ઇનસાફ કરશે નહિ.
11અદલ કાંટો તથા ત્રાજવાં
યહોવાનાં છે;
કોથળીની અંદરનાં સર્વ વજનિયાં
પ્રભુનું કામ કરે છે.
12દુષ્ટ કર્મો કરવાથી રાજાઓને
કંટાળો આવે છે;
કેમ કે નેકીથી રાજ્યાસન
સ્થિર રહે છે.
13નેક હોઠો રાજાઓને આનંદદાયક છે;
તેઓ ખરું બોલનારને ચાહે છે.
14રાજાનો કોપ મૃત્યુદૂતો જેવો છે;
પણ શાણો માણસ તેને શાંત પાડશે.
15રાજાના મુખના પ્રકાશમાં જીવન છે;
અને તેની કૃપા પાછલા વરસાદના
વાદળા જેવી છે.
16સોના કરતાં જ્ઞાન મેળવવું
એ કેટલું ઉત્તમ છે!
અને રૂપા કરતાં બુદ્ધિ
પસંદ કરવા યોગ્ય છે.
17ભૂંડાઈથી દૂર જવું એ જ પ્રામાણિક
માણસો રાજમાર્ગ છે;
જે પોતાનો માર્ગ સંભાળે છે
તે પોતાના આત્માનું રક્ષણ કરે છે.
18અભિમાનનું પરિણામ નાશ છે,
અને ગર્વિષ્ઠ સ્વભાવનો
અંત પાયમાલી છે.
19ગરીબની સાથે નમ્રતા રાખવી
તે અભિમાનીની સાથે
લૂંટ વહેંચી લેવા કરતાં ઉત્તમ છે.
20જે [પ્રભુના] વચનને ધ્યાનમાં લે છે
તેનું હિત થશે.
અને જે કોઈ યહોવા પર વિશ્વાસ
રાખે છે તેને ધન્ય છે.
21જ્ઞાની અંત:કરણવાળો માણસ
શાણો કહેવાશે;
અને મીઠા હોઠોથી સમજની
વૃદ્ધિ થાય છે.
22જેને બુદ્ધિ છે તેને તે જીવનનો ઝરો છે;
પણ મૂર્ખોની શિક્ષા તો
[તેમની] મૂર્ખાઈ છે.
23જ્ઞાનીનું હ્રદય તેના મુખને શીખવે છે,
અને તેના હોઠોને સમજની વૃદ્ધિ
કરી આપે છે.
24માયાળુ શબ્દો મઘ જેવા છે,
તેઓ આત્માને મીઠા લાગે છે તથા
હાડકાંને આરોગ્ય આપે છે.
25 # નીતિ. ૧૪:૧૨. એક એવો માર્ગ છે કે જે માણસને અદલ
લાગે છે ખરો,
પણ પરિણામે તે મોતનો જ માર્ગ છે.
26મજૂરની ભૂખ તેની પાસે મજૂરી
કરાવે છે;
કેમ કે તેનું મુખ તેને તેમ
કરવાની ફરજ પાડે છે.
27અધમ માણસ તરકટ રચે છે;
તેના હોઠોમાં બાળી મૂકનાર
અગ્નિ છે.
28આડો માણસ ઝઘડો ફેલાવે છે;
અને કાન ભંભેરનારો ઇષ્ટ
મિત્રોમાં અંતર પાડી દે છે.
29જુલમી માણસ પોતાના પડોશીને
લલચાવીને અશુભ માર્ગમાં
દોરી જાય છે.
30જે કોઈ પોતાની આંખો મીંચીને
વિપરીત યુક્તિઓ રચે છે,
અને જે કોઈ પોતાના હોઠ બીડે છે
તે હાનિ કરે છે.
31માથે પળિયાં એ મહિમાનો મુગટ છે.
તે નેકીના માર્ગમાં માલૂમ પડશે.
32જે ક્રોધ કરવે ધીમો
તે પરાક્રમી કરતાં સારો છે;
અને જે પોતાના મિજાજને કાબૂમાં
રાખે છે તે શહેર જીતનારના
કરતાં ઉત્તમ છે.
33ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે,
પણ તે બધાંનો નિર્ણય
યહોવાના હાથમાં છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 16