YouVersion Logo
Search Icon

નીતિવચનો 15

15
1નમ્ર ઉત્તર ક્રોધને શાંત
કરી દે છે;
પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે;
2જ્ઞાનીની જીભ ખરી સમજ ઊચરે છે;
પણ મૂર્ખો પોતાને મુખે
મૂર્ખાઈને વહેતી મૂકે છે.
3યહોવાની દષ્ટિ સર્વ સ્થળે છે,
તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે.
4નિર્મળ જીભ જીવનનું ઝાડ છે;
પણ તેની કુટિલતા
મનને ભાંગી નાખે છે.
5મૂર્ખ પોતાના પિતાની શિખામણને
તુચ્છ ગણે છે;
પણ ઠપકાને લક્ષમાં લેનાર
શાણો થાય છે.
6નેકીવાનના ઘરમાં ધનનો ભંડાર છે;
પણ દુષ્ટની પેદાશમાં સંકટ છે.
7જ્ઞાનીના હોઠો જ્ઞાનનો ફેલાવ કરે છે;
પણ મૂર્ખનું હ્રદય એમ કરતું નથી.
8દુષ્ટના યજ્ઞાર્પણથી
યહોવાને કંટાળો આવે છે;
પણ પ્રામાણિકની પ્રાર્થનાથી
તેમને આનંદ થાય છે.
9દુષ્ટના માર્ગથી યહોવા કંટાળે છે;
પણ નેકીને અનુસરનાર પર
તે પ્રેમ કરે છે.
10માર્ગ તજનારને ભારે શિક્ષા થશે;
અને ઠપકાને ધિક્કારનાર માર્યો જશે.
11શેઓલ તથા અબદોન [વિનાશ]
યહોવાની આગળ [ખુલ્લાં] છે;
તો માણસોનાં હ્રદય કેટલાં વિશેષ
[ખુલ્‍લાં હોવાં જોઈએ] !
12તિરસ્કાર કરનાર ઠપકો ખમવા
ચાહતો નથી;
તે જ્ઞાનીની પાસે પણ જવા
ઇચ્છતો નથી;
13અંત:કરણનો આનંદ ચહેરાને
પ્રફુલ્લિત કરે છે;
પણ હ્રદયના ખેદથી
મન ભાંગી જાય છે.
14બુદ્ધિમાનનું અંત:કરણ ડહાપણ
શોધે છે;
પણ મૂર્ખોનું મુખ મૂર્ખાઈનો
આહાર કરે છે.
15વિપત્તિવાનના સર્વ દિવસો ભૂંડા છે;
પણ ખુશ અંત:કરણવાળાને
સદા મિજબાની છે.
16ઘણું ધન હોય પણ તે સાથે સંકટ હોય,
તેના કરતાં, થોડું [ધન] હોય પણ
તે સાથે યહોવાનું ભય હોય,
તો તે ઉત્તમ છે.
17વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં
પ્રેમી જનને ત્યાં ભાજીનું
[ભોજન] ઉત્તમ છે.
18ક્રોધી માણસ ઝઘડો ઊભો કરે છે;
પણ રીસ કરવે ધીમો માણસ
કજિયો સમાવી દે છે.
19આળસુનો માર્ગ કાંટાની વાડ જેવો છે;
પણ પ્રામાણિકનો પંથ સડક
જેવો [સરળ] છે.
20ડાહ્યો દીકરો પોતાના પિતાને
સુખી કરે છે;
પણ મૂર્ખ માણસ પોતાની માને
તુચ્છ ગણે છે.
21અજ્ઞાનીને મૂર્ખાઈ આનંદરૂપ લાગે છે;
પણ બુદ્ધિમાન માણસ
પોતાની વર્તણૂક સીધી રાખે છે.
22સલાહ [લીધા] વગરના
ઇરાદા રદ જાય છે;
પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો
તેઓ પાર પડે છે.
23પોતાને મુખે આપેલા [યોગ્ય] ઉત્તરથી
માણસને આનંદ થાય છે;
અને વખતસર [બોલેલો] શબ્દ કેવો
સારો છે!
24જ્ઞાનીને તેનો માર્ગ ઊંચો ચઢીને
જીવનમાં પહોંચાડે છે,
તે નીચેના શેઓલથી દૂર જાય છે.
25યહોવા અભિમાનીનું ઘર સમૂળગું
ઉખેડી નાખશે;
પણ વિધવાની હદ તે કાયમ રાખશે.
26દુષ્ટની યોજનાઓથી યહોવા કંટાળે છે;
પણ પવિત્રોના બોલ તેને
સુખદાયક છે.
27દ્રવ્યલોભી પોતાના જ કુટુંબને
હેરાન કરે છે;
પણ લાંચને ધિક્કારનાર
આબાદ થશે.
28સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે;
પણ દુષ્ટ પોતાને મુખે ભૂંડી
વાતો વહેતી મૂકે છે.
29યહોવા દુષ્ટથી દૂર છે;
પણ તે સદાચારીની
પ્રાર્થના સાંભળે છે.
30આંખોના અજવાળાથી અંત:કરણને
આનંદ થાય છે;
અને સારા સમાચાર હાડકાંને
પુષ્ટ કરે છે.
31જે ઠપકાનું પરિણામ જીવન છે તે પર
જે કાન ધરે છે તે જ્ઞાનીઓમાં ગણાશે.
32શિખામણનો ત્યાગ કરનાર પોતે
પોતાના જ આત્માને તુચ્છ ગણે છે;
પણ ઠપકાને ગણકારનાર બુદ્ધિ
પ્રાપ્ત કરે છે.
33યહોવાનું ભય જ્ઞાનનું શિક્ષણ છે;
પહેલી દીનતા છે ને પછી માન છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 15