YouVersion Logo
Search Icon

નીતિવચનો 14

14
1દરેક ડાહી સ્‍ત્રી પોતાના ઘરની
આબાદી વધારે છે;
પણ મૂર્ખ પોતાના જ હાથથી
તેને તોડી પાડે છે.
2જે પ્રામાણિકપણે ચાલે છે,
તે યહોવાનું ભય રાખે છે.
પણ જે પોતાના માર્ગોમાં અવળો
ચાલે છે, તે તેને તુચ્છ માને છે.
3મૂર્ખના મોઢામાં અભિમાનની સોટી છે;
પણ જ્ઞાનીઓના હોઠ તેમનું
રક્ષણ કરશે.
4જ્યાં બળદો નથી, ત્યાં ગભાણ
સાફ હોય છે;
પણ બળદના બળથી ઘણી
નીપજ થાય છે.
5વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ;
પણ જૂઠો સાક્ષી જૂઠ જ ઊચરે છે.
6તિરસ્કાર કરનાર માણસ જ્ઞાન શોધે છે,
પણ [તેને તે જડતું] નથી;
પણ બુદ્ધિમાનને જ્ઞાન
સહજ [પ્રાપ્ત થાય] છે.
7જો તું મૂર્ખ માણસની પાસે જશે,
તો જ્ઞાની હોઠો તારા જોવામાં
આવશે નહિ.
8પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા
માણસનું જ્ઞાન છે;
પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે.
9મૂર્ખ પાપને મશ્કરીમાં ઉડાવે છે;
પણ પ્રામાણિકો ઉપર
[ઈશ્વરની] કૃપા છે.
10અંત:કરણ પોતે
પોતાની વેદના જાણે છે;
અને પારકો તેના આનંદમાં
હાથ નાખી શક્તો નથી.
11દુષ્ટનું ઘર પાયમાલ થશે;
પણ પ્રામાણિકનો તંબુ આબાદ રહેશે.
12 # નીતિ. ૧૬:૨૫. એક એવો માર્ગ છે કે,
જે માણસોને ઠીક લાગે છે,
પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે.
13હસતી વેળાએ પણ
હ્રદય ખિન્‍ન હોય છે;
અને હાસ્યનું પરિણામ શોક છે.
14પાપી હ્રદયવાળાને પોતાના જ
માર્ગનું ફળ ચાખવું પડશે;
અને સારો માણસ
પોતા [ની જ વર્તણૂક] થી [તૃપ્ત થશે].
15ભોળો માણસ દરેક શબ્દ
ખરો માને છે,
પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક
બરાબર ચોક્કસ રાખે છે.
16જ્ઞાની માણસ દુષ્ટતાથી
બીને દૂર થાય છે;
પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને
બેદરકાર બને છે.
17જેને જલદી ક્રોધ ચઢે છે,
તે મૂર્ખાઈ કરશે;
અને દુષ્ટ યોજના કરનાર
ધિક્કાર પામે છે.
18ભોળા માણસો મૂર્ખાઈનો
વારસો પામે છે;
પણ ડાહ્યા માણસોને ડહાપણનો
મુગટ પહેરાવવામાં આવે છે.
19ભૂંડાઓ સજ્‍જનોની આગળ,
અને દુષ્ટો સદાચારીઓનાં બારણાંની
આગળ નમે છે.
20ગરીબને પોતાનો પડોશી પણ
ધિક્કારે છે;
પણ દ્રવ્યવાનને ઘણા મિત્રો હોય છે.
21પોતાના પડોશીને તુચ્છ ગણનાર
પાપ કરે છે;
પણ ગરીબ પર
દયા રાખનારને ધન્ય છે.
22ભૂંડી યોજના કરનારાઓ શું ભૂલ
નથી કરતા?
પણ ભલી યોજના કરનારાને
કૃપા અને સત્ય [પ્રાપ્ત થશે].
23સર્વ પ્રકારના ઉદ્યોગમાં લાભ છે;
પણ હોઠોની વાત માત્ર દરિદ્રતા
લાવનારી છે.
24જ્ઞાનીઓનો મુગટ તેઓનું ધન છે;
પણ મૂર્ખોની મૂર્ખાઈ તો
મૂર્ખાઈ જ રહે છે.
25સાચો સાક્ષી જીવોને બચાવે છે;
પણ જૂઠું બોલનાર કપટ [કરે છે]
26યહોવાના ભયમાં
દઢ વિશ્વાસ સમાયેલો છે;
અને તે રાખનારનાં છોકરાંને
આશ્રયસ્થાન મળશે.
27મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે
યહોવાનું ભય જીવનનો ઝરો છે.
28ઘણી પ્રજા તે રાજાનું માન છે;
પણ પ્રજાની અછતમાં સરદારનો
નાશ છે.
29જે ક્રોધ કરવે ધીમો છે તે ઘણો
બુદ્ધિમાન છે;
પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ
મૂર્ખાઈને ઉત્તેજન આપે છે.
30હ્રદયની શાંતિ શરીરનું જીવન છે;
પણ ઈર્ષા હાડકાંનો સડો છે.
31ગરીબ પર જુલમ કરનાર પોતાના
સરજનહારની નિંદા કરે છે;
પણ દરિદ્રી ઉપર દયા રાખનાર
તેને માન આપે છે.
32દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી
પાડવામાં આવે છે;
પરંતુ સદાચારીને પોતાના મોતમાં
આશા હોય છે.
33બુદ્ધિમાનના અંત:કરણમાં જ્ઞાન રહે છે;
પણ મૂર્ખના અંતરમાંનું [જ્ઞાન]
જણાઈ જાય છે.
34સદાચારથી પ્રજાની ચઢતી થાય છે;
પણ પાપ હરકોઈ પ્રજાને
લાંછનરૂપ છે.
35બુદ્ધિમાન સેવક પર રાજાની
કૃપા હોય છે;
પણ બદનામી કરાવનાર પર
તેનો ક્રોધ હોય છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in