YouVersion Logo
Search Icon

નીતિવચનો 13

13
1ડાહ્યો દીકરો પોતાના પિતાની
શિખામણ [માને છે] ;
પણ તિરસ્કાર કરનાર માણસ
ઠપકાને કાન દેતો નથી.
2માણસ પોતાના શબ્દોથી હિતકારક
ફળ ખાશે;
પણ કપટીનો જીવ જુલમ [વેઠશે].
3પોતાનું મુખ સાચવીને બોલનાર
પોતાના જીવનું રક્ષણ કરે છે;
પણ પહોળા મુખથી બોલનારનો
વિનાશ થશે.
4આળસુનો જીવ ઇચ્છા કરે છે,
પણ તેને કંઈ મળતું નથી;
પણ ઉદ્યોગીના જીવને પુષ્ટ
કરવામાં આવશે.
5સદાચારી માણસ
જૂઠનો ધિક્કાર કરે છે;
પણ દુષ્ટ માણસ કંટાળો આપે છે,
અને બદનામ થાય છે.
6સદાચારી યથાર્થી
માણસોનું રક્ષણ કરે છે;
પણ દુષ્ટતા પાપીને
ઉથલાવી નાખે છે.
7એવા [લોકો] છે કે જે દ્રવ્ય પ્રાપ્ત કરવા
છતાં છેક કંગાલ હોય છે;
એવા પણ છે કે જે પોતાને દરિદ્રી
બનાવી દેવા છતાં ધનાઢ્ય હોય છે.
8દ્રવ્યવાનના જીવનો બદલો
તેનું દ્રવ્ય છે;
પણ દરિદ્રીને ધમકી સાંભળવી
પડતી નથી.
9નેકીવાનોનો પ્રકાશ આનંદ છે;
પણ દુષ્ટોનો દીવો હોલવી
નાખવામાં આવશે.
10અભિમાનથી તો કેવળ તકરાર
ઉત્પન્‍ન થાય છે.
પણ સારી સલાહ માનનારાઓ
પાસે જ્ઞાન છે.
11ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય ઘટી જશે;
પણ મહેનતથી સંગ્રહ કરનારની પાસે
તેનો વધારો થશે.
12આશા [નું ફળ મળવામાં] વિલંબ
થયાથી અંત:કરણ ઝૂરે છે;
પણ ઇચ્છાનું ફળ મળે છે ત્યારે
તે જીવનવૃક્ષ છે.
13વચનને તુચ્છ ગણનારનો
નાશ થાય છે;
પણ આજ્ઞાનું ભય
રાખનારને બદલો મળશે.
14મોતના ફાંદાઓમાંથી છૂટી
જવાને માટે,
જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે.
15સારી સમજણવાળાને કૃપા મળે છે;
પણ કપટીનો માર્ગ ખરબચડો છે.
16પ્રત્યેક ડાહ્યો માણસ બુદ્ધિથી
કામ કરે છે;
પણ મૂર્ખ [પોતાની]
મૂર્ખાઈ ફેલાવે છે.
17દુષ્ટ સંદેશિયો હાનિમાં પડે છે;
પણ વિશ્વાસુ એલચી આરોગ્યરૂપ છે.
18જે શિખામણનો ત્યાગ કરે છે
તેને દરિદ્રતા તથા બદનામી
[મળશે] ; પણ જે ઠપકાને ગણકારશે
તે માન પામશે.
19ઇચ્છાની તૃપ્તિ આત્માને
મીઠી લાગે છે;
પણ દુષ્ટતાથી દૂર થવું એ મૂર્ખોને
કંટાળારૂપ છે.
20જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે,
તો તું જ્ઞાની થશે,
પણ જે મૂર્ખનો સાથી છે તેને
નુકસાન થશે.
21પાપીઓની પાછળ નુકસાન લાગેલું
રહે છે;
પણ નેકીવાનોને હિતકારક
બદલો મળશે.
22સારો માણસ પોતાનાં છોકરાંનાં
છોકરાંને માટે વારસો મૂકી જાય છે;
અને પાપીનું ધન નેકીવાનને માટે
ભરી મૂકવામાં આવે છે.
23ગરીબોની ખેતીમાં ઘણું અન્‍ન
[નીપજે છે] ;
પરંતુ અન્યાયના કારણથી નાશ
પામનારા [માણસો] પણ છે.
24જે સોટી મારતો નથી, તે પોતાના
દીકરાનો વૈરી છે;
પણ તેના પર પ્રેમ કરનાર
તેને વેળાસર શિક્ષા કરે છે.
25નેકીવાન પોતાને સંતોષ થતાં
સુધી ખાય છે;
પણ દુષ્ટનું પેટ ભૂખ્‍યું ને ભૂખ્યું રહેશે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 13