YouVersion Logo
Search Icon

નીતિવચનો 19

19
1કોઈ માણસ કુટિલ હોઠવાળો
અને મૂર્ખ હોય તેના કરતાં
પ્રામાણિકતાથી વર્તનાર ગરીબ
માણસ સારો છે.
2વળી આત્મા અજ્ઞાન રહે તે સારું નથી;
અને ઉતાવળાં પગલાં ભરનાર
પાપમાં પડે છે.
3માણસની મૂર્ખાઈ તેના માર્ગને ઊંધો
વાળે છે;
અને તેનું હ્રદય યહોવા વિરુદ્ધ
ચિડાય છે.
4ધન ઘણા મિત્રો વધારે છે;
પણ દરિદ્રીનો એકનોએક મિત્ર પણ
તેનાથી અળગો થાય છે.
5જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર
રહેશે નહિ;
અને જૂઠું બોલનાર માણસ [સજાથી]
બચી જશે નહિ.
6ઉદાર માણસની મહેરબાની માટે ઘણા
માણસો કાલાવાલા કરશે;
અને દરેક માણસ દાતારનો મિત્ર થવા
ચાહે છે.
7દરિદ્રીના સર્વ ભાઈઓ
તેનો ધિક્‍કાર કરે છે;
અને તેના મિત્રો વિશેષે કરીને
તેનાથી કેટલે બધે દૂર જાય છે!
તે વિનંતી કરતો કરતો
તેઓની પાછળ દોડે છે,
પણ તેઓ લોપ થઈ જાય છે.
8જ્ઞાન સંપાદન કરનાર પોતાના જ
આત્માનો હિતેચ્છુ છે;
બુદ્ધિ પકડનારનું હિત થશે.
9જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર
રહેશે નહિ;
અને જૂઠું બોલનાર માણસ
નાશ પામશે.
10મૂર્ખને મોજશોખ ભોગવવો
શોભાભરેલો નથી;
અને ચાકરને હાકેમ ઉપર અધિકાર
ચલાવવો એ કેટલું બધું
[અઘટિત છે] !
11માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને
શાંત કરે છે;
અને અપરાધની દરગુજર કરવી
એ તેનો મહિમા છે.
12રાજાનો કોપ સિંહની ગર્જના જેવો છે;
પણ તેની રહેમનજર ઘાસ પરના
ઝાકળ જેવી છે.
13મૂર્ખ દીકરો પોતાના પિતાને
વિપત્તિરૂપ છે;
અને કજિયાખોર પત્ની સતત ટપકતા
[પાણી] જેવી છે.
14ઘર તથા દ્રવ્ય બાપદાદાથી
ઊતરેલો વારસો છે;
પણ ડાહી પત્ની
યહોવા તરફથી મળે છે.
15આળસ ભરઊંઘમાં નાખે છે;
અને આળસુ માણસને
ભૂખ વેઠવી પડે છે.
16આજ્ઞા પાળનાર પોતાના આત્માનું
રક્ષણ કરે છે;
પણ જે પોતાના માર્ગો વિષે
બેપરવા છે તે માર્યો જશે.
17ગરીબ પર દયા રાખનાર
યહોવાને ઉછીનું આપે છે,
તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.
18આશા છે ત્યાં સુધી
તારા દીકરાને શિક્ષા કર;
અને તેનો નાશ કરવાને
તું મન ન લગાડ.
19મહાક્રોધીને શિક્ષા ભોગવવી પડશે;
જો તું તેને જવા દેશે, તો તારે ફરી
બીજી વેળા તે આપવી પડશે.
20સલાહ માન, ને શિખામણનો
સત્કાર કર,
જેથી તું તારા [આયુષ્યના]
પાછલા ભાગમાં જ્ઞાની થાય.
21માણસના મનમાં ઘણી
યોજનાઓ હોય છે;
પણ યહોવાનો મનસૂબો જ
કાયમ રહેશે.
22માણસ પોતાના દયાળુપણાના
[પ્રમાણમાં] પ્રિય થાય છે,
જૂઠા કરતાં ગરીબ માણસ સારું છે.
23યહોવાનું ભય જીવનદાતા છે;
[જે તે રાખે છે] તે સંતોષ પામશે;
હાનિરૂપી માર તેના પર
આવશે નહિ.
24આળસુ પોતાનો હાથ થાળીમાં
મૂકે છે ખરો,
પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું
મન થતું નથી.
25તિરસ્કાર કરનારને મારશો, તો
ભોળો શાણો થશે;
અને બુદ્ધિનને ઠપકો દેશો,
તો તે જ્ઞાનમાં પ્રવીણ થશે.
26જે પોતાના પિતાને લૂંટે છે,
અને પોતાની માને નસાડી મૂકે છે,
તે બદનામ કરાવનાર તથા બટ્ટો
લગાડનાર દીકરો છે.
27હે મારા દીકરા, જ્ઞાનની વાતોમાંથી
માત્ર ભટકાવી દે
તેવી શિખામણ સાંભળવાનું
તું મૂકી દે.
28અધમ સાક્ષી ઇનસાફને
મશ્કરીએ ઉડાવે છે;
અને દુષ્ટનું મોં અન્યાયને
ગળી જાય છે.
29તિરસ્કાર કરનારાઓને માટે શિક્ષા,
અને મૂર્ખોની પીઠને માટે ફટકા,
તૈયાર કરેલાં છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 19