YouVersion Logo
Search Icon

નીતિવચનો 20

20
1દ્રાક્ષારસનું ફળ ઠઠ્ઠા છે મદ્યનું
ફળ ઝઘડા છે;
જે કોઈ [પીવાની] ભૂલ કરે છે
તે જ્ઞાની નથી.
2રાજાનો ધાક સિંહની ગર્જના જેવો છે;
તેને કોપાવનાર પોતાના જ જીવની
વિરુદ્ધ અપરાધ કરે છે.
3કજિયાથી દૂર રહેવું એમાં
માણસની આબરૂ છે;
પણ દરેક મૂર્ખ ઝઘડો કર્યા
વગર રહેતો નથી.
4આળસુ શિયાળાનું બહાનું કાઢીને
ખેડશે નહિ;
તેથી તે ફસલમાં ભિક્ષા માગશે,
પણ તેને કંઈ મળશે નહિ.
5અક્કલ માણસના મનમાં ઊંડા
પાણી જેવી છે;
પણ સમજણો માણસ
તેને બહાર કાઢી લાવશે.
6ઘણાખરા માણસો પોતપોતાનો કરેલો
ઉપકાર કહી બતાવશે,
પણ વિશ્વાસુ માણસ કોને મળી શકે?
7ન્યાયી માણસ પોતાના
પ્રામાણિકપણામાં ચાલે છે,
તેને અનુસરનાર
તેના પરિવારને ધન્ય છે.
8ન્યાયાસન પર બિરાજેલો રાજા
પોતાની આંખો વડે બધી ભૂંડાઈ
વિખેરી નાખે છે.
9મેં મારું અંત:કરણ મારાં પાપથી
શુદ્ધ કર્યું છે,
અને હું શુદ્ધ થયો છું,
એવું કોણ કહી શકે?
10વજનિયા વજનિયામાં ફેર છે, અને માપ
માપમાંયે ફેર છે,
એ બન્‍નેથી યહોવા સરખા કંટાળે છે.
11બાળક પણ પોતાના આચરણથી
ઓળખાય છે કે,
તેનું કામ શુદ્ધ અને સારું છે કે નહિ.
12સાંભળતો કાન અને દેખતી આંખ,
બન્‍નેને યહોવાએ બનાવ્યાં છે.
13ઊંઘણશી ન થા, રખેને
તું દરિદ્રાવસ્થામાં આવી પડે;
જો તું તારી આંખો ઉઘાડશે તો
તું અન્‍નથી તૃપ્ત થશે.
14આ તો નકામું છે, નકામું છે,
એવું ખરીદનાર કહે છે;
પણ તે ત્યાંથી ગયા પછી
ફુલાશ મારે છે.
15સોનું તથા માણેકમોતી તો
પુષ્કળ હોય છે;
પણ જ્ઞાની હોઠ તો એક મૂલ્યવાન
જવાહિર છે.
16પરદેશીની જામીની કરનારનું
વસ્‍ત્ર લઈ લે;
અને પારકાનો જામીન થનારને
જવાબદાર ગણ.
17અસત્યની રોટલી માણસને મીઠી
લાગે છે,
પણ પાછળથી તેનું મોં
કાંકરાથી ભરાઈ જશે.
18દરેક મનોરથ સલાહથી પૂરો પડે છે;
માટે ચતુરની સૂચના પ્રમાણે
તારે યુદ્ધ કરવું.
19જે ચાડિયા તરીકે અહીંતહીં ભટકે છે
તે ગુપ્ત વાતો પ્રગટ કરે છે;
માટે એવા હોઠ બહુ પહોળા કરનાર [ના
કામ] માં હાથ નાખતો નહિ.
20જે કોઈ પોતાના પિતાને કે પોતાની
માને શાપ દે છે,
તેનો દીવો ઘોર અંધકારમાં
હોલવી નાખવામાં આવશે.
21શરૂઆતમાં તો વારસો જલદીથી
સંપાદન કરવામાં આવે છે;
પણ તેનું પરિણામ
આશીર્વાદરૂપ થશે નહિ.
22હું ભૂંડાઈનો બદલો લઈશ એવું
તારે ન કહેવું જોઈએ;
યહોવાની રાહ જો, તે તને ઉગારશે.
23જુદા જુદા વજનનાં વજનિયાંથી
યહોવા કંટાળે છે;
અને જૂઠો કાંટો સારો નથી.
24માણસની ચાલચલગત
યહોવાના હાથમાં છે;
તો માણસ કેવી રીતે
પોતાનો માર્ગ સમજી શકે?
25વગર વિચારે એમ કહી દેવું કે,
‘ [અમુક વસ્તુ] અર્પણ કરેલી છે, ’
અને માનતા માન્યા પછી તેના વિષે
તપાસ કરવી એ માણસને
ફાંદારૂપ છે.
26જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી નાખે છે,
અને તેઓ ઉપર ચક્‍કર ફેરવે છે.
27માણસનો આત્મા યહોવાનો દીવો છે,
તે હ્રદયના ભીતરના
ભાગો તપાસે છે.
28કૃપા તથા સત્ય રાજાનું રક્ષણ કરે છે;
દયાથી તેનું રાજ્યાસન ટકી રહે છે.
29જુવાનોનો મહિમા તેઓનું બળ છે;
અને વૃદ્ધ પુરુષોની શોભા
માથાનાં પળિયાં છે.
30સોળ પાડનાર ફટકા
દુષ્ટતાને દૂર કરે છે;
અને ઝટકા હ્રદયના
અભ્યંતરમાં ઊતરે છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in