YouVersion Logo
Search Icon

નીતિવચનો 21

21
1પાણીના પ્રવાહ જેવું રાજાનું મન
યહોવાના હાથમાં છે,
તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.
2માણસનો દરેક માર્ગ તેની પોતાની
નજરમાં તો સીધો [દેખાય] છે;
પણ યહોવા અંત:કરણોની
તુલના કરે છે.
3ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં
તે યજ્ઞ કરતાં પણ યહોવાને
વધારે પસંદ છે.
4અભિમાની આંખ તથા ગર્વિષ્ઠ હ્રદય,
તે દુષ્ટોને દીવારૂપ છે,
પણ તે પાપ છે.
5ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ
ફળ મળે છે;
પણ દરેક ઉતાવળિયો ફક્ત
નિર્ધન થાય છે.
6જૂઠી જીભથી ધન સંપાદન કરવું
એ આમતેમ ઘસડાઈ જતા
ધુમાડા જેવું છે;
એવું [કરનાર] મોત માગે છે.
7દુષ્ટોનો બલાત્કાર તેઓને પોતાને જ
ઘસડી નાખશે;
કેમ કે તેઓ ન્યાય
કરવાની ના પાડે છે.
8ગુના [ના ભાર] થી લદાએલાનો માર્ગ
ઘણો જ વાંકોચૂંકો છે;
પણ પવિત્રનું કામ તો સરળ છે.
9કજિયાખોર સ્‍ત્રીની સાથે વિશાળ ઘરમાં
રહેવા કરતાં અગાસીના એક ખૂણામાં
રહેવું તે સારું છે.
10દુષ્ટનો આત્મા ભૂંડું ઇચ્છે છે;
તેની નજરમાં તેનો પડોશી પણ
કૃપાપાત્ર દેખાતો નથી.
11તિરસ્કાર કરનારને શિક્ષા થાય છે,
ત્યારે ભોળો શાણો બને છે;
અને ડાહ્યાને શિક્ષણ મળે છે,
ત્યારે તે વિદ્વાન થાય છે.
12નેક પુરુષ દુષ્ટો વિષે વિચાર કરે છે કે,
તેઓ કેવા ઊથલી પડીને
પાયમાલ થાય છે!
13જે કોઈ ગરીબની બૂમ સાંભળીને
પોતાના કાન બંધ કરે છે,
તે પોતે પણ બૂમ પાડશે, પરંતુ તેનું
સાંભળવામાં આવશે નહિ.
14છૂપી બક્ષિસ કોપને,
અને છાનીમાની [આપેલી] ભેટ
ક્રોધને સમાવે છે.
15નેકીવાનો ન્યાય કરવામાં
આનંદ માને છે;
પણ દુષ્કર્મીઓને તો
તે વિનાશરૂપ છે.
16બુદ્ધિને માર્ગેથી ભટકી જનાર માણસ
મૂએલાઓની સભામાં આવી પડશે.
17મોજશોખ ઉડાવનાર માણસ
દરિદ્રી થશે;
દ્રાક્ષારસ તથા તેલનો રસિયો
દ્રવ્યવાન થશે નહિ.
18નેકીવાનોનો બદલો દુષ્ટોને,
અને પ્રામાણિકોનો બદલો કપટીને
[ભરવો પડશે].
19કજિયાખોર તથા ચીડિયલ સ્‍ત્રીની
સંગત કરતાં
ઉજ્‍જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે.
20જ્ઞાનીના મકાનમાં મૂલ્યવાન
ભંડાર તથા તેલ છે;
પણ મૂર્ખ માણસ
તેને સ્વાહા કરી જાય છે.
21જે કોઈ નેકી તથા દયાનું
અનુકરણ કરે છે,
તેને જીવન, નેકી તથા આબરૂ
પ્રાપ્ત થાય છે.
22જ્ઞાની માણસ સમર્થ નગર [ના કોટ]
પર ચઢે છે,
અને જે સામર્થ્ય પર તેનો ભરોસો
હતો તેને તે તોડી પાડે છે.
23જે કોઈ પોતાના મુખની તથા
જીભની સંભાળ રાખે છે
તે સંકટમાંથી પોતાના
આત્માનું રક્ષણ કરે છે.
24જે માણસ અભિમાની ને
અહંકારી હોય છે,
તેનું નામ તિરસ્કાર કરનાર છે,
તે અભિમાનથી
મદોન્મત્તપણે વર્તે છે.
25આળસુની ક્ષુધા તેને મારી નાખે છે;
કેમ કે તેના હાથ કામ
કરવાની ના પાડે છે.
26એવા માણસો હોય છે કે
જેઓ આખો દિવસ
લોભમાં ને લોભમાં મંડ્યા રહે છે;
પણ નેક માણસ આપે છે,
અને [હાથ] પાછો ખેંચી
રાખતો નથી.
27દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે;
પણ તે બદઇરાદાથી [યજ્ઞ] કરે તો
તે કેટલો બધો [કંટાળારૂપ] થાય!
28જૂઠો સાક્ષી નાશ પામશે;
પણ જે માણસ સાંભળ્યા પ્રમાણે
બોલશે તેની સાક્ષી ટકી રહેશે.
29દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા
કઠોર કરે છે;
પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો
વિચાર કરીને વર્તે છે.
30યહોવાની વિરુદ્ધ ચાલે એવું
કોઈ પણ જ્ઞાન, બુદ્ધિ કે
મસલત નથી.
31ઘોડો યુદ્ધના દિવસને માટે તૈયાર
કરવામાં આવે છે;
પણ ફતેહ તો
યહોવાથી જ [મળે] છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 21