YouVersion Logo
Search Icon

નીતિવચનો 22

22
1[ભલું] નામ એ પુષ્‍કળ
ધન કરતાં,
અને પ્રેમયુક્ત રહેમનજર સોનારૂપા
કરતાં ઇચ્છવાજોગ છે.
2દ્રવ્યવાન અને દરિદ્રી ભેગા થાય છે;
યહોવા એ સર્વના કર્તા છે.
3ડાહ્યો માણસ હાનિ [આવતી] જોઈને
સંતાઈ જાય છે;
પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો
જાય છે અને દંડાય છે.
4ધન, આબરૂ તથા જીવન
એ નમ્રતાનાં અને
યહોવાના ભયનાં ફળ છે.
5આડા માણસના માર્ગમાં કાંટા તથા
ફાંદા છે;
પોતાના આત્માને સંભાળનાર
તેથી દૂર રહેશે.
6બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં
[ચાલવાનું] તેને શિક્ષણ આપ,
એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી
તે ખસશે નહિ.
7દ્રવ્યવાન ગરીબ પર સત્તા ચલાવે છે,
અને દેણદાર લેણદારનો દાસ છે.
8જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે;
અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે,
9ઉદાર દષ્ટિના માણસ પર
આશીર્વાદ ઊતરશે;
કેમ કે તે પોતાના અન્‍નમાંથી
દરિદ્રીને આપે છે.
10તિરસ્કાર કરનારને દૂર કર,
એટલે કજિયો સમી જશે;
હા, તકરાર તથા લાંછનનો
અંત આવશે.
11જે હ્રદયની શુદ્ધતા ચાહે છે,
તેની બોલવાની છટાને લીધે રાજા
તેનો મિત્ર થશે.
12યહોવાનિ દષ્ટિ
જ્ઞાનીની સંભાળ રાખે છે;
પણ કપટી માણસના શબ્દોને
તે ઉથલાવી નાખે છે.
13આળસુ કહે છે, ‘બહાર તો સિંહ છે;
હું રસ્તામાં માર્યો જઈશ.’
14પરનારીનું મોં ઊંડો ખાડો છે;
જેનાથી યહોવા કંટાળે છે તે જ
તેમાં પડે છે.
15મૂર્ખાઈ બાળકના હ્રદયની સાથે
જોડાયેલી છે;
પણ શિક્ષાની સોટી તેનામાંથી
તેને દૂર હાંકી કાઢશે.
16પોતાની [માલમિલકત] વધારવાને
માટે જે ગરીબ પર જુલમ ગુજારે છે,
અને જે દ્રવ્યવાનને બક્ષિસ આપે છે તે
[બન્‍ને] ફક્ત
કંગાલાવસ્થામાં આવશે.
જ્ઞાનીઓનાં ત્રીસ નીતિવચન
17તારો કાન ધરીને જ્ઞાનીનાં
વચનો સાંભળ,
મારા જ્ઞાન પર
તારું અંત:કરણ લગાડ.
18જો તું તેમને તારા અંતરમાં રાખે,
જો તેઓ બન્‍ને તારા હોઠો પર
સ્થિર થાય, તો તે સુખકારક છે.
19તારી શ્રદ્ધા યહોવા પર રહે
માટે આજે મેં તને, હા, તને,
તે જણાવ્યાં છે.
20શું સુબોધ તથા જ્ઞાનની
ઉત્તમ વાતો મેં તને એ માટે
નથી લખી કે,
21સત્યનાં વચનો તું ચોક્‍કસ જાણે,
અને જે તને મોકલનાર‌ છે તેની પાસે
જઈને સત્ય વચનોથી જ તું
તેને ઉત્તર આપે?
-૧-
22ગરીબને ન લૂંટ, કારણ કે તે ગરીબ છે,
અને ભાગળમાં પડી રહેલા
દુ:ખીઓ પર જુલમ ન કર;
23કેમ કે યહોવા તેમનો પક્ષ કરીને લડશે,
અને જેઓ તેમનું છીનવી લે છે
તેઓના જીવ તે છીનવી લેશે.
-૨-
24ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર;
અને તામસી માણસની સોબત ન કર;
25રખેને તું તેના માર્ગો શીખે,
અને તારા આત્માને ફાંદામાં
લાવી નાખે.
-૩-
26વચન આપનારાઓમાંનો કે,
દેવાને માટે જામીન થનારાઓમાંનો,
એ બેમાંથી તું એકે પણ ન થા;
27[કેમ કે] જો તારી પાસે દેવું વાળી
આપવાને માટે કંઈ ન હોય,
તો તારી નીચેથી તે તારું બિછાનું શા
માટે લઈ જાય?
-૪-
28તારા પિતૃઓએ જે અસલના
સીમા-પથ્થર નક્કી કર્યા છે,
તેને ન ખસેડ.
-૫-
29પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા
માણસને તું જુએ છે શું?
તો [તારે જાણવું કે] તે
તો રાજાઓની હજૂરમાં ઊભો રહેશે;
તે હલકા માણસોની આગળ
ઊભો નહિ રહેશે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in