YouVersion Logo
Search Icon

માર્ક 4

4
વાવનારનું દ્દષ્ટાંત
(માથ. ૧૩:૧-૯; લૂ. ૮:૪-૮)
1અને તે સમુદ્રને કાંઠે ફરી બોધ કરવા લાગ્યા. અને અતિ ઘણા લોકો એકત્ર થયા હતા, માટે #માર્ક ૩:૯-૧૦; લૂ. ૫:૧-૩. તે સમુદ્રમાં હોડી પર‍‍ ચઢીને બેઠા; અને બધા લોકો સમુદ્રની પાસે જમીન પર હતા. 2અને દ્દષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો; અને તેમના બોધમાં તેમણે તેઓને ક્હ્યું, 3“સાંભળો; જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. 4અને એમ થયું કે, તે વાવતો હતો‍ ત્યારે કેટલાંક [બી] રસ્તાની કોરે પડ્યાં, ને પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં. 5અને બીજાં પથ્થરવાળી જમીનમાં પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી, અને જમીન ઊંડી ન હતી, માટે તે તરત ઊગી નીકળ્યાં! 6અને સૂરજ ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયાં; અને તેને જડ ન હતી માટે તે સુકાઈ ગયાં. 7અને બીજાં કાંટાનાં જાળામાં પડ્યાં! અને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યાં! અને તેણે ફળ ન આપ્યું. 8અને બીજાં સારી જમીનમાં પડ્યાં; અને તેણે ઊગનારું તથા વધનારું ફળ આપ્યું; ત્રીસગણાં તથા સાઠગણાં તથા સોગણાં ફળ આપ્યાં.” 9અને તેમણે તેઓને કહ્યું, “જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”
દ્દષ્ટાંતનો હેતુ
(માથ. ૧૩:૧૦-૧૭; લૂ. ૮:૯-૧૦)
10અને જ્યારે તે એકાંતમાં હતા ત્યારે બાર [શિષ્યો] સહિત જેઓ તેમની પાસે હતા તેઓએ તેમને એ દ્દષ્ટાંતો વિષે પૂછ્યું. 11અને તેમણે તેઓને કહ્યું, “ઈશ્વરના રાજ્યનો મર્મ તમને આપવામાં આવ્યો છે. પણ જેઓ બહારના છે તેઓને સર્વ વાતો દ્દષ્ટાંતોમાં અપાય છે; 12#યશા. ૬:૯-૧૦; માર્ક ૮:૧૭-૧૮. એ માટે કે
તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ;
અને સાંભળતાં સાંભળે,
પણ સમજે નહિ!
રખેને તેઓ ફરે,
ને તેઓને [પાપની] માફી મળે.”
વાવનારના દ્દષ્ટાંતનો ખુલાસો
(માથ. ૧૩:૧૮-૨૩; લૂ. ૮:૧૧-૧૫)
13અને તે તેઓને કહે છે, “શું તમે આ દ્દષ્ટાંત સમજતા નથી? તો સર્વ દ્દષ્ટાંતો શી રીતે સમજશો? 14વાવનાર વચન વાવે છે. 15રસ્તાની કોર પરનાં એ છે કે જ્યાં વચન વવાય છે, ને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે. 16અને એમ જ જેઓ પથ્થરવાળી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળીને તરત હર્ખથી તે માની લે છે. 17અને તેમના પોતામાં જડ હોતી નથી, પણ તેઓ થોડી વાર ટકે છે. પછી વચનને લીધે દુ:ખ અથવા સતાવણી થાય છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે. 18અને બીજાં જે કાંટાઓમાં વવાયેલાં છે તે એ છે કે જેઓએ વચન સાંભળ્યું! 19પણ આ કાળની ચિંતાઓ તથા દોલતનો આનંદ તથા બીજી વસ્તુઓનો લોભ તેઓમાં પ્રવેશ પામીને વાતને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થાય છે. 20અને જેઓ સારી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળે છે ને તેને ગ્રહણ કરે છે, ને ત્રીસગણાં તથા સાઠગણાં તથા સોગણાં ફળ આપે છે.”
માપ નીચે દીવો?
(લૂ. ૮:૧૬-૧૮)
21અને #માથ. ૫:૧૫; લૂ. ૧૧:૩૩. તેમણે તેઓને કહ્યું, “શું માપ નીચે અથવા ખાટલા નીચે મૂકવા માટે કોઈ દીવો લાવે છે? શું દીવી પર મૂકવા માટે નહિ? 22કેમ કે #માથ. ૧૦:૨૬; લૂ. ૧૨:૨. જે કંઈ છાનું છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય, અને જે ગુપ્ત રાખેલું તે એ માટે છે કે તે પ્રગટમાં આવે. 23જો કોઈને સાંભળવાને કાન હોય તો તેણે સાંભળવું.” 24અને તેમણે તેઓને કહ્યું, “તમે શું સાંભળો છો તે વિષે સાવધાન રહો. #માથ. ૭:૨; લૂ. ૬:૩૮. જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે; અને તમને વધતું અપાશે. 25કેમ કે #માથ. ૧૩:૧૨. જેની પાસે છે તેને આપવામાં આવશે, ને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે.”
વૃદ્ધિ પામતાં બીનું દ્દષ્ટાંત
26અને તેમણે કહ્યું, “ઈશ્વરનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ જમીનમાં બી નાખે; અને રાતદિન ઊંઘે તથા જાગે, અને તે બી ઊગે ને વધે, 27પણ તે શી રીતે એ તે જાણતો નથી. 28જમીન તો પોતાની મેળે ફળ આપે છે. પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલામાં પૂરાં દાણા. 29પણ #યોએ. ૩:૧૩. દાણા પાક્યા પછી તરત તે દાતરડું લગાડે છે, કેમ કે કાપણીનો વખત થયો છે.”
રાઈના દાણાનું દ્દષ્ટાંત
(માથ. ૧૩:૩૧-૩૨,૩૪; લૂ. ૧૩:૧૮-૧૯)
30અને તેમણે કહ્યું, “ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવીએ? અથવા તેને શાની ઉપમા આપીએ? 31તે તો રાઈના દાણા જેવું છે! જમીનમાં તે વવાય છે ત્યારે પૃથ્વી પરનાં સર્વ બી કરતાં તે નાનું હોય છે! 32પણ વાવ્યા પછી તે ઊગી નીકળે છે, ને સર્વ છોડવા કરતાં મોટું થાય છે, ને તેને એવી મોટી ડાળી પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે.”
33અને એવાં ઘણાં દ્દષ્ટાંતોમાં જેમ તેઓ સાંભળી શકતા હતા તેમ તે તેઓને વચન કહેતા હતા. 34અને દ્દષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતા નહોતા; પણ તે પોતાના શિષ્યોને એકાંતમાં સર્વ વાતોનો ખુલાસો કરતા.
ઈસુ તોફાન શાંત પાડે છે
(માથ. ૮:૨૩-૨૭; લૂ. ૮:૨૨-૨૫)
35અને તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે, “આપણે પેલે પાર જઈએ.” 36અને લોકોને મૂકીને તે હતા એમ ને એમ તેઓ તેમને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેમની સાથે હતી. 37અને પવનનું મોટું તોફાન થયું, ને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી. 38અને ડબૂસાએ ઓશીકાં પર [માથું ટેકવીને] , તે ઊંઘતા હતા, અને તેઓ તેમને જગાડીને કહે છે, ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?” 39અને તેમણે ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું, “છાનો રહે, શાંત થા.” અને પવન બંધ થયો, ને મહા શાંતિ થઈ. 40અને તેમણે તેઓને કહ્યું, “તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?” 41અને તેઓ બહુ બીધા, તથા અંદરોઅંદર બોલ્યા, “આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?”

Currently Selected:

માર્ક 4: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in