માર્ક 3
3
સુકાઈ ગયેલા હાથવાળો માણસ
(માથ. ૧૨:૯-૧૪; લૂ. ૬:૬-૧૧)
1અને તે ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો કે જેનો હાથ સુકાઈ ગયેલો હતો. 2અને વિશ્રામવારે તે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકે. 3અને પેલા સુકાયેલા હાથવાળા માણસને તે કહે છે, “વચમાં ઊભો થા.” 4અને તે તેઓને કહે છે, “વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું? જીવને બચાવવો કે તેને મારી નાખવો, ક્યું ઉચિત છે?” પણ તેઓ છાના રહ્યા. 5અને તેઓનાં હ્રદયની કઠણતાને લીધે તે દુ:ખી થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓ તરફ જોઈને તે માણસને કહે છે, “તારો હાથ લાંબો કર.” અને તેણે તે લાંબો કર્યો; ને તેનો હાથ સાજો થયો. 6અને શી રીતે તેનો નાશ કરવો તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ ઠરાવ કર્યો.
સરોવર કાંઠે જનસમૂહ
7અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની પાસે ગયા; અને ગાલીલમાંથી ઘણા લોકો તેમની પાછળ ગયા. તેમ જ યહૂદિયામાંથી 8તથા યરુશાલેમમાંથી તથા અદુમમાંથી તથા યર્દનને પેલે પારથી તથા તૂર તથા સિદોનની આસપાસના ઘણા લોકો તેમણે જે જે [કાર્યો] કર્યાં તે સાંભળીને તેમની પાસે આવ્યા. 9અને #માર્ક ૪:૧; લૂ. ૫:૧-૩. લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણથી પોતાને માટે હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું, 10કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતા, અને તેથી જેટલાં માંદાં હતાં તેટલાં તેમને અડકવા માટે તેમના પર તૂટી પડતાં હતાં. 11અને અશુદ્ધ આત્માઓએ જ્યારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડીને પોકારી ઊઠ્યા, “તમે ઈશ્વરના પુત્ર છો.” 12અને તેમણે તેઓને બહુ ચેતવણી આપી, “મને પ્રગટ ન કરો.”
બાર પ્રેરિતોની પસંદગી
(માથ. ૧૦:૧-૪; લૂ. ૬:૧૨-૧૬)
13અને તે પહાડ પર ચઢ્યા, ને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા. 14અને તેમણે બારને નીમ્યા. એ માટે કે તેઓ તેમની સાથે રહે, અને તે તેમને ઉપદેશ આપવા મોકલે, 15અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓ કાઢે. 16અને સિમોનની અટક તેમણે પિતર પાડી; 17તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન, તેઓની અટક તેમણે ‘બને-રગેસ’ પાડી, એટલે ‘ગર્જનાના દીકરા’; 18અને આન્દ્રિયા તથા ફિલિપ તથા બર્થોલ્મી તથા માથ. અને થોમા તથા અલ્ફીનો દીકરો યાકૂબ તથા થાદ્દી તથા સિમોન કનાની, 19તથા તેમને પરસ્વાધીન કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા.
ઈસુ અને બાલઝબૂલ
(માથ. ૧૨:૨૨-૩૨; લૂ. ૧૧:૧૪-૨૩; ૧૨:૧૦)
અને તે એક ઘરમાં આવે છે. 20અને ફરી એટલા બધા લોકો એકત્ર થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા. 21અને તેમનાં સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું, “તે ઘેલો છે.” 22અને જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું, #માથ. ૯:૩૪; ૧૦:૨૫. “તેનામાં બાલઝબૂલ છે, ને દુષ્ટાત્માઓના સરદારની [મદદ] થી તે દુષ્ટાત્માઓને કાઢે છે.” 23અને તેમણે તેઓને પાસે બોલાવીને દ્દષ્ટાંતોમાં તેઓને કહ્યું, “શેતાન શેતાનને કેમ કાઢી શકે? 24અને જો કોઈ રાજ્યમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે રાજ્ય સ્થિર રહી શક્તું નથી. 25અને જો કોઈ ઘરમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ. 26અને જો શેતાન પોતાની સામે થયો હોય, ને પોતામાં ફૂટ પડી હોય, તો તે નભી શક્તો નથી; પણ તેનો અંત આવ્યો [જાણવો]. 27બળવાનના ઘરમાં પેસી જઈને જો કોઈ તે બળવાનને પહેલાં ન બાંધે તો તે તેનો સરસામાન લૂંટી શક્તો નથી! [પણ તેને બાંધ્યા] પછી તે તેનું લૂંટી લેશે. 28હું તમને ખરેખર કહું છું કે, માણસોના દીકરાઓને સર્વ અપરાધોની તથા જે જે દુર્ભાષણો તેઓ કરે તે સર્વની તેમને માફી મળશે. 29પણ #લૂ. ૧૨:૧૦. જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે, તેને માફી કદી મળશે નહિ! પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહેલો છે! 30કેમ કે તેઓ કહેતા હતા, “તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.”
ઈસુનાં મા અને ભાઈઓ
(માથ. ૧૨:૪૬-૫૦; લૂ. ૮:૧૯-૨૧)
31અને તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં. અને બહાર ઊભાં રહીને તેમને બોલાવવા તેઓએ તેમની પાસે માણસ મોકલ્યું. 32અને ઘણા લોકો તેમની આસપાસ બેઠેલા હતા, તેઓએ તેમને કહ્યું, “જુઓ, તમારાં મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે ને તમને શોધે છે.” 33અને તેમણે તેઓને ઉત્તર આપ્યો, “મારાં મા તથા મારા ભાઈઓ કોણ છે?” 34અને જેઓ તેમની આસપાસ બેઠેલા હતા, તેઓની સામે ચારે તરફ જોઈને તે કહે છે, “જુઓ મારાં મા તથા મારા ભાઈઓ! 35કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મારી મા છે.”
Currently Selected:
માર્ક 3: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.