YouVersion Logo
Search Icon

માર્ક 2

2
પક્ષઘાતીને સાજાપણું
(માથ. ૯:૧-૮; લૂ. ૫:૧૭-૨૬)
1અને કેટલાક દિવસ પછી તે ફરી કપર-નાહૂમમાં ગયા, ત્યારે એવી ચર્ચા ફેલાઈ કે, ‘તે ઘરમાં છે’ 2અને એટલા બધા લોકો એકત્ર થયા કે દરવાજા પાસે પણ જગા નહોતી અને તે તેઓને વાત સંભળાવતા હતા. 3અને‍ ચાર માણસોએ ઊંચકેલા એક પક્ષઘાતીને તેઓ તેમની પાસે લાવ્યા. 4અને ભીડને લીધે તેઓ તેમની પાસે આવી ન શક્યા, એટલે જ્યાં તે હતા ત્યાંનું છાપરું તેઓએ ઉકેલ્યું, ને તે તોડીને જે ખાટલા પર પક્ષઘાતી સૂતો હતો તે તેઓએ ઉતાર્યો. 5અને ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે, “દીકરા, તારાં પાપ માફ થયાં છે.” 6પણ કેટલાક શાસ્‍ત્રીઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાનાં હ્રદયોમાં વિચારતા હતા, 7“આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે: એક, એટલે ઈશ્વર, તે વિના પાપની માફી કોણ આપી શકે?” 8અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે એ ઈસુએ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને કહ્યું, “તમે તમારાં હ્રદયોમાં એવા વિચાર કેમ કરો છો? 9આ બેમાંનું વધારે સહેલું કયું છે, એટલે પક્ષઘાતીને એમ કહેવું કે, તારાં પાપ તને માફ થયાં છે; અથવા એમ કહેવું કે, ઊઠ, ને તારો ખાટલો ઊંચકીને‍ ચાલ? 10પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો, માટે (પક્ષઘાતીને તે કહે છે, ) 11હું તને કહું છું કે, ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર‍ ચાલ્યો જા.” 12અને તે તરત ઊઠ્યો, ને ખાટલો ઊંચકીને સહુના જોતાં ચાલ્યો ગયો; આથી સહુએ નવાઈ પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું, “અમે કદી આવું જોયું નથી.”
શિષ્ય થવા લેવીને તેડું
(માથ. ૯:૯-૧૩; લૂ. ૫:૨૭-૩૨)
13અને તે ફરી સમુદ્રને કાંઠે આવ્યા; અને બધા લોકો તેમની પાસે આવ્યા, ને તેમણે તેઓને બોધ કર્યો. 14અને રસ્તે જતાં તેમણે અલ્ફીના દીકરા લેવીને દાણની ચોકી પર બેઠેલો જોયો; અને તે તેને કહે છે, “મારી પાછળ ચાલ.” અને તે ઊઠીને તેમની પાછળ ચાલ્યો. 15અને એમ થયું કે તે તેના ઘરમાં જમવા બેઠા હતા, ને ઘણા દાણીઓ તથા પાપીઓ ઈસુ તથા તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણા હતા, ને તેમની પાછળ ચાલતા હતા. 16અને શાસ્‍ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને દાણીઓની તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને કહ્યું, “તે તો દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે ને પીએ છે.” 17અને ઈસુ એ સાંભળીને તેઓને કહે છે, “જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે: હું ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”
ઉપવાસ વિષે પ્રશ્ન
(માથ. ૯:૧૪-૧૭; લૂ. ૫:૩૩-૩૯)
18યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતા હતા. અને તેઓ આવીને ઈસુને કહે છે, “યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે; પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એનું શું કારણ?” 19અને ઈસુએ તેઓને કહ્યું, “વર જાનૈયાઓની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વર તેઓની સાથે છે તેટલા વખત સુધી તેમનાથી ઉપવાસ કરી શકાય નહિ. 20પણ એવા દિવસ આવશે કે જ્યારે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે. 21અને કોરા કપડાનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું જોડેલું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે, ને તે વધારે ફાટી જાય છે. 22અને નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી! જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે, ને દ્રાક્ષારસ તથા મશકો એ બન્‍નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં [ભરવામાં આવે છે].”
વિશ્રામવાર વિષે પ્રશ્ન
(માથ. ૧૨:૧-૮; લૂ. ૬:૧-૫)
23અને એમ થયું કે વિશ્રામવારે તે દાણાંના ખેતરોમાં થઈને જતા હતા; અને તેમના શિષ્યો ચાલતાં ચાલતાં #પુન. ૨૩:૨૫. કણસલાં તોડવા લાગ્યા. 24અને ફરોશીઓએ તેમને કહ્યું “જુઓ વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?” 25અને તેમણે તેઓને કહ્યું, #૧ રા. ૨૧:૬. “દાઉદને અગત્ય હતી, ને તે તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે શું કર્યું એ તમે કદી નથી વાંચ્યું? 26એટલે કે અબ્યાથાર મુખ્ય યાજક હતો ત્યારે ઈશ્વરના ઘરમાં પેસીને, #લે. ૨૪:૯. જે અર્પેલી રોટલીઓ યાજકો સિવાય કોઈને ખાવાને ઉચિત નથી તે તેણે ખાધી, તેમ જ તેના સાથીઓને પણ આપી.” 27અને તેમણે કહ્યું, “વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ. 28માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”

Currently Selected:

માર્ક 2: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in