માર્ક 5
5
ઈસુ અશુદ્ધ આત્માઓ વળગેલાને સાજા કરે છે
(માથ. ૮:૨૮-૩૪; લૂ. ૮:૨૬-૩૯)
1અને તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા. 2અને તે હોડીમાંથી ઊતર્યા એટલે કબરસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો. 3તે કબરસ્તાનોમાં રહેતો હતો અને સાંકળોએ પણ કોઈ તેને બાંધી શકતો નહોતો. 4કેમ કે તે ઘણી વાર બેડીઓએ તથા સાંકળોએ બંધાયો હતો, ને તે સાંકળો તોડી નાંખતો તથા બેડીઓ ભાંગી નાખતો! અને કોઈ તેને વશ કરી શકતો નહોતો. 5અને તે નિત્ય રાતદિન પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો રહેતો, ને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.
6પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો, ને તેમને પગે લાગ્યો. 7અને મોટે અવાજે પોકારીને બોલ્યો, “ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ દઉં છું કે, તમે મને દુ:ખ ન દો.” 8કેમ કે તેમણે એને કહ્યું હતું, “અરે અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.” 9અને ઈસુએ તેને પૂછ્યું, “તારું નામ શું?” અને તેણે તેમને ઉત્તર આપ્યો, “મારું નામ સેના છે; કેમ કે અમે ઘણા છીએ.” 10અને એણે તેમને ઘણી વિનંતી કરી કે, તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ.
11હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. 12અને તેઓએ તેમને વિનંતી કરી, “તે ભૂંડોમાં અમે પેસીએ માટે અમને તેઓમાં મોકલ.” 13અને તેમણે તેઓને રજા આપી. અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં પેઠા! અને તે ટોળામાં આશરે બે હજાર [ભૂંડ] હતાં. અને તેઓ કરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યાં, ને સમુદ્રમાં ગૂંગળાઈ મર્યાં.
14અને તેઓના ચરાવનારાઓએ નાસી જઈને શહેરમાં તથા ગામડાંઓમાં તેની ખબર આપી; અને શું થયું હશે તે જોવાને લોકો નીકળ્યા. 15અને ઈસુની પાસે તેઓ આવે છે, ને જેને દુષ્ટાત્માઓ વળગેલા હતા, એટલે જેમાં સેના હતી, તેને તેઓએ બેઠેલા તથા [વસ્ત્ર] પહેરેલો તથા હોશમાં આવેલો જોયો, અને તેઓ બીધા. 16અને દુષ્ટાત્મા વળગેલો કેવી રીતે [સારો] થયો હતો તે તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી સંભળાવ્યું. 17અને તેઓ તેમને વિનંતી કરવા લાગ્યા કે તે તેઓની સીમોમાંથી જતા રહે.
18અને તે વહાણમાં ચઢતા હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યા હતા તેણે તેમની સાથે રહેવા માટે વિનંતી કરી. 19પણ ઈસુએ તેને આવવા ન દીધો, પણ તેને કહે છે, “તારે ઘેર તારાં સગાંઓની પાસે જા ને પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે, ને તારા પર દયા રાખી તેની ખબર તેઓને આપ.” 20અને તે ગયો, ને ઈસુએ તેને માટે કેટલું બધું કર્યું હતું તે દશનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને બધા અચંબો પામ્યા.
યાઈરસની દીકરી અને રક્તસ્રાવી સ્ત્રી
(માથ. ૯:૧૮-૨૬; લૂ. ૮:૪૦-૫૬)
21અને જ્યારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણા લોકો તેમની પાસે એકત્ર થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા. 22અને સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈરસ નામે એક જણ આવે છે, ને તેમને જોઈને તેમના પગ આગળ પડે છે. 23અને તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું, “મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો; એ માટે કે તે સાજી થઈને જીવે.” 24અને તે તેની સાથે ગયા; અને અતિ ઘણા લોકો તેમની પાછળ ચાલ્યા, ને તેમના પર પડાપડી થઈ.
25અને એક સ્ત્રી હતી જેને બાર વરસથી લોહીવા હતો, 26ને જેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું, ને પોતાનું સર્વસ્વ ખરચી નાખ્યું હતું, ને તેને કંઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઊલટું તે વધતી માંદી થઈ હતી. 27તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પછવાડે આવી, ને તેમના વસ્ત્રને અડકી. 28કેમ કે તેણે ધાર્યું, “જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈશ.” 29અને તત્કાળ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો, ને શરીરમાં તેને લાગ્યું કે હું દરદથી સાજી થઈ છું.
30અને મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું ઈસુને માલૂમ પડવાથી ઈસુએ તરત લોકની ભીડમાં પાછળ ફરીને કહ્યું, “મારા વસ્ત્રને કોણ અડક્યું?” 31અને તેમના શિષ્યોએ તેમને કહ્યું, “તમે જુઓ છો કે ઘણા લોકો તમારા પર પડાપડી કરે છે, ને શું તમે એમ કહો છો કે ‘મને કોણ અડક્યું?’” 32અને જેણે એ કામ કર્યું હતું તેને જોવા માટે તેમણે આસપાસ નજર ફેરવી. 33અને તેને જે થયું તે જાણીને તે સ્ત્રી બીહને તથા ધ્રૂજીને આવી, ને તેમની આગળ પડીને તેણે તેમને બધું સાચેસાચું કહી દીધું. 34અને તેમણે તેને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા, ને તારા દરદથી સાજી થા.”
35તે હજી બોલતા હતા એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકોએ આવીને કહ્યું, “તમારી દીકરી તો મરી ગઈ છે; હવે તમે ઉપદેશકને તસ્દી શું કરવા આપો છો?” 36પણ ઈસુએ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનના અધિકારીને કહ્યું, “બી નહિ, માત્ર વિશ્વાસ રાખ.” 37અને પિતર, યાકૂબ તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધા. 38અને સભાના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને ગડબડ તથા રુદન તથા વિલાપ કરનારાઓને તે જુએ છે.
39અને તે અંદર આવીને તેઓને કહે છે, “તમે કેમ ગડબડ કરો છો ને રડો છો? છોકરી તો મરી નથી ગઈ, પણ ઊંઘે છે.” 40અને તેઓએ તેમને હસી કાઢ્યા, પણ સહુને બહાર કાઢીને, છોકરીનાં માબાપને તથા જેઓ તેની સાથે હતા તેઓને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં તે અંદર જાય છે. 41અને છોકરીનો હાથ પકડીને તેને કહે છે: “તાલિથા કૂમી; “ જેનો અર્થ થાય છે, “છોકરી, હું તને કહું છું, ઊઠ.” 42અને તરત છોકરી ઊઠીને ચાલવા લાગી, કેમ કે તે બાર વરસની હતી. અને તેઓ ઘણા વિસ્મિત થયા. 43અને તેમણે તેઓને ચેતવણી આપી, “કોઈ એ ન જાણે”; અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી.
Currently Selected:
માર્ક 5: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.