માથ્થી 22
22
લગ્નજમણનું દ્દષ્ટાંત
(લૂ. ૧૪:૧૫-૨૪)
1અને ઈસુએ ફરીથી તેઓને દ્દષ્ટાંતમાં કહ્યું, 2“આકાશનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનું જમણ કર્યું. 3અને લગ્નમાં નોતરેલાઓને તેડવા માટે તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ. 4ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું, “નોતરેલાઓને કહો, જુઓ, મેં મારું જમણ તૈયાર કર્યું છે; મારા બળદ તથા પુષ્ટ જનાવરો કાપ્યાં છે, ને સર્વ વાનાં તૈયાર છે; લગ્નમાં આવો.” 5પણ તેઓએ એ ગણકાર્યું નહિ, અને તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના ખેતરમાં, ને કોઈ તેના વેપાર પર ગયો. 6અને બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા, ને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા. 7એથી રાજા ગુસ્સે થયો, ને તેણે પોતાનું લશ્કર મોકલીને તે ખૂનીઓનો નાશ કર્યો, ને તેઓનું નગર બાળી નાખ્યું. 8પછી તે પોતાના ચાકરોને કહે છે, “લગ્નનું જમણ તૈયાર છે ખરું, પણ નોતરેલા યોગ્ય ન હતા. 9એ માટે તમે રસ્તાઓનાં નાકાં પર જાઓ, ને જેટલા તમને મળે તેટલાને લગ્નમાં બોલાવો.” 10અને તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને ભલાંભૂડાં જેટલા તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી લગ્નની ભરતી થઈ.
11અને મહેમાનોને જોવા માટે રાજા અંદર આવ્યો, ત્યારે તેણે ત્યાં લગ્નનો પોશાક પહેર્યા વગરના એક જણને જોયો. 12ત્યારે તે તેને કહે છે, “ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?” અને તે અણબોલ્યો રહ્યો. 13ત્યારે રાજાએ ચાકરોને કહ્યું, #માથ. ૮:૧૨; ૨૫:૩૦; લૂ. ૧૩:૨૮. “એના હાથપગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું ને દાંત પીસવું થશે. 14કેમ કે તેડેલા ઘણા છે, પણ પસંદ કરેલા થોડા [છે].”
કાઈસારને કર ભરવો કે નહિ?
(માર્ક ૧૨:૧૩-૧૭; લૂ. ૨૦:૨૦-૨૬)
15હવે તેમને શી રીતે વાતમાં સપડાવીએ એ સંબંધી ફરોશીઓએ જઈને યોજના ઘડી. 16પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું સાચો છે, ને સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવે છે, ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું નથી રાખતો. 17માટે તું શું ધારે છે? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ? તે અમને કહે.” 18પણ ઈસુએ તેઓની ભૂંડાઈ જાણીને કહ્યું, “ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષણ કેમ કરો છો? 19કરનું નાણું મને બતાવો." ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા. 20ત્યારે તે તેઓને કહે છે, “આ સૂરત તથા લેખ કોનાં છે?” 21તેઓ તેને કહે છે કે, “કાઈસારનાં.” ત્યારે તે તેઓને કહે છે, “જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરના તે ઈશ્વરને ભરી આપો.” 22અને એ સાંભળીને તેઓ નવાઈ પામ્યા, ને તેમને મૂકીને ચાલ્યા ગયા.
પુનરુત્થાન વિષે પ્રશ્ન
(માર્ક ૧૨:૧૮-૨૭; લૂ. ૨૦:૨૭-૪૦)
23તે જ દિવસે સાદૂકીઓ જેઓ #પ્રે.કૃ. ૨૩:૮. કહે છે કે પુનરુત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને તેમને પૂછ્યું, 24“ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, #પુન. ૨૫:૫. જો કોઈ સંતાન વગર મરી જાય, તો તેનો ભાઈ તેની પત્નીને પરણીને પોતાના ભાઈને માટે વંશ ઉપજાવે. 25તો અમારામાં સાત ભાઈ હતા, ને પહેલો પરણીને મરી ગયો. અને તે સંતાન વગરનો હોઈને પોતાના ભાઈને માટે પોતાની પત્ની મૂકી ગયો. 26તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતમા સુધી તેઓ મરી ગયા. 27અને સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરી ગઈ. 28હવે પુનરુત્થાનમાં પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે સહુની થઈ હતી.” 29ત્યારે ઈસુએ તેઓને કહ્યું “ધર્મલેખો તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાને લીધે તમે ભૂલ ખાઓ છો. 30કેમ કે પુનરુત્થાનમાં તેઓ પરણતા નથી, ને પરણાવતા નથી, પણ આકાશમાંનાં દૂતો જેવા હોય છે. 31પણ મૂએલાંઓના પુનરુત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું 32કે, #નિ. ૩:૬. હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું?’ તે મૂએલાંઓનો ઈશ્વર નથી, પણ જીવતાંઓનો છે.” 33ત્યારે લોકો એ સાંભળીને તેમના બોધથી નવાઈ પામ્યા.
સૌથી મોટી આજ્ઞા
(માર્ક ૧૨:૨૮-૩૪; લૂ. ૧૦:૨૫-૨૮)
34પણ જ્યારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સાદૂકીઓનાં મોં બંધ કર્યાં ત્યારે તેઓ એકત્ર થયા. 35અને તેઓમાંથી એક પંડિતે તેમનું પરીક્ષણ કરવા માટે તેમને પૂછ્યું, 36“ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સહુથી મોટી આજ્ઞા કયી છે?” 37ત્યારે તેમણે તેને કહ્યું, #પુન. ૬:૫. “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રેમ કર. 38પહેલી ને મોટી આજ્ઞા એ છે. 39અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે #લે. ૧૯:૧૮. જેવો પોતા પર તેવો તારા પડોશી પર તું પ્રેમ કર. 40આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.” #લૂ. ૧૦:૨૫-૨૮.
“મસીહ સંબંધી તમે શું ધારો છો?”
(માર્ક ૧૨:૩૫-૩૭; લૂ. ૨૦:૪૧-૪૪)
41હવે ફરોશીઓ એકત્ર મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું, 42“મસીહ સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓ તેમને કહે છે, “દાઉદનો, ” 43તે તેઓને કહે છે, “તો આત્મા વડે દાઉદ તેને પ્રભુ કેમ કહે છે?
44[જેમ કે] #ગી.શા. ૧૧૦:૧. ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,
તારા શત્રુઓને હું તારું પાયાસન કરું,
ત્યાં સુધી તું મારે જમણે હાથ બેસ.’
45હવે જો દાઉદ તેને પ્રભુ કહે છે, તો
તે શી રીતે તેનો દીકરો કહેવાય?”
46અને એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શક્યો નહિ, તેમ જ તે દિવસથી તેમને કંઈ પૂછવાને કોઈએ હિંમત કરી નહિ.
Currently Selected:
માથ્થી 22: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.