માથ્થી 20
20
દ્રાક્ષાવાડીના મજૂરોને સરખું વેતન
1કેમ કે આકાશનું રાજ્ય એક ઘરધણીના જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો રોકવાને મળસકામાં બહાર ગયો. 2અને તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર ઠરાવીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા. 3અને આશરે પહોર દિવસ ચઢતાં બહાર જઈને તેણે ચકલા પર બીજાઓને નવરા ઊભા રહેલા જોયા. 4અને તેણે તેઓને ક્હ્યું, “તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ, ને જે કંઈ યોગ્ય હશે, તે હું તમને આપીશ.” અને તેઓ ગયા. 5વળી આશરે બપોરે તથા ત્રીજે પહોરે બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. 6અને આશરે અગિયારમે કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને નવરા ઊભા રહેલા જોયા; ત્યારે તે તેઓને કહે છે, “આખો દિવસ તમે કેમ અહીં નવરા ઊભા રહ્યા છો?” 7તેઓ તેને કહે છે, “કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી તે માટે.” તે તેઓને કહે છે, “તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.”
8અને સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો ધણી પોતાના કારભારીને કહે છે, “મજૂરોને બોલાવીને છેલ્લાથી માંડીને પહેલા સુધી #લે. ૧૯:૧૩; પુન. ૨૪:૧૫. તેઓનું વેતન આપ.” 9અને જેઓને તેણે આશરે અગિયારમે કલાકે રાખ્યા હતા, તેઓ જ્યારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર મળ્યો. 10પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ એવું ધારતા હતા કે અમને વધારે મળશે! પણ તેઓને પણ એક દીનાર મળ્યો.
11ત્યારે તે લઈને તેઓએ ઘરધણીની વિરુદ્ધ કચકચ કરી, 12ને કહ્યું, “આ પાછલાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે, અને તેં તેઓને અમારી એટલે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરનારાઓની બરોબર ગણ્યા છે.” 13પણ તેણે તેઓમાંના એકને ઉત્તર આપ્યો, “મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તેં મારી સાથે એક દીનાર ઠરાવ્યો નહોતો? 14તારું લઈને ચાલ્યો જા, જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે. 15જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું ઉદાર છું માટે તને ઈર્ષા આવે છે શું?” 16#માથ. ૧૯:૩૦; માર્ક ૧૦:૩૧; લૂ. ૧૩:૩૦. એમ જેઓ છેલ્લા તેઓ પહેલા અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે.
ઈસુએ પોતાના મૃત્યુની કરેલી ત્રીજી આગાહી
(માર્ક ૧૦:૩૨-૩૪; લૂ. ૧૮:૩૧-૩૪)
17અને ઈસુએ યરુશાલેમ જતાં, રસ્તે બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું, 18“જુઓ આપણે યરુશાલેમ જઈએ છીએ, ને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સ્વાધીન કરાશે, ને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે. 19અને ઠઠ્ઠામશ્કરી કરવાને, તથા કોરડા મારવાને, તથા વધસ્તંભે જડવાને તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે; અને ત્રીજે દિવસે પાછો ઉઠાડશે.”
એક માતાની માગણી
(માર્ક ૧૦:૩૫-૪૫)
20ત્યારે ઝબદીના દીકરાઓની મા પોતાના દીકરાઓની સાથે તેમની પાસે આવી તથા પગે લાગીને તેમની પાસે કંઈ માગ્યું. 21અને તેમણે તેને કહ્યું, “તું શું માગે છે?” તે તેમને કહે છે, “આ મારા બે દીકરા તમારા રાજ્યમાં એક તમારે જમણે હાથે ને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.”
22પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “તમે જે માગો છો તે તમે સમજતાં નથી! જે પ્યાલું હું પીવાનો છું તે તમે પી શકો છો?” તેઓ તેમને કહે છે, “અમે પી શકીએ છીએ.” 23તે તેઓને કહે છે, “તમે મારું પ્યાલું પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ તૈયાર કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે ને ડાબે હાથે બેસવા દેવું એ મારું નથી.”
24અને બીજા દશે જણે એ સાંભળ્યું ત્યારે તેઓ એ બન્ને ભાઈ પર ગુસ્સે થયા, 25પણ #લૂ. ૨૨:૨૫-૨૬. ઈસુએ તેઓને પાસે તેડીને કહ્યું, “તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે, ને જેઓ મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે. 26પણ તમારામાં એવું ન થાય. પણ #માથ. ૨૩:૧૧; માર્ક ૯:૩૫; લૂ. ૨૨:૨૬. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય. 27અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય. 28જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”
ઈસુ બે દ્દષ્ટિહીનોને સાજા કરે છે.
(માર્ક ૧૦:૪૬-૫૨; લૂ. ૧૮:૩૫-૪૩)
29અને તેઓ યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો. 30અને જુઓ, બે આંધળા રસ્તાની બાજુએ બેઠેલા હતા, અને ઈસુ પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ બૂમ પાડી, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.” 31અને લોકોએ તેઓને ધમકાવીને ક્હ્યું, છાના રહો. પણ તેઓએ વત્તી બૂમ પાડી, “ઓ પ્રભુ દાઉદના દીકરા, અમારા પર દયા કરો.” 32ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને તેડીને કહ્યું, “હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?” 33તેઓ તેમને કહે છે, “પ્રભુ, અમારી આંખો ઊઘડી જાય.” 34ત્યારે ઈસુને દયા આવી, ને તે તેઓની આંખોને અડક્યા, ને તરત તેઓ દેખતા થયા. અને તેઓ તેમની પાછળ ચાલ્યા.
Currently Selected:
માથ્થી 20: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.