YouVersion Logo
Search Icon

યાકૂબનો પત્ર 2

2
ભેદભાવ સંબંધી ચેતવણી
1મારા ભાઈઓ, તમે નિષ્પક્ષપાતપણે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો. 2કેમ કે જેની આંગળીમાં સોનાની વીંટી હોય તથા જેના અંગ પર સુંદર કીમતી વસ્‍ત્ર હોય, એવો માણસ જો તમારી સભામાં આવે, અને જો મલિન વસ્‍ત્ર પહેરેલો એવો એક ગરીબ માણસ પણ આવે, 3અને તમે સુંદર કીમતી વસ્‍ત્ર પહેરેલા માણસને માન આપીને કહો છો, “તમે અહીં ઉત્તમ સ્થાને બેસો”, પણ પેલા ગરીબ માણસને કહો છો, “તું ત્યાં ઊભો રહે.” અથવા “અહીં મારા પગના આસન પાસે બેસ.” 4તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતપણે ન્યાય કરતા નથી?
5મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો. વિશ્વાસમાં ધનવાન થવા માટે, તથા ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા માટે ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કર્યાં? 6પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ કરતા નથી? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી? 7જે ઉત્તમ નામથી તમે ઓળખાઓ છો, તેની નિંદા કરનારા શું તેઓ નથી?
8તોપણ પવિત્રલેખ પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે, #લે. ૧૯:૧૮. “તું પોતાના જેવો પોતાના પડોશી પર‍ પ્રેમ રાખ, ” એ [નિયમ] જો તમે પૂરેપૂરો પાળો છો, તો તમે ઘણું સારું કરો છો, 9પણ જો તમે પક્ષપાત કરો છો, તો પાપ કરો છો. અને [નિયમનું] ઉલ્‍લંઘન કરનારા તરીકે નિયમથી અપરાધી ઠરો છો. 10કેમ કે જે કોઈ આખું નિયમશાસ્‍ત્ર પાળશે, અને માત્ર એક જ બાબતમાં ભૂલ કરશે, તે સર્વ સંબંધી અપરાધી છે. 11કેમ કે જેમણે કહ્યું, “તું વ્યભિચાર ન કર, ” તેમણે જ કહ્યું છે, #નિ. ૨૦:૧૪; પુન. ૫:૧૮. “તું હત્યા ન કર.” માટે જો તું વ્યભિચાર ન કરે, પણ જો #નિ. ૨૦:૧૩; પુન. ૫:૧૭. તું હત્યા કરે, તો તું નિયમશાસ્‍ત્રનું ઉલ્લંઘન કરનારો થયો છે. 12સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વર્તો. 13કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે, ન્યાય પર દયા વિજય મેળવે છે.
વિશ્વાસ અને કરણીઓ
14મારા ભાઈઓ, જો કોઈ કહે “મને વિશ્વાસ છે.” પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે છે? 15જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડાં હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય, 16અને તમારામાંનો કોઈ તેઓને કહે કે, “શાંતિથી જાઓ, તાપો, અને તૃપ્ત થાઓ.” તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો તેથી શો લાભ થાય? 17તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો [હોવાથી] નિર્જીવ છે.
18હા, કોઈ કહેશે, “તને વિશ્વાસ છે, અને મને કરણીઓ છે; તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને દેખાડ, અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને દેખાડીશ.” 19તું વિશ્વાસ કરે છે કે, ઈશ્વર એક છે; તો તું સારું કરે છે; દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે, અને કાંપે છે. 20પણ ઓ નિર્બુદ્ધ માણસ, કરણીઓ વગર વિશ્વાસ નિર્જીવ છે, એ જાણવાની તું ઇચ્છા રાખે છે? 21#ઉત. ૨૨:૧-૧૪. આપણા પૂર્વજ ઇબ્રાહિમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઇસહાકનું બલિદાન આપ્યું, તેમ કરીને કરણીઓથી તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો નહિ? 22તું જુએ છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો, અને કરણીઓથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. 23એટલે આ લેખ ખરો ઠર્યો કે જેમાં કહેલું છે. #ઉત. ૧૫:૬. “ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, અને તે તેને માટે ન્યાયીપણા તરીકે ગણવામાં આવ્યો, અને #૨ કાળ. ૨૦:૭; યશા. ૪૧:૮. તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો.” 24તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહિ, પણ કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે.
25તે જ પ્રમાણે #યહો. ૨:૧-૨૧. જ્યારે રાહાબ વેશ્યાએ જાસૂસોનો સત્કાર કર્યો, અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કરણીઓથી ન્યાયી નહિ ઠરાવવામાં આવી?
26કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ જ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in