યાકૂબનો પત્ર 1
1
1વિખેરાઈ ગયેલાં બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક #માથ. ૧૩:૫૫; માર્ક ૬:૩; પ્રે.કૃ. ૧૫:૧૩; ગલ. ૧:૧૯. યાકૂબની સલામ.
વિશ્વાસ અને ડહાપણ
2મારા ભાઈઓ, જયારે તમને જાત જાતનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, 3કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષા [માં પાર ઊતર્યા] થી ધીરજ ઉત્પન્ન થાય છે. 4તમે પરિપકવ તથા સંપૂર્ણ થાઓ, અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.
5તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે, એટલે તેને તે આપવામાં આવશે. 6પરંતુ કંઈ પણ શંકા રાખ્યા વગર વિશ્વાસથી માંગવું, કેમ કે જે કોઈ શંકા રાખે છે તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. 7એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. 8બે મનવાળું માણસ પોતાના સર્વ કાર્યમાં અસ્થિર છે.
ગરીબ અને ધનવાન
9જે ભાઈ હલકા દરજ્જાનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે. 10અને જે શ્રીમંત છે, તે પોતાના નીચપદમાં [અભિમાન કરે] ; કેમ કે #યશા. ૪૦:૬-૭. ઘાસના ફૂલની જેમ તે જતો રહેશે. 11કેમ કે સૂર્ય ઊગે છે, અને લૂ વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે. તેનું ફૂલ ખરી પડે છે, અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે: તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં ચીમળાઈ જશે.
કસોટી અને પરીક્ષણ
12જે માણસ પરીક્ષણમાં પાર ઊતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે. 13કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતા પણ નથી. 14પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. 15પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપકવ થઈને મોતને ઉપજાવે છે.
16મારા વહાલા ભાઈઓ, તમે છેતરાતા નહિ. 17દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે. 18તેમણે પોતાની ઇચ્છાથી સત્યના વચનદ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમનાં ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.
સાંભળવું અને પાળવું
19મારા વહાલા ભાઈઓ, તમે એ જાણો છો. દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય. 20કેમ કે માણસના ક્રોધથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી. 21માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો, અને [તમારા હ્રદયમાં] રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.
22પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા જ નહિ. 23કેમ કે જે કોઈ માણસ વચન પાળનાર નથી, પણ માત્ર સાંભળનાર છે, તે પોતાનું સ્વાભાવિક મોં આરસીમાં જોનાર માણસના જેવો છે. 24કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે. 25પણ જે છૂટાપણાના સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે.
26જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે, અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે. 27વિધવાઓની અને અનાથોની તેઓનાં દુ:ખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની, એટલે પિતાની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.
Currently Selected:
યાકૂબનો પત્ર 1: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.