પ્રેરિતોનાં કૃત્યો 8
8
શાઉલ અને મંડળીની સતાવણી
1શાઉલે તેનો ઘાત કરવાની સંમતિ આપી હતી, તે જ દિવસે યરુશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ, એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા. 2ધાર્મિક પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને માટે ઘણો વિલાપ કર્યો. 3પણ #પ્રે.કૃ. ૨૨:૪-૫; ૨૬:૯-૧૧. શાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો, એટલે ઘેરઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને બંદીખાનામાં નાખ્યાં.
સમરૂનમાં સુવાર્તાપ્રચાર
4જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ સુવાર્તા પ્રગટ કરતા ચારે તરફ ફર્યા. 5ફિલિપે સમરૂન શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિષે બોધ કર્યો. 6તેણે કહેલી વાતો સાંભળીને તથા તેણે કરેલા ચમત્કારો જોઈને લોકોએ તેની વાતો પર એકચિત્તે ધ્યાન આપ્યું. 7કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણાંમાંથી તેઓ મોટી બૂમ પાડતાં બહાર નીકળ્યા, અને ઘણા પક્ષઘાતીઓને તથા લંગડાઓને સાજા કરવામાં આવ્યા. 8તે શહેરમાં બહુ આનંદ થઈ રહ્યો.
9પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો, અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરૂનના લોકોને છક કરી નાખતો હતો. 10તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતા, “ઈશ્વરની જે મહાન શક્તિ કહેવાય છે તે એ માણસ છે.” 11તેણે ઘણી મુદતથી પોતાની જાદુક્રિયાથી તેઓને છક કરી નાખ્યા હતા, માટે તેઓ તેનું સાંભળતા હતા. 12પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો તેવામાં તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્ત્રીઓએ પણ બાપ્તિસ્મા લીધું. 13સિમોન પોતે પણ વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામીને ફિલિપની સાથે રહ્યો. અને ચમત્કારો તથા મોટાં પરાક્રમની કામો બનતાં જોઈને તે આશ્ચર્ય પામ્યો.
14હવે સમરૂનીઓએ ઈશ્વરની વાત સ્વીકારી છે એવું યરુશાલેમમાં પ્રેરિતોના સાંભળવામાં આવ્યું, એટલે તેઓએ પિતર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા. 15ત્યાં પહોંચ્યા પછી તેઓ પવિત્ર આત્મા પામે માટે તેઓએ તેઓને માટે પ્રાર્થના કરી. 16કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈના ઉપર તે ઊતર્યો નહોતો, પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા. 17પછી તેઓએ તેઓના પર હાથ મૂક્યા, એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા.
18હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડયા, 19અને કહ્યું, “તમે મને પણ એ અધિકાર આપો કે જેના પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.”
20પણ પિતરે તેને કહ્યું, “ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તે ધાર્યું માટે તારી સાથે તારા પૈસા નાશ પામો. 21આ વાતમાં તારે લાગભાગ નથી, કેમ કે તારું અંત:કરણ ઈશ્વરની આગળ ચોખ્ખું નથી. 22માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને વિનંતી કર કે, કદાચ તારા અંત:કરણનો વિચાર તને માફ થાય. 23કેમ કે હું જોઉં છું કે તું પિત્તની કડવાશમાં અને પાપના બંધનમાં છે.”
24ત્યારે સિમોને ઉત્તર આપ્યો, “તમારી કહેલી વાતોમાંની કોઈ પણ મારા પર ન આવે માટે તમે મારે માટે પ્રભુને વિનંતી કરો.”
25હવે [ત્યાં] સાક્ષી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કર્યા પછી સમરૂનીઓનાં ઘણાં ગામોમાં સુવાર્તા પ્રગટ કરીને તેઓ યરુશાલેમ પાછા આવ્યા.
ફિલિપ અને ઈથિયોપિયાનો અધિકારી
26પણ પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, “ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે.” 27તે ઊઠીને ગયો. અને જુઓ, એક હબશી ખોજો, જે હબશીઓની રાણી કાંડાકેના હાથ નીચે મોટો અમલદાર તથા તેના બધા ભંડારનો કારભારી હતો તે ભજન કરવા માટે યરુશાલેમ આવ્યો હતો. 28તે પાછા જતાં પોતાના રથમાં બેસીને યશાયા પ્રબોધક [નું પુસ્તક] વાંચતો હતો. 29આત્માએ ફિલિપને કહ્યું, “તું પાસે જઈને એ રથની સાથે થઈ જા.” 30ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો, અને તેને યશાયા પ્રબોધક [નું પુસ્તક] વાંચતો સાંભળીને પૂછ્યું, “તમે જે વાંચો છો તે શું તમે સમજો છો?”
31ત્યારે તેણે કહ્યું, કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું?” તેણે ફિલિપને વિનંતી કરી, “ઉપર ચઢીને મારી પાસે બેસો.” 32શાસ્ત્રનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે,
#
યશા. ૫૩:૭-૮. “ ઘેટાની જેમ મારી નંખાવાને
તેને લઈ જવામાં આવ્યો; અને
જેમ હલવાન પોતાના કાતરનારની
આગળ મૂંગું રહે છે,
તેમ તેણે પોતાનું મોં ઉઘાડ્યું નહિ.
33તેની દીનાવસ્થામાં
તેનો ન્યાય ડૂબી ગયો.
તેના જમાનાના લોકોનું વર્ણન
કોણ કહી દેખાડશે?
કેમ કે તેનો જીવ પૃથ્વી પરથી
લઈ લેવામાં આવ્યો.”
34ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર આપ્યો, “હું તમને વિનંતી કરું છું કે, પ્રબોધક કોના વિષે એ કહે છે? પોતાના વિષે કે કોઈ બીજાના વિષે?” 35ત્યારે ફિલિપે બોલવાનું શરૂ કર્યું, અને શાસ્ત્રની એ વાતથી આરંભ કરીને તેને ઈસુ [વિષેની સુવાર્તા] પ્રગટ કરી. 36તેઓ માર્ગે ચાલતાં એક જળાશય પાસે આવી પહોંચ્યા, ત્યારે ખોજાએ કહ્યું, “જો, [અહીં] પાણી છે. મારે બાપ્તિસ્મા પામવાને શો વાંધો છે?” 37ત્યારે ફિલિપે કહ્યું, “જો તમે તમારા પૂરા મનથી વિશ્વાસ કરો છો તો એ ઉચિત છે.” તેણે ઉત્તર આપ્યો, “ઈસુ ખ્રિસ્ત તે ઈશ્વરનો દીકરો છે, એવું હું માનું છું.”
38પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો, અને ફિલિપ તથા ખોજો બન્ને પાણીમાં ઊતર્યા, અને તેણે તેને બાપ્તિસ્મા આપ્યું. 39તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અને ખોજાએ ફરી તેને જોયો નહિ. પરંતુ તે આનંદ કરતો કરતો પોતાને માર્ગે ચાલ્યો ગયો. 40પણ ફિલિપ આશ્દોદમાં જોવામાં આવ્યો; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંનાં સર્વ શહેરોમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 8: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.