પ્રેરિતોનાં કૃત્યો 25
25
રોમન સમ્રાટને પાઉલની અપીલ
1હવે ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવીને ત્રણ દિવસ પછી કાઈસારિયાથી યરુશાલેમ ગયો. 2ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય માણસોએ તેની આગળ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી. 3તેઓએ તેની વિરુદ્ધ તેને વિનંતી કરી, “તેને યરુશાલેમ તેડાવી મંગાવવાની મહેરબાની કરો, ” તે [એવા હેતુથી] કે તેઓ માણસોને સંતાડી રાખીને માર્ગમાં તેને મારી નંખાવે. 4પણ ફેસ્તસે ઉત્તર આપ્યો, “પાઉલને કાઇસારિયામાં ચોકીમાં રાખેલો છે, અને હું પોતે ત્યાં થોડા દિવસમાં જવાનો છું. 5માટે તમારામાંના જેઓ વજનદાર હોય તેઓ મારી સાથે આવીને એ માણસનો જો કંઈ ગુનો હોય તો તેના પર તેઓ તહોમત મૂકે.”
6તેઓની સાથે આઠ દિવસથી વધારે ન રહેતાં તે કાઈસારિયા ગયો, અને બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તેણે પાઉલને પોતાની રૂબરૂ લાવવાની આજ્ઞા કરી. 7તે હાજર થયો ત્યારે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઊભા રહીને તેના પર સંખ્યાબંધ ભારે તહોમત મૂકવા લાગ્યા, પણ તેઓ તે સાબિત કરી શકયા નહિ. 8ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું, “યહૂદીઓના નિયમશાસ્ત્ર અથવા મંદિર અથવા કાઈસારની વિરુદ્ધ મેં કંઈ ગુનો કર્યો નથી.”
9પણ ફેસ્તસે યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો, “શું તું યરુશાલેમ જઈને ત્યાં એ વાતો વિષે મારી આગળ તારો ન્યાય કરાવવાને રાજી છે?”
10પાઉલે કહ્યું, “કાઈસારના ન્યાયાસન આગળ હું ઊભો છું, ત્યાં જ મારો ન્યાય થવો જોઈએ. મેં યહૂદીઓનું કંઈ ભૂંડું કર્યું નથી, તે આપ પણ સારી પેઠે જાણો છો. 11જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના પાડતો નથી. પણ જે વિષે તેઓ મારા પર તહોમત મૂકે છે તેમાંની જો એકે વાત ખરી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે ન્યાય માગું છું.
12ત્યારે ફેસ્તસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો, “તેં કાઈસાર પાસે ન્યાય માગ્યો છે; તો કાઈસારની પાસે તારે જવું પડશે.”
આગ્રીપા અને બેરનીકે સમક્ષ
13કેટલાક દિવસ વીત્યા પછી આગ્રીપા રાજા તથા બેરનીકે કાઈસારિયા આવ્યાં, અને ફેસ્તસની મુલાકાત લીધી. 14તેઓ ત્યાં ઘણા દિવસ રહ્યાં. પછી ફેસ્તસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરીને કહ્યું, “ફેલિકસ એક બંદીવાનને મૂકી ગયો છે. 15જ્યારે હું યરુશાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના ઉપર ફરિયાદ કરીને તેને ગુનેગાર ઠરાવવાની માગણી કરી. 16તેઓને મેં ઉત્તર આપ્યો કે, કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને [મારી નાખવાને] સોંપી દેવો એ રોમનોની રીત નથી. 17તે માટે તેઓ અહીં એકત્ર થયા, ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો મેં હુકમ કર્યો. 18ફરિયાદીઓએ ઊભા થઈને, હું ધારતો હતો તેવાં કોઈ પણ દુષ્કૃત્યો વિષે તેના પર તહોમત મૂક્યું નહિ; 19પણ પોતાના ધર્મ વિષે, તથા ઈસુ કરીને કોઈ માણસ જે મરી ગયો છે, પણ જેને વિષે પાઉલ કહે છે કે જીવતો છે, તે સંબંધી તેઓએ તેની વિરુદ્ધ કેટલાક સવાલ ઉઠાવ્યા. 20એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની મને સૂઝ પડી નહિ, તેથી મેં પૂછયું કે, શું તું યરુશાલેમ જઈને ત્યાં આ વાતો સંબંધી તારો ન્યાય કરાવવા ઇચ્છે છે? 21પણ [મારા મુકદમાનો] ફેંસલો સમ્રાટથી થવો જોઈએ એવી પાઉલે માગણી કરી, તેથી કાઈસારની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને કેદમાં રાખવાનો મેં હુકમ કર્યો.” 22ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, “એ માણસનું સાંભળવાની મારી પણ ક્યારની ઇચ્છા છે.” ત્યારે તેણે કહ્યું, “આવતી કાલે જ આપને તેનું સાંભળવાની તક મળશે.”
23માટે બીજે દિવસે આગ્રીપા તથા બેરનીકે મોટા દબદબામાં આવીને સરદારો તથા શહેરના મુખ્ય માણસો સાથે દરબારમાં દાખલ થયા, ત્યારે ફેસ્તસની આજ્ઞાથી તેઓએ પાઉલને રજૂ કર્યો. 24પછી ફેસ્તસે કહ્યું, “હે આગ્રીપા રાજા તથા હાજર થયેલા સર્વ સદગૃહસ્થો, જે માણસ વિષે યહૂદીઓના આખા સમુદાયે યરુશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને તેને જીવતો રહેવા દેવો [યોગ્ય] નથી, એવો પોકાર કર્યો, તેને તમે જુઓ છો. 25પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણદંડને યોગ્ય કંઈ કર્યું નથી. વળી તેણે પોતે સમ્રાટની પાસે ઇન્સાફ માગ્યો, તેથી મેં તેને [રોમ] મોકલી દેવાનો નિશ્ચય કર્યો છે. 26તેને વિષે એવી કંઈ ચોક્કસ હકીકત મને મળી નથી કે જે હું મારા ધણી પર લખી મોકલું. માટે મેં તમારી આગળ અને હે આગ્રીપા રાજા, વિશેષ કરીને આપની આગળ, તેને રજૂ કર્યો છે, જેથી તેની તપાસ થયા પછી મને કંઈ લખી મોકલવાનું મળી આવે. 27કેમ કે બંદીવાનને મોકલવો, અને તેના પરનાં તહોમત ન દર્શાવવાં, એ મને અયોગ્ય લાગે છે.”
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 25: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.