YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 26

26
આગ્રીપા આગળ પોતાનો બચાવ
1આગ્રીપાએ પાઉલને કહ્યું, “તને તારી હકીકત જણાવવાની રજા છે.” ત્યારે પાઉલે હાથ લાંબો કરીને પ્રત્યુત્તર આપ્યો,
2“હે આગ્રીપા રાજા, જે બાબતો વિષે યહૂદીઓ મારા પર તહોમત મૂકે છે, તે બધી બાબતો વિષે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે તેથી હું પોતાને ધન્ય ગણું છું. 3વિશેષે કરીને એટલા માટે કે જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે આપ માહિતગાર છો. માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.
4નાનપણથી માંડીને મારા પોતાના લોકમાં તથા યરુશાલેમમાં મારું જે વર્તન છે, તે સર્વ યહૂદીઓ જાણે છે. 5વળી જો તેઓ સાક્ષી આપવા ચાહે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું પણ #પ્રે.કૃ. ૨૩:૬; ફિલિ. ૩:૫. ફરોશી હતો. 6હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે [વચન] ની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું. 7અમારાં બારે કુળો પણ [ઈશ્વરની] સેવા આતુરતાથી રાતદિવસ કરીને તે [વચન] ફળીભૂત થવાની આશા રાખે છે. અને, હે રાજા, એ જ આશાની ખાતર યહૂદીઓ મારા પર તહોમત મૂકે છે! 8ઈશ્વર મૂએલાંઓને પાછાં ઉઠાડે એ તમને કેમ અસંભવિત લાગે છે?
9 # પ્રે.કૃ. ૮:૩; ૨૨:૪-૫. હું તો [પ્રથમ] મારા મનમાં એવું ધારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ. 10અને મેં યરુશાલેમમાં તેમ કર્યું પણ ખરું:મુખ્ય યાજકો પાસેથી સત્તા મેળવીને સંતોમાંના ઘણાને મેં બંદીખાનામાં નંખાવ્યા, અને તેઓને મારી નાખવામાં આવતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધમાં મત આપ્યો. 11મેં સર્વ સભાસ્થાનોમાં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવાને પ્રયત્ન કર્યા. અને તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરરાજ્યનાં શહેરો સુધી પણ મેં તેઓને સતાવ્યા.
પાઉલ પોતાના બદલાણ વિષે જણાવે છે
(પ્રે.કૃ. ૯:૧-૧૯; ૨૨:૬-૧૬)
12એ જ કામને માટે મુખ્ય યાજકો પાસેથી સત્તા તથા પરવાનો મેળવીને હું દમસ્કસ જતો હતો, 13તેવામાં, હે રાજા, મધ્યાહને માર્ગમાં સૂર્યના તેજ કરતાં પ્રકાશિત એવો આકાશથી આવેલો પ્રકાશ મેં મારી તથા મારી સાથે ચાલનારાઓની આસપાસ જોયો. 14ત્યારે અમે બધા જમીન પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રૂ ભાષામાં મને કહ્યું, ‘શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? આરને લાત મારવી તને કઠણ છે.’ 15ત્યારે મેં કહ્યું, ‘પ્રભુ, તમે કોણ છો? પ્રભુએ મને કહ્યું, ‘હું ઈસુ છું, જેને તું સતાવે છે તે. 16પણ ઊઠ, અને ઊભો થા; કેમ કે હું તને સેવક ઠરાવું, તથા મારા વિષે જે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને આપીશ, તે વિષે તને સાક્ષી ઠરાવું, એ હેતુથી મેં તને દર્શન દીધું છે. 17આ લોકો તથા જે વિદેશીઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ 18કે, તું તેઓની આંખો ઉઘાડે, અને તેઓને અંધારામાંથી અજવાળામાં, અને શેતાનની સત્તા નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.
પાઉલ પોતાના સેવાકાર્ય વિષે કહે છે
19તે માટે, હે આગ્રીપા રાજા, તે આકાશી દર્શન માન્યા વિના હું રહ્યો નહિ. 20પણ પહેલાં #પ્રે.કૃ. ૯:૨૦. દમસ્કસના, યરુશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા વિદેશીઓને પણ મેં એવો બોધ કર્યો કે તમારે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં કૃત્યો કરવાં. 21એ કારણથી યહૂદીઓએ મને મંદિરમાં પકડીને #પ્રે.કૃ. ૯:૨૮-૨૯. મારી નાખવાની કોશિશ કરી. 22પરંતુ ઈશ્વરની સહાય મળવાથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાનામોટાને સાક્ષી આપતો આવ્યો છું. અને પ્રબોધકો તથા મૂસા જે જે બનાવો બનવા વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી. 23એટલે કે ખ્રિસ્ત [મરણ] વેદના સહન કરે, અને તે #૧ કોરીં. ૧૫:૨૦. પ્રથમ મૂએલાંમાંથી પાછા ઊઠ્યાથી લોકોને તથા #યશા. ૪૨:૬; ૪૯:૬. વિદેશીઓને પ્રકાશ આપે.”
24આ પ્રમાણે તે પ્રત્યુત્તર આપતો હતો એટલામાં ફેસ્તસે મોટે અવાજે કહ્યું, “પાઉલ, તું ઘેલો છે; તારી ઘણી વિદ્યાએ તને ઘેલો કરી નાખ્યો છે.” 25પણ પાઉલે કહ્યું, “નેકનામદાર ફેસ્તસ, હું ઘેલો નથી; પણ સત્યની તથા ડહાપણની વાતો કહું છું. 26કેમ કે આ રાજા, જેમની આગળ પણ હું છૂટથી બોલું છું તે એ વિષે જાણે છે. કેમ કે મને ખાતરી છે કે તેઓમાંની કોઈ પણ વાત તેમનાથી ગુપ્ત નથી. કારણ કે એ તો ખૂણામાં બન્યું નથી. 27હે આગ્રીપા રાજાજી, આપ શું પ્રબોધકો [ની વાતો] પર વિશ્વાસ કરો છો? હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.
28ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું, “થોડા [પ્રયાસ] થી તું મને ખ્રિસ્તી કરવા માંગે છે.” 29પાઉલે કહ્યું, “ઈશ્વર કરે ને ગમે તો થોડા [પ્રયાસ] થી કે ઘણાથી, એકલા આપ જ નહિ, પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય મારા જેવા થાય.”
30પછી રાજા, હાકેમ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં. 31તેઓએ એકાંતમાં જઈને અંદરઅંદર વિચાર કરીને કહ્યું, “એ માણસે મરણદંડ અથવા બેડીઓ [પહેરાવવા] યોગ્ય કંઈ કર્યું નથી.” 32ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, “જો એ માણસે કાઈસારની પાસે ઇન્સાફ માગ્યો ન હોત, તો એને છોડી દેવામાં આવત.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for પ્રેરિતોનાં કૃત્યો 26