YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 24

24
પાઉલ સામે યહૂદીઓનો આરોપ
1પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો. અને તેઓએ હાકેમની આગળ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી. 2તેને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસે નીચે પ્રમાણે તેના પર તહોમત મૂકવાનું શરૂ કરતાં કહ્યું, “નેકનામદાર ફેલિકસ, આપનાથી અમે ઘણી સુખશાંતિ ભોગવીએ છીએ, અને આપની દીર્ધદષ્ટિથી આ પ્રજાના લાભને અર્થે જે સુધારા કરવામાં આવ્યા છે, 3તે અમે સર્વ પ્રકારે અને સર્વ સ્થળે પૂરેપૂરી કૃતજ્ઞતાથી સ્વીકારીએ છીએ. 4પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું આપને વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો. 5કેમ કે આ માણસ અમને પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં બંડ ઉઠાવનાર તથા નાઝારીઓના પંથનો આગેવાન માલૂમ પડ્યો છે. 6તેણે મંદિરને પણ અશુદ્ધ કરવાને પ્રયત્ન કર્યા; ત્યારે અમે એને પકડ્યો. [અમે અમારા શાસ્‍ત્ર પ્રમાણે એનો ન્યાય કરવા ચાહતા હતા; 7પણ લુકિયસ સરદાર આવીને બહુ જબરદસ્તી કરીને અમારા હાથમાંથી એને છોડાવી લઈ ગયો, 8અને એના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી.] એની તપાસ આપ પોતે કરશો, એથી અમે એના પર જે જે દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો.” 9હકીકત એ પ્રમાણે જ છે એમ કહીને યહૂદીઓ પણ ફરિયાદમાં સામેલ થયા.
ફેલિકસ સમક્ષ પાઉલે કરેલો પોતાનો બચાવ
10પછી હાકેમે પાઉલને બોલાવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો,
“ઘણાં વરસથી આપ આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી મારા બચાવમાં પ્રત્યુત્તર આપું છું. 11કેમ કે [તપાસ કરવાથી] આપને માલૂમ પડશે કે ભજન કરવાને માટે યરુશાલેમ જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી. 12તેઓએ મને મંદિરમાં, સભાસ્થાનોમાં કે શહેરોમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં બંડ ઉઠાવતો જોયો નથી. 13તેઓ હમણાં મારા પર જે તહોમતો મૂકે છે તે તેઓ આપની આગળ સાબિત કરી શકતા નથી. 14પણ આપની આગળ હું આટલું તો કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મત કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, અને જે વાતો નિયમશાસ્‍ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલી છે તે સર્વ હું માનું છું. 15ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે, એવી જેમ તેઓ પોતે આશા રાખે છે, તેમ હું પણ ઈશ્વર વિષે આશા રાખું છું. 16એમ માનીને હું ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હંમેશાં નિર્દોષ અંત:કરણ રાખવાનો પ્રયત્ન કરું છું.
17હવે ઘણાં વરસ પછી #પ્રે.કૃ. ૨૧:૧૭-૨૮. હું મારા લોકોને દાન આપવાને તથા અર્પણો કરવાને આવ્યો. 18તે દરમિયાન તેઓએ મને મંદિરમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું. પણ આસિયાના કેટલાક યહૂદીઓ [ત્યાં હતા]. 19જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ બોલવાનું હોત તો તેઓએ અહીં આપની પાસે આવીને તહોમત મૂકવું જોઈતું હતું. 20નહિ તો આ માણસો પોતે કહી બતાવે કે, હું ન્યાયસભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં શો દોષ તેઓને માલૂમ પડ્યો હતો. 21એટલું તો ખરું કે તેઓની મધ્યે ઊભા રહીને મેં આ એક વાત કહી હતી કે, #પ્રે.કૃ. ૨૩:૬. મૂએલાંઓના પુનરુત્થાન વિષે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે.”
22પણ ફેલિકસને તે માર્ગ વિષે વધારે ચોક્‍કસ જ્ઞાન હતું, માટે લુકિયસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ એમ કહીને તેણે કામ મુલતવી રાખ્યું. 23તેણે સૂબેદારને આજ્ઞા કરી કે તારે તેને પહેરામાં રાખવો પણ તેને છૂટ આપવી, અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહિ.
ફેલિકસ અને દ્રુસિલા સમક્ષ પાઉલ
24કેટલાક દિવસ પછી ફેલિકસ પોતાની સ્‍ત્રી દ્રુસિલા, જે યહૂદી હતી, તેની સાથે આવ્યો, ત્યારે તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ સંબંધી તેની વાત સાંભળી. 25[પાઉલ] સદાચાર તથા સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે તેને સમજાવતો હતો, ત્યારે ફેલિકસે ભયભીત થઈને ઉત્તર આપ્યો, “હમણાં તો તું જા. મને અનુકૂળ પ્રસંગ મળેથી હું તને બોલાવીશ.” 26તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા આપશે. એ માટે તે તેને ઘણી વાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો.
27પણ બે વરસ પછી ફેલિકસને સ્થાને પોર્કિયસ ફેસ્તસ આવ્યો, અને યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી ફેલિકસ પાઉલને બંધનમાં મૂકી ગયો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for પ્રેરિતોનાં કૃત્યો 24