કરિંથીઓને પહેલો પત્ર 9
9
પ્રેરિતોના હકકો અને ફરજો
1શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારા કામનું ફળ નથી? 2જો હું બીજાઓની દષ્ટિમાં પ્રેરિત ન હોઉં, તોપણ બેશક તમારે માટે તો છું જ, કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપણાનો મહોરસિક્કો છો.
3મારી તપાસ કરનારાને એ જ મારો પ્રત્યુત્તર છે. 4શું અમને ખાવાપીવાનો અધિકાર નથી? 5શું બીજા પ્રેરિતોની તથા પ્રભુના ભાઈઓની તથા કેફાની જેમ મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈને ફરવાનો અધિકાર નથી? 6અથવા ધંધોરોજગાર ન કરવાનો અધિકાર માત્ર મને તથા બાર્નાબાસને જ નથી શું? 7એવો ક્યો સિપાઈ છે કે જે કોઈ પણ વખતે પોતાને ખરચે લડે છે? વળી દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ કોણ ખાતો નથી? અથવા [ઘેટાંબકરાંનું] ટોળું પાળીને તે ટોળાનું દૂધ કોણ ખાતો નથી?
8આ વાતો શું હું માણસોની દલીલો વાપરીને કહું છું? અથવા નિયમશાસ્ત્ર પણ એમ જ કહેતું નથી? 9કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે, #પુન. ૨૫:૪; ૧ તિમ. ૫:૧૮. “પગરે ફરતા બળદના મોઢા પર શીંકી ન બાંધ.” શું [આવી આજ્ઞા આપવામાં] ઈશ્વર બળદની ચિંતા કરે છે. 10કે, ફકત આપણી ખાતર તે એમ કહે છે? હા, આપણી જ ખાતર એવું લખેલું છે: કેમ કે જે ખેડે છે તેણે આશાથી ખેડવું, અને જે મસળે છે તેણે ફળ પામવાની આશાથી [મસળવું જોઈએ]. 11#રોમ. ૧૫:૨૭. જો અમે તમારે માટે આત્મિક વસ્તુઓ વાવી છે, તો અમે તમારી શરીરોપયોગી વસ્તુઓ લણીએ એ કંઈ મોટી વાત કહેવાય? 12જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે, તો [તેઓના કરતાં] અમારો વધારે હક નથી શું?
તોપણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ અમારાથી ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવ ન થાય માટે સર્વ સહન કરીએ છીએ. 13#પુન. ૧૮:૧. જેઓ મંદિરમાં સેવાનું કામ કરે છે તેઓ મંદિરમાંનું ખાય છે, અને જેઓ વેદીની સેવા કરે છે તેઓ વેદીના ભાગીદાર છે, એ શું તમે નથી જાણતા? 14#માથ. ૧૦:૧૦; લૂ. ૧૦:૭. જેઓ સુવાર્તા પ્રગટ કરે છે, તેઓ સુવાર્તાથી પોતાની આજીવિકા ચલાવે એમ પ્રભુએ ઠરાવ્યું છે.
15પણ એવો કશો વહીવટ મેં રાખ્યો નથી. અને મારા સંબંધમાં એમ થવું જોઈએ, એ માટે મેં આ વાતો લખી નથી. કેમ કે મારું અભિમાન [રાખવાનું કારણ] કોઈ મિથ્યા કરે, એ કરતાં મરવું મારે માટે વધારે સારું છે. 16જો હું સુવાર્તા પ્રગટ કરું, તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે; અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે. 17કેમ કે જો હું રાજીખુશીથી તે [કરું] , તો મને બદલો મળે છે, પણ જો રાજીખુશીથી ન [કરું] , તો મને કારભાર સોંપવામાં આવ્યો છે. 18માટે મને શો બદલો મળે છે? એ કે જ્યારે હું સુવાર્તા પ્રગટ કરું ત્યારે તે મફત પ્રગટ કરું, જેથી સુવાર્તા પ્રગટ કરીને મારો જે હક છે તેનો હું પૂરેપૂરો લાભ ન લઉં.
19કેમ કે સર્વથી સ્વતંત્ર છતાં, ઘણા માણસોને [મંડળીમાં] લાવવા માટે, હું મારી જાતે સર્વનો દાસ થયો. 20યહૂદીઓને મેળવવા માટે હું યહૂદીઓની સાથે યહૂદી જેવો થયો. હું પોતે નિયમાધીન ન છતાં નિયમાધીનોને લાવવા માટે નિયમાધીનોની સાથે નિયમાધીન જેવો થયો. 21નિયમરહિતોને લાવવા માટે નિયમરહિત જેવો થયો.ઈશ્વર વિષે નિયમરહિત તો નહિ પણ ખ્રિસ્ત વિષે નિયમસહિત. 22નિર્બળોને લાવવા માટે નિર્બળોની સાથે હું નિર્બળ જેવો થયો. હરકોઈ રીતે કેટલાકને તારવા માટે હું સર્વની સાથે સર્વના જેવો થયો.
23હું [મારું સાંભળનારાઓનો] તેમાં સહભાગી થાઉં, એ માટે હું સુવાર્તાની ખાતર સર્વ કરું છું. 24શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો [ઇનામ મેળવવા] દોડે છે, તોપણ એકને જ ઇનામ મળે છે? એમ દોડો કે તમને મળે. 25વળી દરેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે. તેઓ તો વિનાશી મુગટ મેળવવા માટે એમ [કરે] છે, પણ આપણે તો અવિનાશી [મુગટ મેળવવા] માટે. 26તેથી હું એવી રીતે દોડું છું, પણ શંકા રાખનારની જેમ નહિ. હું મુકકીઓ મારું છું, પણ પવનને મારનારની જેમ નહિ. 27પણ હું મારા દેહનું દમન કરું છું, તથા તેને વશ રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં.
Currently Selected:
કરિંથીઓને પહેલો પત્ર 9: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.