YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 13

13
પ્રેમનો સર્વોત્તમ માર્ગ
1જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. 2જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને #માથ. ૧૭:૨૦; ૨૧:૨૧; માર્ક ૧૧:૨૩. જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી. 3જો કે હું [દરિદ્રીઓનું] પોષણ કરવા માટે, મારી સર્વ સંપત્તિ આપી દૂઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોપું, પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશો લાભ નથી. 4પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે. પ્રેમ અદેખાઈ કરતો નથી, પ્રેમ આપવડાઈ કરતો નથી, ફુલાઈ જતો નથી, 5અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ [હિત] જોતો નથી ખીજવાતો નથી, અપકારને લેખવતો નથી; 6અન્યાયમાં હરખાતો નથી, પણ સત્યમાં હરખાય છે. 7બધું ખમે છે, બધું ખરું માને છે, બધાની આશા રાખે છે, બધું સહન કરે છે.
8પ્રેમ કદી ખૂટતો નથી. પણ ભવિષ્ય [ભાખવાનું] દાન હોય તો તે લોપ થશે; ભાષાઓ હોય, તો તેઓનો અંત આવશે; વિદ્યા હોય તો તે જતી રહેશે. 9કેમ કે આપણું જ્ઞાન અપૂર્ણ છે, અને આપણે અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ. 10પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે.
11જ્યારે હું બાળક હતો, ત્યારે બાળકની જેમ બોલતો હતો, બાળકની જેમ વિચારતો હતો, બાળકની જેમ સમજતો હતો. પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે. 12કેમ કે હમણાં આપણે [જાણે કે] દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરોનજર જોઈશું. હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ મને [ઈશ્વર પૂર્ણ રીતે] જાણે છે તેમ [હું પૂર્ણ રીતે] જાણીશ.
13હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે; પણ તેઓમાં પ્રેમ શ્રેષ્ઠ છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for કરિંથીઓને પહેલો પત્ર 13