YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 12

12
પવિત્ર આત્મા તરફથી દાનો
1હવે, ભાઈઓ, આત્મિક [દાનો] વિષે તમે અજાણ્યા રહો એ મારી ઇચ્છા નથી.
2તમે વિદેશી હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ તમે એ મૂંગી મૂર્તિઓ પાછળ દોરવાઈ જતા હતા, એ તમે જાણો છો. 3માટે હું તમને સમજાવું છું કે, ઈશ્વરના આત્મા [ની પ્રેરણા] થી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી. અને, ઈસુ પ્રભુ છે, એમ કોઈ માણસ પવિત્ર આત્મા [ની પ્રેરણા] વગર કહી શકતો નથી.
4હવે #રોમ. ૧૨:૬-૮. કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનોએક. 5વળી સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકનાએક. 6કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક છે, જે સર્વમાં કર્તાહર્તા છે. 7પણ આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે. 8કેમ કે કોઈને આત્માથી જ્ઞાનની વાત આપવામાં આવેલી છે; કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત; 9કોઈને એ જ આત્મા વડે વિશ્વાસ; કોઈને એ જ આત્મા વડે સાજાં કરવાનાં કૃપાદાન; 10કોઈને ચમત્કાર કરવાનું [દાન] ; કોઈને પ્રબોધ; કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું; કોઈને [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓ; અને કોઈને ભાષાંતર કરવાનું [દાન] આપવામાં આવેલું છે. 11પણ પોતાની ઇચ્છા પ્રમાણે દરેકને [જુદાં જુદાં દાન] વહેંચી આપીને એ સર્વ કરાવનાર એ ને એ જ આત્મા છે.
એક જ શરીર-અવયવો અનેક
12કેમ કે #રોમ. ૧૨:૪-૫. જેમ શરીર એક છે, અને તેના અવયવો ઘણા છે, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે; તેમ ખ્રિસ્ત પણ છે. 13કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા; અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે.
14કેમ કે શરીર એક અવયવનું નથી, પણ ઘણાનું. 15જો પગ કહે, “હું હાથ નથી, એ માટે હું શરીરનો નથી;” તો તેથી તે શરીરનો નથી એમ નહિ. 16જો કાન કહે, “હું આંખ નથી, માટે હું શરીરનો નથી.” તો તેથી તે શરીરનો નથી એમ નહિ. 17જો આખું શરીર આંખ હોત, તો‍‍ શ્રવણ ક્યાં હોત? જો આખું [શરીર] શ્રવણ હોત, તો ઘ્રાણ ક્યાં? 18પણ હવે ઈશ્વરે દરેક અવયવને તો પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. 19જો સર્વ એક અવયવ હોત, તો શરીર ક્યાં હોત? 20પણ અવયવો ઘણા છે, પણ શરીર તો એક જ છે.
21આંખથી હાથને કહેવાતું નથી, “મને તારી અગત્ય નથી.” તેમ જ માથાથી પગોને પણ કહેવાતું નથી, “મને તમારી અગત્ય નથી.” 22ના, ના શરીરના જે અવયવો વધારે નાજુક દેખાય છે તેઓની વિશેષ અગત્ય છે. 23અને શરીરના જે [ભાગ] ને આપણે ઓછા માનયોગ્ય ગણીએ છીએ તેઓને આપણે વધારે માન આપીએ છીએ! એમ આપણા કદરૂપા અવયવોને વધારે શોભાયમાન કરવામાં આવે છે. 24પણ આપણા સુંદર [અવયવો] ને એવી વાતની અગત્ય નથી. પણ જે [ભાગ] ને ઓછું [માન] હતું તેને ઈશ્વરે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે. 25કે, શરીરમાં ભાગલા ન પડે; પણ [બધા] અવયવો, એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે. 26જો એક અવયવ દુ:ખી થાય, તો તેની સાથે સર્વ અવયવો દુ:ખી થાય છે; તેમ જ જો [એક] અવયવને માન મળે, તો તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.
27હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદા જુદા અવયવો છો. 28#એફે. ૪:૧૧. ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજાં કરવાનાં કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓને. 29શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે? 30શું બધા ચમત્કાર [કરનારા] છે? શું બધાને સાજાં કરવાનાં કૃપાદાન છે? શું બધા [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે?
31તો જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઝંખના રાખો. વળી એ સર્વ કરતાં ઉત્તમ માર્ગ હું તમને બતાવું છું.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for કરિંથીઓને પહેલો પત્ર 12