કરિંથીઓને પહેલો પત્ર 11
11
1જેમ હું ખ્રિસ્તને
[અનુસરનારો છું] ,
તેમ #૧ કોરીં. ૪:૧૬; ફિલિ. ૩:૧૭. તમે મને અનુસરનારા થાઓ.
ભક્તિસભામાં માથું ઢાંકવા વિષે
2વળી તમે સર્વ બાબતોમાં મારું સ્મરણ કરો છો, અને જેમ મેં તમને વિધિઓ સોંપ્યા, તેમ જ તમે તે દઢતાથી પાળ્યા કરો છો, માટે હું તમારાં વખાણ કરું છું. 3પણ હું તમને જણાવવા ઇચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે, અને સ્ત્રીનું શિર પુરુષ છે, અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે. 4જે કોઈ પુરુષ ઢાંકેલે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે તે પોતાના માથાનું અપમાન કરે છે. 5પણ જે કોઈ સ્ત્રી ઉઘાડે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે, તે પોતાના માથાનું અપમાન કરે છે: કેમ કે તેમ કરવું તે મૂંડેલી હોવા બરાબર છે. 6કેમ કે જો સ્ત્રી માથે ન ઓઢે તો તેણે પોતાના વાળ પણ કપાવી નાખવા જોઈએ. પણ જો કોઈ સ્ત્રીને વાળ કપાવી નાખવાથી કે મૂંડાવવાથી શરમ લાગે તો તેણે માથે ઓઢવું. 7કેમ કે પુરુષને તો માથે ઓઢવું ઘટતું નથી, કેમ કે #ઉત. ૧:૨૬-૨૭. તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે. 8પણ સ્ત્રી તો પુરુષનો મહિમા છે. કેમ કે #ઉત. ૨:૧૮-૨૩. પુરુષ સ્ત્રીથી [થયો] નથી, પણ સ્ત્રી પુરુષથી. 9અને પુરુષને સ્ત્રીને માટે સરજાવવામાં આવ્યો નહોતો, પણ સ્ત્રીને પુરુષને માટે. 10આ કારણથી સ્ત્રીને ઘટિત છે કે દૂતોને લીધે અધિકારને [આધીનતાની નિશાની] તે પોતાને માથે રાખે. 11તોપણ પ્રભુમાં સ્ત્રી પુરુષ વગર નથી, તેમ જ પુરુષ પણ સ્ત્રી વગર નથી. 12કેમ કે જેમ સ્ત્રી પુરુષની [થઈ] છે, તેમ પુરુષ સ્ત્રીની મારફતે; પણ સર્વ પ્રભુથી છે.
13સ્ત્રી માથે ઓઢયા વગર ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો તમે પોતે નિર્ણય કરો. 14શું કુદરત પોતે પણ તમને શીખવતી નથી કે, જો પુરુષને લાંબા વાળ હોય તો તેને અપમાનરૂપ છે? 15પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભારૂપ છે, કેમ કે તેના વાળ આચ્છાદાનને માટે તેને આપેલા છે. 16પણ જો કોઈ માણસ [એ બાબત વિષે] તકરારી માલૂમ પડે, તો [જાણવું કે] આપણામાં તથા ઈશ્વરની મંડળીઓમાં પણ એવો રિવાજ નથી.
પ્રભુભોજન
(માથ. ૨૬:૨૬-૨૯; માર્ક ૧૪:૨૨-૨૫; લૂ. ૨૨:૧૪-૨૦)
17પરંતુ આટલું કહીને હું તમારાં વખાણ કરતો નથી, કેમ કે તમે સુધારાને માટે નહિ, પણ બગાડને માટે એકઠા થાઓ છો. 18કારણ કે પ્રથમ તો એ છે કે, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ભાગલા હોય છે એવું મારા સાંભળવામાં આવે છે, અને એ થોડેઘણે અંશે ખરું છે એમ પણ હું માનું છું. 19કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલૂમ પડે માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે. 20પણ એથી જ્યારે તમે એકઠા થાઓ છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે. 21કેમ કે ખાતી વખતે તમારામાંનો દરેક પોતપોતાનું ભોજન કરી લે છે; કોઈ ભૂખ્યો રહે છે, તો કોઈ છાકટો બને છે. 22તમારે ખાવુંપીવું હોય તો શું તમારે ઘર નથી? કે શું તમે ઈશ્વરની મંડળીને ધિક્કારો છો, અને જેઓની પાસે નથી તેઓને શરમમાં નાખો છો? હું તમને શું કહું? શું એ બાબતમાં હું તમને વખાણું? હું તમને વખાણતો નથી.
23કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું, એટલે, જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, તે રાતે તેમણે રોટલી લીધી; 24અને સ્તુતિ કરીને ભાંગી, અને કહ્યું, “એ મારું શરીર છે, એને તમારે માટે [ભાંગવામાં આવ્યું] છે. મારી યાદગીરીને માટે એ કરો.” 25એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો, અને કહ્યું, “આ પ્યાલો મારા #નિ. ૨૪:૬-૮. રક્તમાં #નિ. ૨૪:૮; યર્મિ. ૩૧:૩૧-૩૪. નવો કરાર છે; તેમ જેટલી વાર [એમાંનું] પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને માટે તે કરો.”
26કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો, અને આ પ્યાલો પીઓ છો, તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેમનું મરણ પ્રગટ કરો છો. 27એ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે કે, તેમનો પ્યાલો પીશે, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે. 28પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી, અને એમ કરીને રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું. 29કેમ કે [પ્રભુના] શરીરનો ભેદ જાણ્યા વગર જે ખાય છે તથા પીએ છે તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે છે. 30એ જ કારણથી તમારામાં ઘણા દુર્બળ અને રોગી છે, અને ઘણાએક ઊંઘે છે. 31પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ, તો આપણો ન્યાય કરવામાં નહિ આવે. 32પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય.
33તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા માટે એકત્ર થાઓ ત્યારે એકબીજાની રાહ જુઓ. 34જો કોઈ ભૂખ્યો હોય, તો તે પોતાને ઘેર ખાય; રખેને તમારું એકત્ર મળવાનું સજાપાત્ર થાય. બાકીનું હું આવીશ ત્યારે બરાબર કરીશ.
Currently Selected:
કરિંથીઓને પહેલો પત્ર 11: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.