કરિંથીઓને પહેલો પત્ર 14
14
પવિત્ર આત્માનાં દાનો વિષે વધુ
1પ્રેમને અનુસરો; અને આત્મિક [દાનો પ્રાપ્ત કરવા] ની અભિલાષા રાખો, પણ વિશેષ તમે પ્રબોધ કરી શકો [એની અભિલાષા રાખો]. 2કેમ કે જે કોઈ [અન્ય] ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે. કેમ કે કોઈ [તેનું બોલવું] સમજતું નથી. પણ આત્મામાં તે મર્મો બોલે છે. 3પણ જે પ્રબોધ કરે છે, તે માણસોની ઉન્નતિ કરવા તથા સુબોધ અને દિલાસો આપવા માટે બોલે છે. 4જે [અન્ય] ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે મંડળીની ઉન્નતિ કરે છે.
5હવે મારી એવી ઇચ્છા છે કે, તમે સર્વ [અન્ય] ભાષાઓ બોલો, પણ તમે પ્રબોધ કરો એ મારી ખાસ ઇચ્છા છે. વળી ભાષાઓ બોલનાર, જો મંડળીની ઉન્નતિ કરવા માટે ભાષાંતર ન કરે, તો તેના કરતાં પ્રબોધ કરનાર ઉત્તમ છે. 6વળી, ભાઈઓ, જો હું તમારી પાસે આવીને [અન્ય] ભાષાઓ બોલું, અને જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણરૂપે તમારી આગળ ન બોલું તો હું તમને શો લાભ આપું?
7એમ જ અવાજ કાઢનારી નિર્જીવ વસ્તુઓ, પછી તે વાંસળી હોય કે વીણા હોય, પણ જો એમના સૂરમાં ભિન્નતા ન હોય, તો વાંસળી કે વીણા શું વગાડે છે તે કેમ માલૂમ પડે? 8કેમ કે જો રણશિંગડું અનિશ્ચિત અવાજ કાઢે, તો યુદ્ધને માટે કોણ સજ્જ થાય? 9એમ જ તમે પણ જો જીભ વડે સહજ સમજી શકાય એવા શબ્દો ન બોલો, તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા [જેવા] થશો. 10જગતમાં ઘણી જાતની ભાષાઓ છે, અને તેઓમાંની કોઈપણ અર્થ વગરની નથી. 11એથી જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું, તો બોલનારની આગળ હું પરદેશી જેવો થઈશ, અને બોલનાર મારી આગળ પરદેશી જેવો થશે. 12એ પ્રમાણે તમે પણ આત્મિક [દાનો] પ્રાપ્ત કરવાને ઉત્સુક છો, માટે મંડળીની ઉન્નતિને અર્થે તમે તેથી ભરપૂર થાઓ એવો પ્રયત્ન કરો.
13એ માટે [અન્ય] ભાષા બોલનારે એવી પ્રાર્થના કરવી જોઈએ કે તે પોતે તેનો અર્થ પણ સમજાવી શકે. 14કેમ કે જો હું [અન્ય] ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે ખરો, પણ મારી સમજશક્તિ નિષ્ફળ છે. 15તો શું? હું આત્માથી પ્રાર્થના કરીશ ને સમજશક્તિથી પણ પ્રાર્થના કરીશ, આત્માથી ગાઈશ ને સમજશક્તિથી પણ ગાઈશ. 16નહિ તો, જો તું આત્માતથી સ્તુતિ કરીશ તો ત્યાં બેઠેલો અભણ માણસ તારી આભારસ્તુતિ સાંભળીને આમીન શી રીતે કહેશે? કેમ કે તું શું કહે છે એ તે સમજતો નથી. 17કેમ કે તું સારી રીતે આભારસ્તુતિ કરે છે ખરો, પણ તેથી બીજાની ઉન્નતિ થતી નથી.
18તમે સર્વ કરતાં મને વધારે ભાષાઓ બોલતાં આવડે છે, એ માટે હું ઈશ્વરનો આભાર માનું છું. 19તોપણ મંડળીમાં [અન્ય] ભાષામાં દશ હજાર શબ્દો બોલવા કરતાં બીજાઓને પણ શીખવવાને પાંચ શબ્દ પોતાની સમજશક્તિથી બોલવાનું હું વધારે પસંદ કરું છું.
20ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ. 21નિયમશાસ્ત્રમાં લખેલું છે,
#
યશા. ૨૮:૧૧-૧૨. “અન્ય ભાષા બોલનારા માણસો વડે
તથા અજાણી પ્રજાઓના હોઠો વડે
હું આ લોકોની સાથે બોલીશ;
એમ છતાં તેઓ મારું સાંભળશે નહિ, ”
એમ પ્રભુ કહે છે.
22એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહિ પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. પણ પ્રબોધ અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને [ચિહ્નરૂપ] છે.
23એ માટે જો આખી મંડળી એકઠી મળેલી હોય, અને સર્વ [અન્ય] ભાષાઓમાં બોલે, અને જો કેટલાક અભણો કે અવિશ્વાસીઓ અંદર આવે, તો તમે ઘેલા છો એમ તેઓ નહિ કહે? 24પણ જો સર્વ પ્રબોધ કરે, અને કોઈ અવિશ્વાસી કે અભણ અંદર આવે તો બધાથી તેને [હ્રદયભેદક] શિક્ષણ મળે છે, બધાથી તેની પરીક્ષા થાય છે. 25અને તેના હ્રદયની ગુપ્ત વાતો પ્રગટ થાય છે; અને એ પ્રમાણે ઊંધો પડીને તે ઈશ્વરનું ભજન કરશે, અને ખરેખર તમારામાં ઈશ્વર છે એવું કબૂલ કરશે.
મંડળીમાં વ્યવસ્થા
26વારુ, ભાઈઓ, જ્યારે તમે એકત્ર થાઓ છો ત્યારે તમારામાંના કોઈ સ્તોત્ર ગાય છે, કોઈ બોધ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ [અન્ય] ભાષામાં બોલે છે, અને કોઈ તેનો અર્થ સમજાવે છે. [પણ] બધું ઉન્નતિને માટે થવું જોઈએ. 27જો કોઈ [અન્ય] ભાષા બોલે, તો બે અથવા બહુ તો ત્રણ જણ [બોલે] , અને તે પણ વારાફરતી; અને એકે તેનો અર્થ સમજાવવો. 28પણ જો અર્થ સમજાવનાર કોઈ ન હોય, તો મંડળીમાં તેણે છાના રહેવું. અને પોતા [ના મન] ની સાથે તથા ઈશ્વરની સાથે બોલવું. 29બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની તુલના કરે. 30પણ જો [પાસે] બેઠેલાઓમાંના કોઈને કંઈ પ્રકટીકરણ થાય, તો પહેલાએ છાના રહેવું. 31કેમ કે સર્વ શીખે તથા સર્વ દિલાસો પામે, એ હેતુથી તમે સર્વ એક પછી એક પ્રબોધ કરી શકો. 32અને પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે. 33કેમ કે જેમ સંતોની સર્વ મંડળીઓમાં [ચાલે છે] તેમ, ઈશ્વર અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના ઈશ્વર છે.
34સ્ત્રીઓએ મંડળીઓમાં છાના રહેવું, કેમ કે તેઓને બોલવાની પરવાનગી નથી. પણ તેઓએ આધીનતામાં રહેવું જોઈએ, અને એમ નિયમશાસ્ત્ર પણ કહે છે. 35જો તેઓને કંઈ શીખવાની ઇચ્છા હોય, તો તેઓએ ઘરે પોતાના પતિઓને પૂછવું; કેમ કે મંડળીમાં સ્ત્રીએ બોલવું એ શરમભરેલું છે. 36શું ઈશ્વરનું વચન તમારા દ્વારા આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે?
37જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક ધારે, તો જે વાતો તમાર પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞા છે એવું તેણે માનવું. 38પણ જો કોઈ અજ્ઞા ન હોય તો ભલે તે અજ્ઞાન રહે.
39એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની અભિલાષા રાખો, અને [અન્ય] ભાષાઓમાં બોલવાની મના ન કરો. 40પણ બધું શોભતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.
Currently Selected:
કરિંથીઓને પહેલો પત્ર 14: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.