મારા દીકરા, જો તું મારાં વચનોનો
અંગીકાર કરશે,
અને મારી આજ્ઞાઓને
તારી પાસે સંઘરી રાખીને,
જ્ઞાન તરફ તારો કાન ધરશે,
અને બુદ્ધિમાં તારું મન પરોવશે;
જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે,
અને સમજણ મેળવવાને માટે
ખંત રાખશે;
જો તું રૂપાની જેમ તેને ઢૂંઢશે,
અને દાટેલા દ્રવ્યની જેમ
તેની શોધ કરશે;
તો તને યહોવાના
ભયની સમજણ પડશે,
અને ઈશ્વરનું જ્ઞાન તારે હાથ લાગશે.