યોહાન 21
21
સાત શિષ્યોને ઈસુએ આપેલું દર્શન
1એ બિનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન આપ્યું; અને તેમણે આવી રીતે દર્શન આપ્યું. 2સિમોન પિતર, થોમા (જે દીદીમસ કહેવાતો હતો તે), ગાલીલના કાનાનો નાથાનાએલ, ઝબદીના દીકરા, તથા તેમના શિષ્યોમાંના બીજા બે, એકત્ર થયા હતા.
3સિમોન પિતર તેઓને કહે છે, “હું માછલાં મારવા જાઉં છું” તેઓ તેને કહે છે, “અમે પણ તારી સાથે આવીએ છીએ.” ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા. પણ તે #લૂ. ૫:૫. રાત્રે તેઓને હાથ કંઈ આવ્યું નહિ. 4પણ બહુ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા. પરંતુ તે ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહિ. 5તેથી ઈસુ તેઓને કહે છે, “છોકરાઓ, તમારી પાસે કંઈ ખાવાનું છે?” તેઓએ તેમને ઉત્તર આપ્યો “નથી.”
6ત્યારે તેમણે તેઓને કહ્યું, “હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને મળશે.” તેથી તેઓએ [તે તરફ જાળ] નાખી. પછી #લૂ. ૫:૬. એટલી બધી માછલી તેમાં [ભરાઈ આવી] કે તેઓ તેને ખેંચી શક્યા નહિ.
7તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો, તે પિતરને કહે છે, “એ તો પ્રભુ છે.” જયારે સિમોન પિતરે સાંભળ્યું કે, ‘એ તો પ્રભુ છે’, ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો (કેમ કે તે ઉઘાડો હતો), અને સમુદ્રમાં કૂદી પડ્યો. 8પણ બીજા શિષ્યો હોડીમાં રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ આશરે બસો હાથ જેટલે છેટે હતા. 9તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ કોલસાનો દેવતા, તેના પર મૂકેલી માછલી, તથા રોટલી જોયાં. 10ઈસુ તેઓને કહે છે, “તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.”
11એથી સિમોન પિતર [હોડી પર] ચઢીને એક સો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો; અને જો કે એટલી બધી [માછલીઓ] હતી તોપણ જાળ ફાટી ગઈ નહિ. 12ઈસુ તેઓને કહે છે, “આવો નાસ્તો કરો.” તે પ્રભુ છે, એ જાણીને શિષ્યોમાંના કોઈથી “તમે કોણ છો.” એમ તેમને પૂછવાની હિંમત ચાલી નહિ. 13ઈસુએ આવીને રોટલી લઈને તેઓને આપી. અને માછલી પણ [આપી]. 14મરી ગયેલાંઓમાંથી પાછા ઊઠયા પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.
ઈસુએ પિતરને ત્રણ વખત પૂછ્યું
15હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિતરને પૂછે છે, “યોહાનના દીકરા, સિમોન, શું તું મારા ઉપર તેઓના કરતાં વધારે પ્રેમ રાખે છે?” તે તેમને કહે છે, “હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.” તે તેને કહે છે, “તું મારાં હલવાનોને પાળ.” 16તે ફરીથી બીજી વાર તેને પૂછે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” તે તેમને કહે છે, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.” તે તેને કહે છે, “મારાં ઘેટાંને સાચવ.” 17તે ત્રીજી વાર તેને કહે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?” પિતર દિલગીર થયો, કારણ કે તેમણે ત્રીજીવાર તેને પૂછ્યું હતું “શું તું મારા પર હેત રાખે છે? તેણે તેમને કહ્યું, “પ્રભુ તમે બધું જાણો છો. હું તમારા પર હેત રાખું છું એ તમે જાણો છો. ઈસુ તેને કહે છે, “મારા ઘેટાંને પાળ. 18હું તને ખચીત ખચીત કહું છું કે, જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો. પણ જ્યારે તું ઘરડો થશે, ત્યારે તું તારા હાથ લાંબા કરશે, અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહિ ચાહતો હોય ત્યાં તને લઈ જશે.” 19હવે કયા પ્રકારના મોતથી તે ઈશ્વરનો મહિમા પ્રગટ કરશે, એ સૂચવતાં તેમણે એમ કહ્યું. એમ કહ્યા પછી તે તેને કહે છે, “તું મારી પાછળ આવ.”
ઈસુ અને પેલો શિષ્ય જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા
20ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, અને જેણે જમતી વેળાએ #યોહ. ૧૩:૨૫. ઈસુની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ, જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?” તે [શિષ્ય] ને પાછળ આવતો પિતરે પાછા ફરીને જોયો. 21તેથી પિતર તેને જોઈને ઈસુને પૂછે છે, “પ્રભુ, એ માણસનું શું થશે?” 22ઈસુ તેને કહે છે, “હું [પાછો] આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ.” 23તેથી એ વાત ભાઈઓમાં ફેલાઈ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને વિષે એમ નહોતું કહ્યું કે, તે મરશે નહિ; પણ એમ [કહ્યું હતું] કે, “હું [પાછો] આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું?”
24જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે. અને તેની સાક્ષી ખરી છે, એ અમે જાણીએ છીએ.
ઉપસંહાર
25ઈસુએ કરેલાં બીજાં કામો પણ ઘણાં છે. જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલાં બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ, એમ હું ધારું છું. ?? ?? ?? ?? 1
Поточний вибір:
યોહાન 21: GUJOVBSI
Позначайте
Поділитись
Копіювати

Хочете, щоб ваші позначення зберігалися на всіх ваших пристроях? Зареєструйтеся або увійдіть
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.