યોહાન 20

20
ખાલી કબર
(માથ. ૨૮:૧-૮; માર્ક ૧૬:૧-૮; લૂ. ૨૪:૧-૧૨)
1ત્યારે અઠવાડિયાને પહેલે [દિવસે] વહેલી સવારે અંધારું હતું એવામાં મગ્દલાની મરિયમ કબર આગળ આવી, ને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે જોયો. 2ત્યારે તે દોડીને સિમોન પિતરની પાસે તથા બીજો શિષ્ય, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેની પાસે જઈને તેઓને કહે છે, “તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધા છે, અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે અમે જાણતા નથી.”
3તેથી પિતર તથા પેલો બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યા. 4તે બન્‍ને સાથે દોડયા; પણ પેલો બીજો શિષ્ય પિતરને પાછળ મૂકીને કબર આગળ પહેલો પહોંચ્યો. 5તેણે નીચા વળીને અંદર જોયું તો શણનાં વસ્‍ત્રો પડેલાં જોયાં. તોપણ તે અંદર ગયો નહિ. 6પછી સિમોન પિતર પણ તેની પાછળ આવીને કબરમાં પ્રવેશ્યો; અને તેણે પણ શણનાં વસ્‍ત્ર પડેલાં જોયાં. 7જે રૂમાલ તેમના માથા પર બાંધેલો હતો, તે શણનાં વસ્‍ત્રની સાથે પડેલો નહોતો, પણ એક સ્થળે જુદો વાળીને મૂકેલો હતો. 8પછી બીજો શિષ્ય કે જે કબર આગળ પહેલો આવ્યો હતો, તેણે અંદર જઈને જોયું, ને વિશ્વાસ કર્યો. 9કેમ કે તેમણે મરી ગયેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, એ શાસ્‍ત્રવચન તેઓ ત્યાં સુધી સમજતા ન હતા. 10ત્યારે શિષ્યો પાછા પોતાને ઘેર ગયા.
મગ્દલાની મરિયમને ઈસુનું દર્શન
(માથ. ૨૮:૯-૧૦; માર્ક ૧૬:૯-૧૧)
11પણ મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતાં રડતાં નીચી નમીને કબરમાં ડોકિયાં કર્યાં કરતી હતી. 12અને જ્યાં ઈસુનું શબ મૂકવામાં આવ્યું હતું, ત્યાં શ્વેત વસ્‍ત્ર પહેરેલા બે દૂતને, એકને ઓસીકે, ને બીજાને પાંગતે, બેઠેલા તેણે જોયા.
13તેઓ તેને પૂછે છે, “બહેન, તું કેમ રડે છે?”
તે તેઓને કહે છે, “તેઓ મારા પ્રભુને લઈ ગયા છે, અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે [હું રડું છું].”
14એમ કહીને તેણે પાછળ ફરીને ઈસુને ઊભેલા જોયા, પણ એ ઈસુ છે, એમ તેણે જાણ્યું નહિ. 15ઈસુ તેને કહે છે, “બહેન, તું કેમ રડે છે? તું કોને શોધે છે?”
તે માળી છે એમ ધારીને તેણે તેમને કહ્યું, “સાહેબ, જો તમે તેમને અહીંથી ઉઠાવી લીધા હોય, તો તમે તેમને ક્યાં મૂક્યા છે એ મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.”
16ઈસુ તેને કહે છે, “મરિયમ.” તે ફરીને તેને હિબ્રૂ ભાષામાં કહે છે, “રાબ્બોની!” (એટલે ગુરુજી.)
17ઈસુ તેને કહે છે, “હજી સુધી હું પિતા પાસે ચઢી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર. પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું ચઢી જાઉં છું.”
18મગ્દલાની મરિયમે આવીને શિષ્યોને ખબર આપી, “મેં પ્રભુને જોયા છે, અને તેમણે મને એ વાતો કહી છે.”
પોતાના શિષ્યોને ઈસુનું દર્શન
(માથ. ૨૮:૧૬-૨૦; માર્ક ૧૬:૧૪-૧૮; લૂ. ૨૪:૩૬-૪૯)
19ત્યારે તે જ દિવસે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે, સાંજ પડયે શિષ્યો જ્યાં [એકત્ર થયા] હતા, ત્યાંનાં બારણાં યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યાં હતાં, ત્યારે ઈસુ આવ્યા અને [તેઓની] વચમાં ઊભા રહીને તેઓને કહે છે, “તમને શાંતિ થાઓ.” 20એમ કહીને તેમણે પોતાના હાથ તથા કૂખ તેઓને બતાવ્યાં. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. 21તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું, “તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે, તેમ હું તમને મોકલું છું.” 22એમ કહીને તેમણે તેઓના પર શ્વાસ નાખ્યો, અને તે તેઓને કહે છે, “તમે પવિત્ર આત્મા પામો 23#માથ. ૧૬:૧૯; ૧૮:૧૮. જેઓનાં પાપ તમે માફ કરો છો, તેઓનાં [પાપ] માફ કરવામાં આવે છે અને જેઓનાં પાપ તમે કાયમ રાખો છો, તેઓનાં [પાપ] કાયમ રહે છે.”
ઈસુ અને થોમા
24પણ ઈસુ આવ્યા ત્યારે થોમા, બારમાંનો એક જે દીદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો. 25તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું, “અમે પ્રભુને જોયા છે.” પણ તેણે તેઓને કહ્યું, “તેમના હાથમાં ખીલાઓના વેહ જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના વેહમાં મૂક્યા વિના તથા તેમની કૂખમાં મારો હાથ ઘાલ્‍યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી.”
26આઠ દિવસ પછી ફરીથી તેમના શિષ્યો [ઘર] માં હતા. થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણાં બંધ કર્યાં છતાં, ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું, “તમને શાંતિ થાઓ.” 27પછી તે થોમાને કહે છે, “તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો; અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ; અને અવિશ્વાસી ન રહે, પણ વિશ્વાસી થા.” 28થોમાએ ઉત્તર આપ્યો, “મારા પ્રભુ અને મારા ઈશ્વર.” 29ઈસુ તેને કહે છે, “તેં મને જોયો છે, માટે તેં વિશ્વાસ કર્યો છે, જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્‍ય છે.”
આ પુસ્તકનો હેતુ
30ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા કે, જે [નું વર્ણન] આ પુસ્તકમાં કરેલું નથી. 31પણ, ‘ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો; અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે.

Поточний вибір:

યોહાન 20: GUJOVBSI

Позначайте

Поділитись

Копіювати

None

Хочете, щоб ваші позначення зберігалися на всіх ваших пристроях? Зареєструйтеся або увійдіть