Logo ng YouVersion
Hanapin ang Icon

ઉત્પત્તિ 49

49
યાકોબની ભવિષ્યવાણી
1પછી યાકોબે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું, “તમે બધા એકત્ર થાઓ એટલે તમારા પર ભવિષ્યમાં શું શું વીતશે તે હું તમને જાહેર કરું:
2“યાકોબના પુત્રો, એકઠા થાઓ
અને સાંભળો,
તમારા પિતા ઇઝરાયલની
વાત ધ્યનથી સાંભળો.
3“રૂબેન, તું મારો જયેષ્ઠ પુત્ર છે;
મારા સામર્થ્ય અને મારા પુરુષત્વનું
પ્રથમફળ છે.
સન્માન અને સામર્થ્યમાં તું સર્વોત્તમ છે;
4પણ પૂરના પાણી જેવો અસ્થિર હોવાથી
તારી ઉત્તમતા જળવાઈ રહેશે નહિ;
કારણ, તેં તારા પિતાની
ઉપપત્ની સાથે સમાગમ કર્યો,
અને એમ તારા પિતાની પથારીને
કલંક લગાડયું છે.
5“શિમયોન અને લેવી સગા ભાઈ છે,
તેમની તલવારો હિંસાના હથિયાર છે.
6હું તેમની મસલતમાં સામેલ થઈશ નહિ
અને તેમની સંગતમાં ભળીશ નહિ.
7કારણ, તેમણે પોતાના ક્રોધાવેશમાં
માણસોને મારી નાખ્યા છે;
પોતાના ઉન્માદમાં તેમણે આખલાની
નસ કાપી નાખી છે.
ધિક્કાર છે તેમના ક્રોધને,
કારણ, તે વિકરાળ છે.
ધિક્કાર છે તેમના રોષને,
કારણ, તે ઘાતકી છે.
હું તેમને યાકોબના કુટુંબમાં
ફેલાવી દઈશ,
હું તેમને ઇઝરાયલી લોકોમાં
વિખેરી નાખીશ.
8“યહૂદા, તારા ભાઈઓ
તારી પ્રશંસા કરશે,
તારો હાથ તારા દુશ્મનોની
ગરદન પકડશે.
તારા પિતાના પુત્રો
તારી આગળ નમશે.
9યહૂદા તો સિંહ જેવો છે.
તે તો જાણે શિકાર કરીને આવ્યો છે.
તે સિંહની જેમ લપાઈને બેઠો છે.
એ તો સિંહણ જેવો છે;
એને કોણ છંછેડે?#ગણ. 24:9; સંદ. 5:5.
10શિલોહ ન આવે ત્યાં સુધી
યહૂદા પાસેથી રાજદંડ
હટી જશે નહિ.
તેમ જ તેના વંશજો પાસેથી
રાજ્યાધિકાર જતો રહેશે નહિ;
અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે.#49:10 ‘અને બધી...... રહેશે’ સંભવિત અનુવાદ;
11તે પોતાના ગધેડાને દ્રાક્ષવેલા સાથે
બાંધે છે;
પોતાની ગધેડીના વછેરાને
ઉત્તમ દ્રાક્ષવેલા સાથે બાંધે છે.
તે પોતાનાં વસ્ત્ર દ્રાક્ષાસવમાં ધૂએ છે
અને પોતાનો પોશાક દ્રાક્ષના રસરૂપી
રક્તમાં ધૂએ છે.
12દ્રાક્ષાસવથી તેની આંખો લાલ થઈ છે,
દૂધથી તેના દાંત સફેદ થયા છે.#49:12 ‘દ્રાકાષાસવ પીવાથી...થયા છે’ અથવા ‘તેની આંખો મદ્ય કરતાં પણ વધારે લાલ છે, તેના દાંત દૂધ કરતાં પણ વધારે સફેદ છે.’
13“ઝબુલૂન દરિયાકિનારે વસશે,
તે વહાણોનું બંદર બનશે,
અને તેની સરહદ છેક
સિદોન સુધી પહોંચશે.
14“ઇસ્સાખાર બળવાન ગધેડો છે
તે ઘેટાંબકરાંના વાડામાં બેઠો છે.
15તેને તે આરામસ્થળ પ્રિય લાગ્યું,
અને તે પ્રદેશ રમણીય લાગ્યો.
તેથી તેણે બોજો ઉંચકવા માટે
ખાંધ નમાવી
અને વેઠ કરનાર દાસ બન્યો.
16“ઇઝરાયલનાં બીજાં કુળોની જેમ
દાન પોતાની પ્રજા પર
શાસન ચલાવશે.
17દાન તો માર્ગમાંનો સાપ છે;
રસ્તાની કોરે પડેલો ઝેરી નાગ છે
અને તેથી ઘોડેસ્વાર ઊછળીને
પછડાય છે.
18હે પ્રભુ, હું તો તમારા ઉદ્ધારની
રાહ જોઉં છું!
19“ગાદ પર હુમલાખોરો આક્રમણ કરશે,
પણ તે તેમનો પીછો કરશે.
20“આશેર ઉત્તમ અનાજ પકવશે
અને રાજવી વાનગીઓ પૂરી પાડશે.
21“નાફતાલી છૂટી મૂકેલી
દોડતી હરણી છે,#49:21 ‘નાફતાલી...છે’ અથવા ‘નાફતાલી ફેલાતું જતું વૃકાષ છે, તે સુંદર ડાળીઓ વિકાસાવે છે.’
જે સુંદર બચ્ચાં જણે છે
22“યોસેફ ફળવંત ડાળ છે,
તે ઝરા પાસેની ફળવંત ડાળ છે;
તેની ડાંખળીઓ ભીત પર
ચડી જાય છે#49:22 ‘યોસેફ.... જાય છે’ અથવા ‘યોસેફ ઝરણા પાસેના જંગલી ગધેડા સમાન છે; તે ટેકરાઓ પર ફરતા વછેરા સમાન છે.’
23તીરંદાજોએ તેના પર ઉગ્ર હુમલો કર્યો,
તેમણે તેને તીર માર્યાં,
અને તેની ભારે સતાવણી કરી.
24-25પણ યાકોબના સમર્થ ઈશ્વરની
સહાયથી અને ઇઝરાયલના
ખડક્સમા ઘેટાંપાળકના નામથી
યોસેફનું ધનુષ્ય અડગ રહ્યું,
અને તેના હાથ ચપળ કરાયા.#49:24-25 ‘યોસેફનું... કરાયા’ અથવા ‘પણ તેમનાં ધનુષ્યના ભાંગીને કકડા થઈ ગયાં; અને તેમના હાથના સ્નાયુઓ ચીરાઈ ગયા.’
તને સહાય કરનાર તો
તારા પિતાના ઈશ્વર છે.
સર્વસમર્થ ઈશ્વર તને ઉપરના
આકાશની વૃષ્ટિની,
પૃથ્વીના પેટાળના પાણીની,
ઢોરઢાંકની અને સંતાનની
આશિષો આપે છે.
26પ્રાચીન પર્વતો અને અચલ પહાડોની
વિપુલતાની આશિષો કરતાં
તારા પિતાની આશિષો વિશેષ
મહાન છે.
એ બધી આશિષો યોસેફના શિર પર,
હા, જે પોતાના ભાઈઓથી જુદો
કરાયેલો તેના મુગટ પર ઊતરો!
27“બિન્યામીન તો ફાડી ખાનાર વરું છે.
સવારમાં તે શિકાર ખાશે,
અને સાંજે તે લૂંટ વહેંચશે.”
28આ ઇઝરાયલનાં બાર કુળ છે. તેમના પિતાએ તેમને એમ કહીને આશિષ આપી; દરેકને તેણે તેમને અનુરૂપ આશિષ આપીશ.
29પછી તેણે તેમને આ આજ્ઞા આપી: “હું મારા પૂર્વજો સાથે મળી જવાનો છું. મને મારા પિતૃઓ સાથે એફ્રોન હિત્તીના ખેતરમાં આવેલી ગુફામાં દફનાવજો. 30એ ગુફા કનાન દેશમાં મામરેની સામે માખ્પેલાના ખેતરમાં આવેલી છે. અબ્રાહામે એ ગુફા ખેતર સહિત કબ્રસ્તાન તરીકે વાપરવા એફ્રોન હિત્તી પાસેથી ખરીદી હતી.#ઉત. 23:3-20. 31ત્યાં જ અબ્રાહામ અને તેની પત્ની સારાને દફનાવવામાં આવ્યાં છે. ત્યાં જ ઇસ્હાક અને તેની પત્ની રિબકાને પણ દફનાવવામાં આવ્યાં છે. ત્યાં મેં લેઆહને પણ દફનાવી છે.#ઉત. 25:9-10; ઉત. 35:29. 32મેં એ ખેતર ગુફા સાથે હિત્તીઓ પાસેથી ખરીદ્યું હતું.”
33યાકોબે પોતાના પુત્રોને એ આજ્ઞા આપી પછી તે પથારીમાં પગ લંબાવીને સૂઈ ગયો અને અવસાન પામ્યો અને પોતાના પિતૃઓ સાથે મળી ગયો.#પ્રે.કા. 7:15.

Haylayt

Ibahagi

Kopyahin

None

Gusto mo bang ma-save ang iyong mga hinaylayt sa lahat ng iyong device? Mag-sign up o mag-sign in