Logo ng YouVersion
Hanapin ang Icon

ઉત્પત્તિ 48

48
યોસેફ તથા તેના પુત્રોને યાકોબની આશિષ
1થોડા સમય પછી યોસેફને સમાચાર મળ્યા કે, “તારા પિતા બીમાર પડયા છે.” તેથી તે પોતાના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમને લઈને મળવા ગયો. 2જ્યારે યાકોબને કહેવામાં આવ્યું કે, “તારો દીકરો યોસેફ મળવા આવ્યો છે,” ત્યારે તે પોતાની બધી શક્તિ ભેગી કરીને પલંગ પર બેઠો થયો. 3પછી યાકોબે યોસેફને કહ્યું, “સર્વસમર્થ ઈશ્વરે કનાન દેશના લૂઝ શહેરમાં દર્શન દઈને મને આશિષ આપી હતી. 4મને કહ્યું હતું કે, ‘જો હું તારો વંશવેલો વધારીશ, તારાં સંતાનોની વૃદ્ધિ કરીશ અને તારામાંથી પ્રજાઓનાં જૂથ ઊભાં કરીશ. તારા પછી તારા વંશજોને હું આ કનાન દેશ આપીશ.’#ઉત. 28:13-14. 5હું ઇજિપ્તમાં આવ્યો તે પહેલા ઇજિપ્તમાં થયેલા તારા બે પુત્રો એફ્રાઈમ અને મનાશ્શા હવે મારા પુત્રો છે. તેઓ રૂબેન અને શિમયોનની જેમ મારા ગણાશે. 6એમના પછી તને થયેલાં બીજાં બાળકો તારાં ગણાશે, અને તેમને મળનાર વારસાનો પ્રદેશ તેમના ભાઈઓ એફ્રાઈમ અને મનાશ્શાને નામે ઓળખાશે. 7આ તો હું તારી મા રાહેલને લીધે કરું છું, હું મેસોપોટેમિયાથી આવતો હતો ત્યારે એફ્રાથ થોડે જ દૂર હતું ત્યારે કનાન દેશમાં રાહેલ રસ્તામાં જ મૃત્યુ પામી અને મેં તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવી.”#ઉત. 35:16-19.
8ઇઝરાયલે યોસેફના પુત્રોને જોઈને પૂછયું, “આ કોણ છે?” યોસેફે કહ્યું, “એ તો ઈશ્વરે મને અહીં ઇજિપ્તમાં આપેલા મારા પુત્રો છે.” 9ઇઝરાયલે કહ્યું, “એમને મારી પાસે લાવ, એટલે હું તેમને આશિષ આપું.” 10હવે વૃદ્ધાવસ્થાને કારણે ઇઝરાયલની આંખોનું તેજ ઘટી ગયું હતું, એટલે તેને બરાબર દેખાતું નહોતું. આથી યોસેફ તેમને યાકોબની પાસે લઈ આવ્યો અને તેણે તેમને ભેટીને ચુંબન કર્યું. 11પછી ઇઝરાયલે યોસેફને કહ્યું, “મને તો હું તારું મુખ જોવા પામીશ એવીય આશા નહોતી, પણ ઈશ્વરે તો મને તારા પુત્રોનાં મોં પણ દેખાડયાં છે.” 12પછી યોસેફે તેમને તેના ખોળામાંથી લઈ લીધા અને ભૂમિ સુધી પોતાનું માથું નમાવીને તેણે પ્રણામ કર્યા.
13પછી યોસેફે પોતાના બન્‍ને પુત્રોને આગળ લાવીને એફ્રાઈમને પોતાની જમણી તરફ રાખ્યો, જેથી તે ઇઝરાયલની ડાબી બાજુએ રહે અને મનાશ્શાને પોતાની ડાબી તરફ રાખ્યો જેથી તે ઇઝરાયલની જમણી બાજુ રહે. 14પણ ઇઝરાયલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમના માથા પર મૂક્યો અને પોતાનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. મનાશ્શા જયેષ્ઠ હોવા છતાં તેણે જાણી જોઈને એમ કર્યું.
15તેણે યોસેફને#48:15 યોસેફને: એફ્રાઈમ અને મનાશ્શાને આશિષ આપીને હકીકાતમાં તો યાકોબ યોસેફને આશિષ આપતો હતો. આશિષ આપતા કહ્યું,
“જે ઈશ્વરની સમક્ષતામાં મારા
પિતૃઓ અબ્રાહામ
અને ઇસ્હાક ચાલતા હતા,
જે ઈશ્વરે મને આજ સુધી
જીવનભર સંભાળ્યો છે,
જે દૂતે મને બધા અનિષ્ટોમાંથી
ઉગાર્યો છે,
16તે આ છોકરાઓને આશિષ આપો.
વળી, તેઓ મારે નામે તથા
મારા પિતૃઓ અબ્રાહામ અને
ઇસ્હાકને નામે ઓળખાઓ
અને પૃથ્વી પર તેમનો વંશ
પુષ્કળ વૃદ્ધિ પામો.”
17યોસેફે જોયું કે તેના પિતાએ પોતાનો જમણો હાથ એફ્રાઈમના માથે મૂક્યો છે ત્યારે તેને ખોટું લાગ્યું, અને તેણે પોતાના પિતાનો હાથ પકડીને એફ્રાઈમના માથા ઉપરથી ખસેડીને મનાશ્શાના માથા પર લઈ જવા પ્રયત્ન કર્યો. 18યોસેફે કહ્યું, “પિતાજી, એમ નહિ, આ જયેષ્ઠ છે; જમણો હાથ તેના માથા પર મૂકો.” 19પણ તેના પિતાએ નકાર કરતાં કહ્યું, “દીકરા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે અને મહાન થશે, પણ એનો નાનો ભાઈ એના કરતાં પણ મોટો થશે અને તેના વંશમાં પ્રજાઓના સમુદાયનું નિર્માણ થશે.” 20વળી, તે દિવસે તેણે આશિષ આપતાં વિશેષમાં કહ્યું, “ઇઝરાયલીઓ તમારે નામે એકબીજાને આશિષની શુભેચ્છા પાઠવતાં કહેશે, ‘ઈશ્વર તમને એફ્રાઈમ તથા મનાશ્શા જેવા બનાવો’.” એ રીતે તેણે એફ્રાઈમને મનાશ્શાની પહેલાં મૂક્યો.#હિબ્રૂ. 11:21.
21પછી ઇઝરાયલે યોસેફને કહ્યું, “મારું મરણ પાસે આવ્યું છે, પણ ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને ફરી તમારા પિતૃઓના દેશમાં લઈ જશે. 22વળી, હું તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપું છું, એટલે, મેં મારી તલવાર અને ધનુષ્યને જોરે અમોરીઓ પાસેથી જીતી લીધેલો પહાડીપ્રદેશ શખેમ આપું છું.”

Haylayt

Ibahagi

Kopyahin

None

Gusto mo bang ma-save ang iyong mga hinaylayt sa lahat ng iyong device? Mag-sign up o mag-sign in