પ્રેરિતોનાં કૃત્યો 19
19
પાઉલ એફેસસમાં
1જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો, અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા. 2તેણે તેઓને પૂછયું, “તમે વિશ્વાસ કર્યો ત્યારે તમે પવિત્ર આત્મા પામ્યા?” તેઓએ તેને કહ્યું, “ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.”
3ત્યારે તેણે પૂછયું, “તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?” તેઓએ તેને કહ્યું, “યોહાનનું બાપ્તિસ્મા.” 4ત્યારે પાઉલે કહ્યું, #માથ. ૩:૧૧; માર્ક ૧:૪,૭-૮; લૂ. ૩:૪,૧૬; યોહ. ૧:૨૬-૨૭. યોહાને પશ્ચાત્તાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો, ”
5એ સાંભળીને તેઓએ પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું. 6જ્યારે પાઉલે તેઓના પર હાથ મૂક્યા ત્યારે તેઓના પર પવિત્ર આત્મા આવ્યો. અને તેઓ [બીજી] ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા. 7તેઓ બધા મળીને બારેક પુરુષ હતા.
8પછી સભાસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી બોધ કર્યો, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી. 9પણ કેટલાકે દુરાગ્રહી થઈને, તથા [પ્રભુની વાતનો] અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા, અને પોતે તુરાનસની શાળામાં રોજ વાદવિવાદ કરતો રહ્યો. 10બે વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું. તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી.
સ્કેવાના સાત દીકરા
11ઈશ્વરે પાઉલના હાથથી એવા અસાધારણ ચમત્કારો કર્યા કે, 12તેણે વાપરેલાં રૂમાલ તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લઈ જતા, અને તેમને સ્પર્શ કરાવતા, એટલે તેઓના રોગ દૂર થતા, અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા. 13કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઉપર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા, “જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેની દુવાઈ હું તમને દઉં છું.” 14સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરા એમ કરતા હતા.
15પણ અશુદ્ધ આત્માએ તેઓને ઉત્તર આપ્યો, “ઈસુ વિષે હું જાણું છું, અને પાઉલને હું ઓળખું છું; પણ તમે કોણ છો?”
16ત્યારે જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓના પર કૂદી પડ્યો, અને બન્નેને હરાવીને તેઓના પર જય મેળવ્યો કે તેઓ ઘાયલ થઈને ઘરમાંથી નવસ્ત્રા નાસી ગયા. 17એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાતની ખબર પડી, ત્યારે તેઓ સર્વને ડર લાગ્યો, અને પ્રભુ ઈસુનું નામ મોટું મનાયું. 18વિશ્વાસી થયેલાંઓમાંનાં પણ ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને ખુલ્લાં કહી દેખાડયાં. 19ઘણા જાદુગરોએ પોતાનાં પુસ્તકો એકત્ર કરીને સર્વના જોતાં તેઓને બાળી નાખ્યાં. તેઓનું મૂલ્ય ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા થયું. 20એ રીતે પ્રભુની વાત પરાક્રમથી પ્રસરતી ગઈ ને પ્રબળ થઈ.
એફેસસમાં હુલ્લડ
21આ બનાવ બન્યા પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને યરુશાલેમ જવાનો મનમાં નિશ્ચય કર્યો, ને કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.” 22પછી તેણે પોતાના મદદનીશોમાંના બેને, એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયા મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો.
23એ અરસામાં એ માર્ગ વિષે ઘણી ચળવળ ઊભી થઈ. 24દેમેત્રિયસ નામે એક સોની હતો, તે આર્તેમિસનાં રૂપાનાં દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો. 25તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકત્ર કરીને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને સારી કમાણી થાય છે. 26હમણાં તમે જુઓ છો અને સાંભળો છો કે, જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને, એ પાઉલે, એકલા એફેસસમાં નહિ, પણ લગભગ આખા આસિયામાં ઘણા લોકોનાં મન ફેરવી નાખ્યાં છે. 27તેથી આપણા આ ધંધાનો તિરસ્કાર કરવામાં આવે એવું ભય છે એટલું જ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવાનો અને તેનું માહાત્મ્ય નાશ પામવાનો સંભવ છે.”
28એ સાંભળીને તેઓ ક્રોધાયમાન થયા, અને પોકાર કરીને કહેવા લાગ્યા, “એફેસીઓની આર્તેમિસની જે” 29આખા શહેરમાં એ ગડબડાટ થઈ રહ્યો, ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા અરીસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથી હતા, તેઓને પકડીને બધા ભેગા થઈને અખાડામાં દોડી ગયા. 30જ્યારે પાઉલે લોકોની ભીડની અંદર પેસવા ચાહ્યું, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહિ. 31આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્રો હતા, તેઓએ પણ તેને કહેવડાવી મોકલ્યું, “તારે અખાડામાં જવાનું સાહસ કરવું નહિ.” 32તે વખતે કેટલાક કંઈ બૂમ પાડતા હતા, અને કેટલાક કંઈક બૂમ પાડતા હતા; કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી; અને પોતે શા કારણથી એકત્ર થયા છે, એ તેઓમાંના ઘણાખરા જાણતા પણ નહોતા. 33યહૂદીઓ એલેકઝાંડરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા. ત્યારે એલેકઝાંડર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ઇચ્છતો હતો. 34પણ તે યહૂદી છે, એમ તેઓએ જાણ્યું, ત્યારે તેઓ બધાએ આશરે બે કલાક સુધી એકે અવાજે બૂમ પાડી, “એફેસીઓની આર્તેમિસની જે!”
35ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત પાડીને કહ્યું, “ઓ એફેસસના લોકો, કયું માણસ નથી જાણતું કે એફેસસ શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે? 36એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, અને કંઈ અવિચારી કૃત્ય કરવું નહિ. 37કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી, અને આપણી દેવીની નિંદા કરનારા પણ નથી. 38માટે જો દેમેત્રિયસને તથા તેની સાથેના કારીગરોને કોઈની ઉપર કંઈ ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે, અને અધિકારીઓ પણ છે. માટે તેઓ એકબીજા પર ફરિયાદ માંડે. 39પણ જો કંઈ બીજી બાબતો વિષે તમે દાદ માગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે. 40કેમ કે આજે વગર કારણે તોફાન થયું તે વિષે આપણા ઉપર ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે. અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણાથી આપી શકાય તેમ નથી.” 41તેણે એ વાતો કહીને સભાને બરખાસ્ત કરી.
നിലവിൽ തിരഞ്ഞെടുത്തിരിക്കുന്നു:
પ્રેરિતોનાં કૃત્યો 19: GUJOVBSI
ഹൈലൈറ്റ് ചെയ്യുക
പങ്ക് വെക്കു
പകർത്തുക

നിങ്ങളുടെ എല്ലാ ഉപകരണങ്ങളിലും ഹൈലൈറ്റുകൾ സംരക്ഷിക്കാൻ ആഗ്രഹിക്കുന്നുണ്ടോ? സൈൻ അപ്പ് ചെയ്യുക അല്ലെങ്കിൽ സൈൻ ഇൻ ചെയ്യുക
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.