માર્ક 14

14
ઈસુને મારી નાખવાનું કાવતરું.
(માથ્થી 26:1-5; લૂક 22:1-2; યોહ. 11:45-53)
1હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસો પછી સાલું થાવાનો હતો. અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો આ વાતની તપાસમાં હતાં કે, ઈસુને કેવી રીતે દગાથી પકડીને મારી નાખવો. 2પણ તેઓ કેતા હતાં કે, “આપડે પાસ્ખા તેવારને દિવસે એને પકડવો નો જોયી અને એને નો મારવો જોયી જેનાથી લોકોમા હુલ્લડ થાય.”
બેથાનીમાં ઈસુને અત્તર સોળ્યું
(માથ્થી 26:6-13; યોહ. 12:1-8)
3આ વખતે, ઈસુ બેથાનિયા ગામમાં હતો. સિમોન કોઢિયાના ઘરે ખાવા હાટુ બેઠો હતો તઈ એક બાય ઘરમાં આવી. ઈ એક આરસની શીશી લીયાવી હતી. આ શીશીમાં અત્તર ભરેલું હતું. અત્તર શુદ્ધ જટામાંસીના તેલથી બનાવવામાં આવ્યું હતું, ઈ હાટુ એની કિંમત બોવ મોઘી હતી. એણે શીશીના ઢાકણાને તોડીને ઈસુને માન આપવા હાટુ એના માથા ઉપર બધુય અત્તર નાખી દીધું. 4પણ કેટલાક લોકો પોતાના મનમા ગુસ્સે થયને કેવા લાગ્યા કે, “ઈ ઈસુ ઉપર એટલું મોઘું અત્તર કેવી રીતે નાખી હકે છે અને એને ઈ રીતે કેમ બગાડી હકે છે? 5કેમ કે ઈ અત્તર ત્રણસો દીનાર એટલે એક વરહની મજુરી કરતાં વધારે કીમતે વેસી હકાત, અને ગરીબોને દેવાત” પછી તેઓએ બાયને ખીજાયને પોતાની રિહ દેખાડી. 6પણ ઈસુએ તેઓને કીધુ કે, “એને ખીજાવાનું બંધ કરો, તમારે એને હેરાન નો કરવી જોયી. એણે મારી હાટુ જે કામ કરયુ છે, ઈ બોવ હારું છે. 7ગરીબો તમારી હારે સદાય રેય છે અને તમે જ ઈ ઈચ્છો તઈ તેઓનું ભલું કરી હકો છો, પણ હું સદાય તમારી હારે નય રવ. 8આ બાયે મારા મરયા પેલા મારા માથા ઉપર અંતર નાખ્યુ છે, જેથી મારા દેહને ડાટવા હાટુ તૈયાર કરવામા આવી હકે છે, ઈ મારી હાટુ આટલું જ કરી હકતી હતી. 9હું તમને હાસુ કવ છું કે, આખા જગતમાં જ્યાં ક્યાય પણ આ હારા હમાસારનો પરચાર કરવામાં આયશે, ન્યા ઈ બાયે જે કાય પણ કરયુ છે, ઈ એની યાદગીરી રીતે કેવામાં આયશે.”
યહુદાનો ઈસુ હારે વિશ્વાસઘાત
(માથ્થી 26:14-16; લૂક 22:3-6)
10તઈ યહુદા ઈશ્કારિયોતે જે બાર ચેલાઓમાંથી એક હતો, મુખ્ય યાજકોની પાહે જયને કીધુ કે, હું ઈસુને પકડાવામાં તમારી મદદ કરય. 11તેઓ આ હાંભળીને રાજી થયા, અને એને રૂપીયા દેવાનું નક્કી કરયુ, અને ઈ વખતથી યહુદા ઈસુને દગાથી પકડાવવા હાટુ તક ગોતવા લાગ્યો.
છેલ્લું ભોજન
(માથ્થી 26:17-25; લૂક 22:7-14,21-23; યોહ. 13:21-30)
12બે દિવસ પછી, પાસ્ખા તેવારના પેલા દિવસે, જઈ તેઓ તેવાર હાટુ ઘેટાનું બલિદાન કરતાં હતાં, ચેલાઓએ ઈસુને પુછયું કે, “તમે અમને ક્યા મોકલવા માગો છો કે, પાસ્ખા તેવાર હાટુ અમે ખાવાનું તૈયાર કરી જેથી આપડે એને ખાય હકી?” 13એણે પોતાના ચેલાઓમાંથી બેને આ કયને મોકલ્યા કે, “યરુશાલેમ શહેરમાં જાવ, અને એક માણસ પાણીની ગાગર ઉપાડીને જાતો જોવા મળશે, એની વાહે જાવ.” 14અને ઈ જે ઘરમાં જાયને ઈ ઘરના માલીકને કેજો કે, “ગુરુ કેય છે કે, મારે પોતાના ચેલાઓની હારે પાસ્ખા તેવાર હાટુ ખાવાની ઓરડી ક્યા છે? 15પછી ઈ તમને એક મોટી મેડી શણઘારેલી અને તૈયાર કરેલી દેખાડશે, ન્યા જ અમારી હાટુ તૈયારી કરો.” 16જઈ બે ચેલા નીકળીને યરુશાલેમ શહેરમાં આવ્યા, અને જેવું એણે તેઓને કીધુ હતું, એવુ જ મળ્યું, અને તેઓએ પાસ્ખા તેવાર હાટુ ખાવાનું તૈયાર કરયુ.
17જઈ હાંજ પડી તઈ ઈસુ એના બાર ચેલાઓની હારે ઈ ઘરમાં આવ્યો. 18અને જઈ તેઓ બેહીને ખાતા હતાં, તો ઈસુએ કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, તમારામાંનો એક, જે મારી હારે ખાય છે, મને પકડવા હાટુ મારા વેરીની મદદ કરે.” 19તઈ ઈ વાત ઉપર તેઓ ઘણાય દુખી થયાં અને તેઓમાના બધાય એને પૂછવા લાગ્યા કે, “પરભુ શું ઈ હું છું?” 20એણે તેઓને કીધુ કે, “ઈ બાર ચેલાઓમાંથી એક માણસ છે, જે પોતાની રોટલીનું બટકું મારી હારે ઈ થાળીમાં બોળી રયો છે. 21હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.”
ચેલાઓની હારે પરભુ ભોજન
(માથ્થી 26:26-30; લૂક 22:14-20; 1 કરિં. 11:23-25)
22જઈ તેઓ ખાય રયા હતાં તો ઈસુએ રોટલીનો ટુકડો લીધો, એની હાટુ પરમેશ્વરનો આભાર માનીને તોડી અને એના ચેલાઓને આપી અને કીધુ કે, “લ્યો, અને આ ખાવ આ રોટલી મારું દેહ છે.” 23પછી ઈસુએ દ્રાક્ષરસનો પ્યાલો લીધો, અને પરમેશ્વરનો આભાર માનીને પોતાના ચેલાઓને આપ્યો, અને એણે બધાયે એમાંથી પીધું. 24એણે તેઓને કીધુ કે, “આ દ્રાક્ષરસ મારું લોહી છે. મારું લોહી કેટલાય લોકો હાટુ બલિદાનની જેમ વહેડાવવામાં આયશે. આ ઈ કરારને સાબિત કરશે જે પરમેશ્વર પોતાના લોકો હારે બનેલું રેય છે. 25હું તમને હાસુ કવ છું કે, એની પછી, હું ઈ વખત હુધી પછી ક્યારેય દ્રાક્ષારસ નય પીવ, જ્યાં હુધી કે હું પરમેશ્વરનાં રાજ્યમાં નવો દ્રાક્ષારસ નય પીવ.” 26તઈ ઈસુ અને એના ચેલાઓએ પાસ્ખાના ગીત પરમેશ્વર હાટુ ગાયા અને યરુશાલેમ શહેરની બારે નીકળીને જૈતુનના ડુંઘરા ઉપર વયા ગયા જે પાહે હતો.
પિતરના નકાર વિષે ભવિષ્યવાણી
(માથ્થી 26:31-35; લૂક 22:21-34; યોહ. 13:36-38)
27જઈ તેઓ ડુંઘરા તરફ જાતા હતાં તઈ ઈસુએ તેઓને કીધું કે, “તમે બધાય મને છોડીને વયા જાહો કેમ કે, પવિત્રશાસ્ત્ર મારી વિષે જે કેય છે, ઈ હાસુ થાવુ જોયી. પવિત્રશાસ્ત્ર આ કેય છે કે, હું ઈ માણસને મારી નાખય જે મારા લોકોની સરાવનારાની જેમ દેખરેખ રાખે છે, અને તેઓ ઘેટાઓની જેમ વિખરાય જાહે. 28પણ મરેલામાંથી જીવતા થયા પછી, હું તમારીથી પેલા ગાલીલ જિલ્લામાં જાય અને ન્યા તમને મળય.” 29પિતરે એને કીધુ કે, “જો બધાય છોડી દેય અને ભાગી જાહે, પણ હું નય ભાગું.” 30ઈસુએ પિતરને કીધુ કે, “હું તને હાસુ કવ છું કે, આજે રાતે જ કુકડો બે વાર બોલ્યા પેલાથી, તું ત્રણ વાર બોલય કે તું મને ઓળખતો નથી.” 31પણ પિતરે બોવ ભાર દેયને કીધું કે, “જો મારે તારી હારે મરવું પડે તો પણ હું ક્યારેય નય કવ કે, હું તમને નથી ઓળખતો.” આ પરકારે બીજા બધાયે પણ કીધું.
ગેથસેમાનેમાં ઈસુની પ્રાર્થના
(માથ્થી 26:36-46; લૂક 22:39-46)
32તઈ ઈસુ તેઓની હારે ગેથસેમાને નામે એક ઠેકાણે આવ્યો અને પોતાના ચેલાઓને કીધું કે, “આયા બેહો જ્યાં હુધી હું જયને બાપથી પ્રાર્થના કરી લવ.” 33અને ઈ પિતર, યાકુબ અને એનો ભાઈ યોહાનને પોતાની હારે બગીસામાં આગળ લય ગયો, અને ઈ બોવ દુખી અને ઉદાસ થય રયો હતો. 34અને તેઓને કીધું કે, “મને એવું લાગે છે કે, હું મરવાની ઘડીમાં છું ઈ હાટુ તમે આયા મારી હારે જાગતા રયો.” 35-36પછી ઈસુ થોડાક આગળ વધ્યો અને એણે ઘુટણે પડીને પોતાનુ મોઢું જમીન ઉપર રાખીને પરમેશ્વરને પ્રાર્થના કરી કે, “હે અબ્બા, હે બાપ, જો આ તમારી યોજનામાં શક્ય છે તો મને ઈ દુખથી બસાવી લ્યો જે મારી પાહે આવનાર છે. તારી હાટુ બધુય શક્ય છે. આ દુખને નો આવવા દયો. તો પણ ઈજ કરો જે તુ ઈચ્છે છે. આ નય કે, જે હું ઈચ્છું છું” 37જઈ ઈસુ પાછો આવ્યો અને ત્રણેય ચેલાઓને હુતા જોયા, એણે સિમોન પિતરને કીધું કે, “હે સિમોન તુ હુતો છો? શું તુ એક કલાક પણ જાગી નથી હકતો? 38જાગતા અને પ્રાર્થના કરતાં રયો કેમ કે, તમારુ હ્રદય હાસુ કરવા માગે છે, પણ તમારા દેહમાં તાકાતની કમી છે. મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેતા નય, જઈ તમારુ પરીક્ષણ થાતું હોય.” 39ઈસુ ફરીથી વયો ગયો અને ઈજ શબ્દો બોલીને પ્રાર્થના કરી. 40ફરીથી આવીને તેઓને પાછા હુતા જોયા કેમ કે, તેઓ બોવ નીંદરમાં હતા. તેઓને ખબર પણ નોતી કે, જઈ એણે તેઓને ઉઠાડા તો તેઓને શું જવાબ આપવો જોયી. 41પછી ત્રીજીવાર આવીને તેઓને કીધું કે, “શું કામ તમે હજી હુતા છો અને આરામ કરી રયા છો? બસ બોવ થયુ, જોવ, હાંભળો, ઈ વખત આવી ગયો છે જઈ કોય મને, માણસના દીકરાને પાપી લોકોના હાથમાં હોપી દેહે જેથી તેઓ મને પકડી હકે. 42ઉઠો, આપડે જાયી, જુઓ, મને દગાથી પકડાવી દેનાર છે ઈ આવી ગયો છે.”
ઈસુને દગાથી પકડાવી દેવો
(માથ્થી 26:47-56; લૂક 22:47-53; યોહ. 18:3-12)
43જઈ ઈસુ હજી બોલતો હતો, તઈ યહુદા જે બાર ચેલાઓમાંથી એક હતો, ઈ ન્યા આવ્યો. ઈ એક મોટા ટોળાની હારે આવ્યો હતો જે તલવાર અને લાકડીઓ પોતાની હારે લયને આવ્યા હતા. આ લોકોને મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો અને વડીલો દ્વારા મોકલવામાં આવ્યો હતો. 44હવે એને પકડાવનાર યહુદાએ તેઓને નિશાની આપી હતી કે, “જેને હું જયને સુંબન કરય ઈજ ઈ માણસ છે, એને પકડી લેજો અને ખાતરીથી લય જાજો.” 45અને યહુદા આવ્યો, અને તરત ઈસુની પાહે જયને કીધું કે, “હે ગુરુ!” અને ઈ એને સુમ્યો. 46તઈ તેઓએ મજબુત રીતે એને પકડી લીધો અને બંદીવાન કરયો. 47પણ જે ઉભા હતા, એમાંથી એકે પોતાની તલવાર કાઢીને, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો. 48ઈસુએ તેઓને કીધું કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો? 49હું તો દરોજ મંદિરમાં તમારી હારે રયને શિક્ષણ આપ્યા કરતો હતો અને તઈ તમે મને બંદીવાન નો કરયો: પણ આ ઈ હાટુ થયુ છે કે, શાસ્ત્રની વાતો પુરી થાય.” 50આ વાત ઉપર બધાય ચેલાઓ ઈસુને મુકીને વયા ગયા. 51અને એક જુવાન જે પોતાના ઉઘાડા દેહે ઉપર ચાદર ઓઢીને એની વાહે ગયો અને લોકોએ એને પકડયો. 52પણ ઈ ચાદર મુકીને ઉઘાડા દેહે ભાગી ગયો.
ઈસુ મહાસભાની હામે
(માથ્થી 26:57-68; લૂક 22:54-55,63-71; યોહ. 18:13-14,19-24)
53પછી તેઓ ઈસુને મુખ્ય યાજકના ઘર પાહે લય ગયા. અને બધાય પ્રમુખ યાજક અને વડીલો અને યહુદી નિયમના શિક્ષકો એની ન્યા ભેગા થય ગયા. 54પિતર ઘણોય આઘે વાહે વાહે હાલતો ઠેઠ પ્રમુખ યાજકના ઘરના આંગણામાં વયો ગયો અને મંદિરના રખેવાળની પાહે બેહીને તાપણામાં તાપવા લાગ્યો. 55ઈસુને મારી નાખવા હાટુ મુખ્ય યાજકો અને આખી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં એની વિરુધ ખોટી સાક્ષીઓ ગોતતા હતા, પણ જડી નય. 56કેમ કે, ઘણાય બધાય એની વિરુધ ખોટી સાક્ષી આપી રયા હતાં, પણ તેઓની સાક્ષી એકબીજાની વિરુધમાં હતી. 57તઈ કેટલાકે ઉભા થયને એની વિરુધ આ ખોટી સાક્ષી આપી કે, 58અમે એને આ કેતા હાંભળ્યો કે, હું લોકો દ્વારા બનાવવામાં આવેલું આ મંદિરને તોડી નાખય અને ત્રણ દિવસમાં હું એક બીજુ મંદિર બનાવય જે માણસોના હાથથી બનાવવામાં નો આવ્યું હોય. 59એના પછી પણ તેઓની સાક્ષી એકબીજાની વિરુધમાં જ હતી.
60પછી પ્રમુખ યાજકે મહાસભાની હામે ઉભા થયને ઈસુને પુછયું કે, “શું તું કાય જવાબ કેમ દેતો નથી? આ લોકો તારી વિરુધમાં સાક્ષી આપે છે.” 61પણ ઈ મૂંગો રયો, અને કાય જવાબ નો દીધો. પણ પ્રમુખ યાજકે એને પાછુ પુછયું કે, “શું તુ મહિમાવાન પરમેશ્વરનો દીકરો મસીહ છે?” 62ઈસુએ કીધું કે, “હા હું છું, તમે મને માણસના દીકરાને પરમેશ્વરનાં પરાક્રમના જમણા હાથ તરફ માનની જગ્યાએ બેહેલો અને આભથી વાદળા ઉપર આવતાં જોહો,” 63જઈ પ્રમુખ યાજકે હાંભળ્યું કે, ઈસુએ શું કીધું તો ઈ ગુસ્સે થયને પોતાના પેરેલા લુગડાને ફાડીને કીધું કે, “હવે આપણને બીજા સાક્ષીઓની જરૂર નથી. 64તમે એને પરમેશ્વરની નિંદા કરતાં હાંભળ્યું છે. એની ઉપર તમારો શું નિર્ણય છે?” તેઓએ નિર્ણય કરયો કે, ઈસુ ઉપર પરમેશ્વરને નિંદા કરવાનો આરોપ હતો અને ઈ હાટુ એની સજા પરમાણે એને હવે મારી નાખવો જોયી. 65તઈ કોય તો એની માથે થૂંકવા, અને કોય એનુ મોઢું ઢાંકીને અને એને ઢીકા મારવા, અને આ કેતા એની ઠેકડી કરીને કીધુ કે, “જો તુ આગમભાખનાર હોય તો અમને બતાવે કે, તને કોણે મારયો!”
પિતરનો નકાર અને રોવું
(માથ્થી 26:69-75; લૂક 22:56-62; યોહ. 18:15-18,25-27)
66જઈ પિતર આંગણામાં તાપની પાહે હતો, તઈ પ્રમુખ યાજકની દાસીમાંથી એક ન્યા આવી. 67અને પિતરને આગ તાપતો જોયને એને તાકીને જોયું અને કેવા મડી કે, તુ હોતન નાઝરેથ નગરવાસી ઈસુની હારે હતો. 68ઈ ફરી ગયો, અને કીધું કે, “હું નથી જાણતો અને નથી હમજતો કે, તુ શું કેય રય છો.” પછી ઈ ન્યાંથી છેટો ફળીયા બાજુ વયો ગયો; અને કુકડો બોલ્યો. 69ઈ દાસી પિતરને જોયને એની જે પાહે ઉભા હતાં, પછી કેવા મડી કે, “આ માણસ ઈસુના ચેલામાંથી એક છે.” 70પણ ઈ પાછો ફરી ગયો. અને ઘડીક વારમાં પછી તેઓએ જે પાહે ઉભા હતાં તઈ પિતરને કીધું કે, હાસીન તુ તેઓમાંથી એક છો કેમ કે, “તુ જેવી રીતેથી બોલે છે, એનાથી ખબર પડે છે કે, તુ પણ ગાલીલ જિલ્લામાંથી છે. ઈ હાટુ આ પાકું છે કે, તુ એના ચેલાઓમાંથી એક છે.” 71હું હમ ખાવ છું કે, હું હાસુ કય રયો છું! જો હું નથી તો પરમેશ્વર મને સજા આપે! “હું ઈ માણસને નથી જાણતો, જેની તમે વાતો કરો છો.” 72તઈ તરત બીજીવાર કુકડો બોલ્યો અને પિતરને ઈસુએ કીધેલી ઈ વાત યાદ આવી કે, “આજે હવારે કુકડો બીજીવાર બોલ્યા અગાવ તુ મારો ત્રણ વાર નકાર કરય.” જઈ પિતર પોતાના દુખને કાબુ નો કરી હક્યો તઈ ઈ કુટી કુટીને રોવા લાગ્યો કેમ કે, ઈ દુખી હતો કે એણે ઈસુને નકાર કરી દીધો હતો.

Pilihan Saat Ini:

માર્ક 14: KXPNT

Sorotan

Berbagi

Salin

None

Ingin menyimpan sorotan di semua perangkat Anda? Daftar atau masuk