યોહાન પ્રસ્તાવના

પ્રસ્તાવના
યોહાન આલેખિત શુભસંદેશ ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના સનાતન શબ્દ તરીકે રજૂ કરેછે, અને બતાવે છે કે આ “શબ્દ સદેહ બનીને આપણી મયે વસ્યા” આ શુભસંદેશમાં જ લખવામાં આવ્યું છે તેમ, એ લખવાનો હેતુ એ હતો કે, ઈસુ ખ્રિસ્ત જ ઈશ્વરપુત્ર છે, અને જે ત્રાતા સંબંધી વચન આપવામાં આવ્યું હતુ તે એ જ છે, અને તેમના પર વિશ્વાસ કરવાથી લોકોને ઉદ્ધાર મળી શકે છે. (૨૦:૩૧) સમગ્ર રીતે જોતાં આ શુભસંદેશ ઈશ્વરપુત્ર પ્રભુ ઈસુના મહિમાનું પ્રગટ થવું દેખાડે છે - એવો મહિમા કે જે કૃપા અને સત્યતાથી સભર હતો. એ રીતે એમનું દૈવીપણું રજૂ કરાયું છે. પ્રભુ ઈસુ પોતાને ‘હું છું’ સ્વયંહયાત ઈશ્વર તરીકે ઓળખાવતા સાત દાવા કરે છે. કાનામાં ચમત્કાર કરીને પ્રભુએ પોતાનો મહિમા પ્રગટ કરવાનો પ્રારંભ કર્યો. આ શુભસંદેશ પ્રભુ ઈસુના એવા સાત ચમત્કારો નોંધે છે. ક્રૂસ પરના પોતાના મૃત્યુ અને તે પછીના પુનરુત્થાન દ્વારા એ મહિમાને પરાક્ષ્ટાએ પહોંચાડે છે. વિશ્વાસ કરનારાઓ એ મહિમામાંથી કૃપા પર કૃપા અર્થાત્ સાર્વકાલિક જીવનની ભરપૂરી પામ્યા.
શરૂઆતની પ્રસ્તાવના ઈસુ તે જ ઈશ્વરનો સનાતન શબ્દ છે એમ બતાવે છે, અને ત્યાર પછીના આપેલા ચમત્કારો એમ બતાવે છે કે ઈસુ તે જ જેમના વિષે વચન અપાયેલું હતું તે ત્રાતા, અને ઈશ્વરપુત્ર છે. પુસ્તકના એ પહેલા ભાગ પછી ઈસુનાં કેટલાંક બોધવચનો અને વક્તવ્ય આપવામાં આવ્યાં છે, અને ઈસુના એ ચમત્કારોમાં શું પ્રગટ કરવામાં આવ્યું છે તે એમાં સમજાવ્યું છે. પુસ્તકના આ ભાગમાં આપવામાં આવ્યું છે કે કેટલાક લોકોએ ઈસુ પર વિશ્વાસ મૂક્યો અને તેને અનુસર્યા, જ્યારે બીજા કેટલાકે ઈસુ પર વિશ્વાસ ન કર્યો, પણ તેમનો વિરોધ કર્યો. અયાય ૧૩ થી ૧૭ માં પ્રભુ ઈસુને પકડવામાં આવ્યા તે રાતે ઈસુ પોતાના શિષ્યો સાથે જે સંગત દાખવે છે તે સંબંધી વિસ્તૃત બયાન કરવામાં આવ્યું છે, એટલું જ નહિ, પણ ક્રૂસારોહણ અગાઉની આ રાતે ઈસુએ પોતાનાં વચનો દ્વારા શિષ્યોને દિલાસો આપ્યો, પ્રેરણા આપી, અને તૈયાર કર્યા તે આપવામાં આવ્યું છે. શુભસંદેશના છેલ્લા અયાયોમાં ઈસુની ધરપકડ, તેમની ન્યાય તપાસ, એમનું ક્રૂસારોહણ, અને સજીવન થવું, તેમ જ સજીવન થયા પછી પોતાના શિષ્યોને આપેલાં દર્શન એ બધું આપવામાં આવ્યું છે.
વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીની વાતને (૮:૧-૧૧) ખાસ પ્રકારના ચોરસ કૌંસમાં મૂકવામાં આવી છે, કારણ ઘણા હસ્તલેખોમાં અને શરૂઆતના તરજુમાઓમાં એ વાત આપવામાં આવી નથી, જયારે કેટલાક હસ્તલેખો અને તરજુમાઓમાં એ આપવામાં આવી છે.
ખ્રિસ્ત દ્વારા મળતા સાર્વકાલિક જીવનના દાન ઉપર શુભસંદેશનો લેખક યોહાન ભાર મૂકે છે, અને બતાવે છે કે આ દાન અહીં અને અત્યારે જ શરૂ થાય છે, અને જે લોકો ઈસુને માર્ગ, સત્ય અને જીવન જાણીને તેમનો સ્વીકાર કરે છે તેમને આ અનંતજીવન મળે છે. યોહાનની ખાસ તરી આવતી લાક્ષણિક્તા એ છે કે તે દરરોજના જીવનની સામાન્ય બાબતો લઈને એમાં સાંકેતિક પ્રતીકો રજૂ કરીને તે દ્વારા આત્મિક સત્યો સમજાવે છે, દાખલા તરીકે પાણી, રોટલી, અજવાળું, ઘેટાંપાળક અને એનાં ઘેટાં, અને દ્રાક્ષવેલો તથા એનાં ફળ.
રૂપરેખા
પ્રસ્તાવના ૧:૧-૧૮
બાપ્તિસ્મા કરનાર યોહાન અને ઈસુના પ્રથમ શિષ્યો ૧:૧૯-૫૧
ઈસુની જાહેર ધર્મસેવા ૨:૧—૧૨:૫૦
યરુશાલેમ અને તેની આસપાસમાં ઈસુના છેલ્લા દિવસો ૧૩:૧—૧૯:૪૨
ઈસુનું સજીવન થવું અને શિષ્યોને આપેલાં દર્શન ૨૦:૧-૩૧
ઉપસંહારરૂપ ભાગ: ગાલીલમાં બીજું એક દર્શન ૨૧:૧-૨૫

Sorotan

Berbagi

Salin

None

Ingin menyimpan sorotan di semua perangkat Anda? Daftar atau masuk