લૂક 24

24
ઈસુ સજીવન કરાયા
(માથ. 28:1-10; માર્ક. 16:1-8; યોહા. 20:1-10)
1રવિવારે વહેલી સવારે, એ સ્ત્રીઓ પોતે તૈયાર કરેલાં સુગંધી દ્રવ્યો લઈને કબર પાસે ગઈ. 2તેમણે જોયું તો કબરના પ્રવેશદ્વાર પરથી પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો. 3તેથી તેઓ અંદર પ્રવેશી; પણ તેમણે પ્રભુ ઈસુનું શબ જોયું નહિ. 4તેઓ એ અંગે વિમાસણમાં પડી ગઈ. અચાનક ઝળહળતાં વસ્ત્રો પહેરેલા બે માણસો તેમની પાસે ઊભા રહ્યા. 5તેઓ ગભરાઈ ગઈ અને નીચું જોઈને ઊભી રહી ત્યારે એ માણસોએ કહ્યું, “જીવંત થયેલાને તમે મરેલામાં કેમ શોધો છો? 6તે અહીં નથી પણ સજીવન થયા છે. તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને જે કહ્યું હતું તે યાદ કરો: 7‘માનવપુત્ર દુષ્ટોના હાથમાં સોંપી દેવાય, ક્રૂસે જડાય અને ત્રીજે દિવસે પાછા સજીવન કરાય એ જરૂરી છે.”
8પછી સ્ત્રીઓને ઈસુના શબ્દો યાદ આવતાં, 9તેઓ કબરેથી પાછી ફરી અને અગિયાર શિષ્યોને તથા બીજા બધાને આ વાતો જણાવી. 10એ સ્ત્રીઓમાં માગ્દાલાની મિર્યામ, યોહાન્‍ના અને યાકોબની મા મિર્યામ હતાં. તેમણે તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓએ આ વાતો પ્રેષિતોને જણાવી. 11પણ પ્રેષિતોએ વિચાર્યું કે સ્ત્રીઓએ જણાવેલી વાતો પોકળ છે, અને તેમણે તેમનું માન્યું નહિ. પણ પિતર ઊઠીને કબર પાસે દોડી ગયો. 12તેણે નમીને જોયું તો કફનનાં કપડાં સિવાય બીજું કશું દેખાયું નહિ, પછી જે બન્યું હતું તેથી અચંબો પામતો તે ઘેર ગયો.
એમ્મૌસની વાટે
(માર્ક. 16:12-13)
13એ જ દિવસે તેમનામાંના બે યરુશાલેમથી આશરે દસ કિલોમીટર દૂર આવેલા એમ્મૌસ નામના ગામે જતા હતા, 14અને આ બધી બનેલી બીનાઓ વિષે એકબીજાની સાથે વાતચીત કરતા હતા. 15તેઓ વાતચીત અને ચર્ચા કરતા હતા, એવામાં ઈસુ પોતે નજીક આવ્યા અને તેમની સાથે ચાલવા લાગ્યા. 16તેમણે તેમને જોયા, પણ તેઓ તેમને ઓળખી શક્યા નહિ. 17ઈસુએ તેમને કહ્યું, “માર્ગે ચાલતાં ચાલતાં તમે કયા વિષયની ચર્ચા કરી રહ્યા છો?”
18તેઓ ઉદાસ ચહેરે થંભી ગયા. કલીઓપાસે તેમને પૂછયું, “યરુશાલેમમાં ઊતર્યા હોવા છતાં માત્ર તમે જ એવા છો કે જેમને છેલ્લા થોડાક દિવસો દરમિયાન ત્યાં બનેલા બનાવોની ખબર નથી.”
તેમણે પૂછયું, “કયા બનાવો?”
19તેમણે જવાબ આપ્યો, “નાઝારેથના ઈસુ પર જે વીત્યું તે. તે તો ઈશ્વરની તેમ જ માણસોની સમક્ષ વાણી અને કાર્યમાં ઈશ્વરના સમર્થ સંદેશવાહક હતા. 20અમારા મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોએ તેમને મોતની સજાને માટે સોંપી દીધા અને તેમને ક્રૂસે જડવામાં આવ્યા. 21પણ અમને આશા હતી કે તે ઇઝરાયલના મુક્તિદાતા બનશે. એ સર્વ ઉપરાંત એ બધું બન્યાને આજે ત્રીજો દિવસ થયો છે. 22અમારા જૂથની કેટલીક બહેનોએ અમને અચંબો પમાડયો છે; તેઓ વહેલી સવારે કબર પાસે ગઈ હતી. 23પણ તેમણે તેમનું શબ જોયું નહિ. તેમણે પાછા આવીને કહ્યું કે અમને દૂતોનું દર્શન થયું છે. દૂતોએ તેમને કહ્યું કે ઈસુ જીવંત થયા છે. 24અમારા જૂથના કેટલાક માણસો કબર પાસે ગયા, તો બહેનોએ જેવું કહ્યું હતું તેવું જ જોયું, પણ તેમણે ઈસુને જોયા નહિ.”
25પછી ઈસુએ તેમને કહ્યું, “ઓ અબુધો, અને સંદેશવાહકોએ કહેલી બધી બાબતો સમજવામાં અક્કલ વગરનાઓ! 26આ બધી બાબતો સહન કરીને મસીહ પોતાના મહિમામાં પ્રવેશે એ તેમને માટે જરૂરી ન હતું?” 27પછી ઈસુએ આખા ધર્મશાસ્ત્રમાંથી મોશેના પુસ્તકોથી શરૂઆત કરીને બધા સંદેશવાહકોના લખાણોમાં પોતાના સંબંધી જે જે કહેલું છે તે તેમને સમજાવ્યું.
28તેઓ જે ગામ જતા હતા તેની નજીક આવી પહોંચ્યા, ત્યારે ઈસુ જાણે કે પોતે આગળ જતા હોય તેવો દેખાવ કર્યો. 29પણ તેમણે ઈસુને આગ્રહ કરતાં કહ્યું, “સાંજ થવા આવી છે અને અંધારું થઈ જશે, માટે અમારી સાથે જ રહો. તેથી તેઓ તેમની સાથે ઘરમાં ગયા. 30તે તેમની સાથે જમવા બેઠા, તેમણે રોટલી લીધી, ઈશ્વરની સ્તુતિ કરી અને ભાંગીને તેમને આપી. 31તરત જ તેમની આંખો ઊઘડી ગઈ એટલે તેમણે ઈસુને ઓળખી કાઢયા; પણ તે તેમની દૃષ્ટિમાંથી અદૃશ્ય થઈ ગયા. 32તેમણે એકબીજાને કહ્યું, “તે આપણી સાથે રસ્તે ચાલતા હતા અને આપણને ધર્મશાસ્ત્ર સમજાવતા હતા, ત્યારે આપણાં હૃદયો કેવાં ઉષ્માભર્યા બન્યાં હતાં?”
33તેઓ તરત જ ઊઠીને યરુશાલેમ પાછા ગયા, અને ત્યાં અગિયાર શિષ્યો અને બીજાઓને એકઠા મળેલા જોયા. 34તેઓ કહેતા હતા, “પ્રભુ ખરેખર ઊઠયા છે! તેમણે સિમોનને દર્શન આપ્યું છે!”
35પછી તેમણે રસ્તે ચાલતાં શું બન્યું હતું, અને પ્રભુ રોટલી ભાંગતા હતા ત્યારે કેવી રીતે તેમણે તેમને ઓળખી કાઢયા હતા તે કહી સંભળાવ્યું.
શિષ્યોને દર્શન
(માથ. 28:16-20; માર્ક. 16:14-18; યોહા. 20:19-23; પ્રે.કા. 1:6-8)
36તેઓ તેમને એ વાત કરતા હતા એવામાં પ્રભુ પોતે જ તેમની મયે એકાએક પ્રગટ થયા. અને તેમને કહ્યું, “તમને શાંતિ થાઓ.”
37તેઓ ચોંકી ઊઠયા અને ગભરાઈ ગયા. તેમને થયું કે આપણે કોઈ આત્મા જોઈ રહ્યા છીએ. 38પણ ઈસુએ કહ્યું, “તમે કેમ ગભરાઓ છો? તમારા મનમાં આવી શંકાઓ કેમ પેદા થાય છે? 39મારા હાથ અને મારા પગ જુઓ અને જાણો કે એ તો હું પોતે છું. મને સ્પર્શી જુઓ એટલે તમને ખબર પડશે; કારણ, જેમ મને છે તેમ આત્માને હાડમાંસ હોતાં નથી.
40તેમણે એ કહીને તેમને પોતાના હાથપગ બતાવ્યા. 41આ બનાવ એટલો બધો આનંદદાયક હતો કે તેઓ તે સાચો માની શક્યા નહિ, અને વિચારમાં પડી ગયા હતા. એવામાં જ તેમણે તેમને પૂછયું, “તમારી પાસે કંઈ ખાવાનું છે?” 42તેમણે તેમને શેકેલી માછલીનો એક ટુકડો આપ્યો. 43તેમણે તે લઈને તેમની હાજરીમાં ખાધો.
44પછી તેમણે તેમને કહ્યું, “હું જ્યારે તમારી સાથે હતો, ત્યારે આ જ વાતો મેં તમને કહી હતી, ‘મોશેના નિયમશાસ્ત્રમાં, સંદેશવાહકોનાં લખાણોમાં અને ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું સાચું પડવું જ જોઈએ.”
45પછી ધર્મશાસ્ત્ર સમજવા માટે તેમણે તેમનાં મન ખોલ્યાં; 46અને તેમને કહ્યું, “લખવામાં આવ્યું છે કે, મસીહે દુ:ખો સહન કરવાં જોઈએ અને ત્રીજે દિવસે મરણમાંથી પાછા ઊઠવું જોઈએ. 47તેના નામમાં યરુશાલેમથી શરૂ કરીને બધી પ્રજાઓને ‘પાપથી પાછા ફરો અને ઈશ્વર તમારાં પાપ માફ કરશે,’ એ સંદેશો તમારે પ્રગટ કરવો જોઈએ. 48તમે આ બધી વાતોના સાક્ષી છો. 49મારા પિતાએ જે દાન આપવાનું વચન આપ્યું છે, તે હું તમારા પર મોકલી આપીશ. પણ તમારા પર ઉપરથી પરાક્રમ ઊતરે ત્યાં સુધી તમે આ શહેરમાં જ રહેજો.”
ઈસુનું સ્વર્ગારોહણ
(માર્ક. 16:19-20; પ્રે.કા. 1:9-11)
50પછી ઈસુ શિષ્યોને શહેર બહાર બેથાનિયા સુધી લઈ ગયા, અને ત્યાં તેમણે હાથ ઊંચા કરીને તેમને આશિષ આપી. 51તેઓ તેમને આશિષ આપતા હતા, તેવામાં ઈસુ તેમનાથી છૂટા પડયા અને આકાશમાં લઈ લેવાયા. 52તેમણે તેમની આરાધના કરી અને ખૂબ હરખાતા હરખાતા યરુશાલેમ પાછા આવ્યા; 53અને તેમણે મંદિરમાં ઈશ્વરની સ્તુતિ કરવાનું જારી રાખ્યું.

Pilihan Saat Ini:

લૂક 24: GUJCL-BSI

Sorotan

Berbagi

Salin

None

Ingin menyimpan sorotan di semua perangkat Anda? Daftar atau masuk