YouVersion Logo
Search Icon

ઝખાર્યા 14

14
યરુશાલેમ અને અન્ય પ્રજાઓ
1પ્રભુ ન્યાય કરવા બેસવાના છે તે દિવસ પાસે છે. ત્યારે યરુશાલેમ લૂંટી લેવાશે અને તમારી આંખો આગળ લૂંટ વહેંચી લેવાશે. 2પ્રભુ સઘળી પ્રજાઓને યરુશાલેમ વિરુદ્ધ લડાઈ કરવા લઈ આવશે. શહેર સર કરવામાં આવશે, ઘરો લૂંટાશે, અને સ્ત્રીઓની આબરૂ લેવાશે. અડધા લોકોને કેદીઓ બનાવી લઈ જવામાં આવશે, પણ બાકીના તો શહેરમાં જ રહેવા દેવાશે. 3પછી પ્રભુ પોતે જેમ ભૂતકાળમાં લડયા હતા તેમ બહાર જઈને એ પ્રજાઓ સામે લડશે. 4તે વખતે તે યરુશાલેમની પૂર્વ તરફ ઓલિવ પર્વત પર ઊભા રહેશે, ત્યારે ઓલિવ પર્વતના પૂર્વ-પશ્ર્વિમ બે ભાગ થઇ જશે અને એથી મોટી ખીણ બની જશે. અડધો પર્વત ઉત્તર તરફ અને અડધો પર્વત દક્ષિણ તરફ ખસી જશે. 5પર્વતના બે ભાગ પાડી દેતી એ ખીણમાં થઈને તમે નાસી છૂટશો.#14:5 ‘પર્વતના બે ભાગ... નાસી છૂટશો’: હિબ્રૂ પાઠ સ્પષ્ટ નથી. યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપ થતાં તમારા પૂર્વજો ભાગી છૂટયા તેમ તમે પણ નાસી જશો. મારો પ્રભુ પોતાના સર્વ દૂતો સહિત આવશે.
6-7એ દિવસ આવે ત્યારે ઠંડી કે હિમ#14:6-7 ‘ઠંડી કે હિમ’: સંભવિત પાઠ: હિબ્રૂ પાઠ સ્પષ્ટ નથી. નહિ હોય. અંધકાર પણ નહિ હોય. સતત દિવસનો પ્રકાશ હશે, અને રાત્રિના સમયે પણ એ પ્રકાશ રહેશે. એવું ક્યારે બનશે એ તો માત્ર પ્રભુ જ જાણે છે.
8એ દિવસ આવે ત્યારે યરુશાલેમમાંથી તાજાં પાણી વહેતાં થશે. અડધાં પાણી મૃત સમુદ્રમાં અને અડધાં પાણી ભૂમધ્ય સમુદ્રમાં વહેશે. તે પાણી ગરમીની કે ભેજવાળી ઋતુમાં આખા વર્ષ દરમ્યાન વહ્યા કરશે. 9ત્યારે તો યાહવે આખી પૃથ્વી પર રાજા હશે; સૌ કોઈ તેમનું ઈશ્વર તરીકે ભજન કરશે અને એ જ નામે તેમને ઓળખશે.
10ઉત્તરમાં ગેબાથી માંડીને દક્ષિણમાં રિમ્મોન સુધીનો સમગ્ર પ્રદેશ સપાટ થઈ જશે. યરુશાલેમ આસપાસના સર્વ પ્રદેશ કરતાં ઊંચું કરાશે; શહેરનો વિસ્તાર બિન્યામીનના દરવાજાથી અગાઉ જ્યાં દરવાજો હતો ત્યાં ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી રાજવી દ્રાક્ષકુંડ સુધીનો હશે. 11ત્યાંના લોકો સલામતીમાં જીવશે અને નાશની કોઈ ધમકી હશે નહિ.
12યરુશાલેમ વિરુદ્ધ લડાઈ કરનાર સર્વ પ્રજાઓ પર પ્રભુ ભયંકર રોગચાળો મોકલશે. તેમના જીવતાજીવ તેમનું માંસ સડી જશે. તેમની આંખો અને જીભ સડી જશે.
13તે સમયે તેઓ એવા ગૂંચવાઈ જશે અને ગભરાઈ જશે કે દરેક માણસ પોતાની પડખે ઊભેલા માણસને પકડીને તેના પર હુમલો કરશે. 14યહૂદિયાના પુરુષો યરુશાલેમનું રક્ષણ કરવા ઝઝૂમશે. તેઓ મોટા પ્રમાણમાં સોનુંરૂપું અને વસ્ત્રો વિગેરે સર્વ સંપત્તિ પ્રજાઓ પાસેથી લૂંટી લેશે.
15શત્રુની છાવણીનાં પ્રાણીઓ જેવાં કે ઘોડા, ખચ્ચર અને ઊંટો પર અને ગધેડાં પર ભયંકર રોગચાળો આવી પડશે.
16પછી તો યરુશાલેમ પર આક્રમણ કરનારી પ્રજાઓમાંથી જેઓ બચી ગયા તેઓ દર વર્ષે સર્વસમર્થ યાહવેનું રાજા તરીકે ભજન કરવા અને માંડવાપર્વ ઉજવવા યરુશાલેમ જશે. 17સર્વસમર્થ યાહવેની રાજા તરીકે ભક્તિ કરવા જવાની ના પાડનાર પ્રજાઓના દેશમાં વરસાદ વરસશે નહિ. 18ઇજિપ્તવાસીઓ માંડવાપર્વ ઉજવવાની ના પાડે તો એમ કરવાની ના પાડનાર અન્ય સર્વ પ્રજાઓના ઉપર મોકલાયેલા રોગ જેવો રોગ ઇજિપ્ત પર આવશે. 19માંડવાપર્વ નહિ ઉજવવા માટે ઇજિપ્ત અને અન્ય સર્વ દેશોને એવી શિક્ષા થશે.
20તે વખતે ઘોડાઓની ઘંટડીઓ પર આવા શબ્દો કોતરેલા હશે: “પ્રભુને સમર્પિત.” મંદિરનાં રાંધવાનાં તપેલાં પણ વેદી પરનાં પ્યાલાં જેવાં પવિત્ર ગણાશે. 21યરુશાલેમ અને સમગ્ર યહૂદિયાનાં રાંધવાનાં વાસણો સર્વસમર્થ પ્રભુની સેવાભક્તિ માટે અલગ કરાશે. બલિદાન આપનારા લોકો માંસ બાફવા માટે તેમનો ઉપયોગ કરશે. એ સમયે સર્વસમર્થ પ્રભુના મંદિરમાં ત્યાર પછી કોઈ વેપારી રહેશે નહિ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ઝખાર્યા 14