સંદર્શન 3
3
સાર્દિસમાંની મંડળીને સંદેશ
1સાર્દિસમાંની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેની પાસે ઈશ્વરના સાત આત્મા છે અને સાત તારા છે તે આમ કહે છે: “હું તારાં ક્મ જાણું છું. તું જીવતો કહેવાય છે, પણ વાસ્તવમાં મરેલો છે. 2માટે જાગૃત થા અને તારી પાસે રહ્યુંસહ્યું જે કંઈ છે તે પૂરેપૂરું મરી પરવારે તે પહેલાં તેને ચેતનવંતુ કર. કારણ, મેં તારાં કાર્ય મારા ઈશ્વરની દૃષ્ટિમાં પૂર્ણ થયેલાં જોયાં નથી. 3તેથી તને આપવામાં આવેલું શિક્ષણ અને તેં તે કેવી રીતે સાંભળ્યું તે યાદ કર, તેને આધીન થા અને તારાં પાપથી પાછો ફર. જો તું જાગૃત નહિ થાય તો હું તારી પાસે ચોરની જેમ અચાનક આવી પડીશ, અને કયા સમયે હું આવીશ તેની પણ તને ખબર પડશે નહિ.
4પરંતુ સાર્દિસમાં હજુ કેટલાક એવા છે કે જેમનાં વસ્ત્ર મલિન થયાં નથી, તેમને હું કહું છું: તમે શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને મારી સાથે ફરશો, કારણ, તમે તે માટે લાયક છો. 5વિજયધ્વંતો એવી જ રીતે વસ્ત્રો પહેરશે અને ફરશે. વળી, જીવનના પુસ્તકમાંથી હું તેમનાં નામ ભૂંસી નાખીશ નહિ. મારા પિતાની અને તેમના દૂતોની સન્મુખ હું જાહેરમાં કબૂલ કરીશ કે તેઓ મારા છે. 6પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”
ફિલાદેલ્ફિયાની મંડળીને સંદેશ
7ફિલાદેલ્ફિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે પવિત્ર અને સત્ય છે, જેની પાસે દાવિદની ચાવી છે, જે ઉઘાડે તો કોઈ બંધ કરી શકતું નથી, અને બંધ કરે તો કોઈ ઉઘાડી શકતું નથી તે આમ કહે છે:
8“તારાં કાર્ય હું જાણું છું, વળી, તારામાં થોડી શક્તિ હોવા છતાં તું મારા ઉપદેશને અનુસર્યો છે અને મને વફાદાર રહ્યો છે. તારી સમક્ષ મેં દ્વાર ખુલ્લું મૂકાયું છે જેને કોઈ બંધ કરી શકે તેમ નથી. 9સાંભળ, પેલા શેતાનના સાગરીતો, એટલે, પેલા જૂઠાઓ પોતાને યહૂદી કહેવડાવે છે, પણ તેવા નથી, તેમને હું તારે ચરણે નમાવીશ ત્યારે તેઓ જાણશે કે હું તારા પર પ્રેમ રાખું છું. 10ધીરજપૂર્વક સહન કરવાની મારી આજ્ઞાનું તેં પાલન કર્યું છે તેથી લોકોની ક્સોટી કરવા આખી દુનિયા પર આવી પડનાર વિપત્તિમાં હું તને સંભાળી રાખીશ. 11હું તરત જ આવું છું. વિજયના તારા ઇનામને કોઈ ઝૂંટવી ન લે તે માટે તારી પાસે જે છે તેને વળગી રહે. 12જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ, અને તે તેની બહાર કદી જશે નહિ. હું તેના ઉપર મારા ઈશ્વરનું નામ, મારા ઈશ્વર પાસેથી સ્વર્ગમાંથી ઊતરી આવનાર નવા યરુશાલેમનું નામ, અને મારું પોતાનું નવું નામ લખીશ. 13પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”
લાઓદીકિયાની મંડળીને સંદેશ
14લાઓદીકિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે આમીન,#3:14 હિબ્રૂ: આમીન, શબ્દાવલિ જુઓ. વિશ્વાસુ અને સત્યનિષ્ઠ સાક્ષી તથા ઈશ્વરના સર્વ સર્જનનું ઉદ્ભવસ્થાન છે તે આમ કહે છે: 15‘તારાં કાર્ય હું જાણું છું. તું નથી ગરમ કે નથી ઠંડો. તું ગરમ કે ઠંડો હોત તો કેવું સારું! 16પણ તું હૂંફાળો છે; તું નથી ગરમ કે નથી ઠંડો, તે માટે હું તને થૂંકી નાખીશ! 17તું કહે છે, “હું ધનવાન છું; મેં સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે અને મને કશાની ખોટ નથી.” પરંતુ તું કેટલો દુ:ખી અને દયાપાત્ર છે તેની તને ખબર નથી! તું તો ગરીબ, નગ્ન અને અંધ છે. 18તેથી ધનવાન થવા માટે મારી પાસેથી ચોખ્ખું સોનું વેચાતું લે, તારી શરમજનક નગ્નતા ઢાંકવા માટે મારી પાસેથી સફેદ વસ્ત્રો વેચાતાં લે. તું જોઈ શકે માટે મારી પાસેથી અંજન વેચાતું લે. 19જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર. 20હું બારણાં આગળ ઊભો છું અને ખટખટાવું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. 21હું વિજયવંત થઈને મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બિરાજ્યો છું તે જ પ્રમાણે જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારી સાથે રાજ્યાસન પર બિરાજવાનો અધિકાર આપીશ. 22પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”
Currently Selected:
સંદર્શન 3: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide