YouVersion Logo
Search Icon

સંદર્શન 2

2
એફેસસમાંની મંડળીને સંદેશ
1એફેસસની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેમના જમણા હાથમાં સાત તારા છે અને જે સોનાની સાત દીવીઓની મયે છે તે આમ કહે છે:
2“હું તારાં કાર્ય, તારો પરિશ્રમ, અને તેં ધીરજપૂર્વક સહન કરેલી યાતનાઓ જાણું છું. તું દુષ્ટ માણસોને ચલાવી લેતો નથી, પ્રેષિતો ન હોવા છતાં જેઓ પોતાને પ્રેષિત તરીકે ઓળખાવે છે, તેમની તેં પારખ કરી છે, અને તેઓ જૂઠા છે તેમ તેં જાણી લીધું છે. 3મારા નામને લીધે તેં ધીરજથી સહન કર્યું છે અને બોજ ઉઠાવ્યો છે, અને નાસીપાસ થયો નથી. 4પરંતુ તારી વિરુદ્ધ મારે આટલું છે: તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. 5તેથી જ્યાંથી તારું પતન થયું તે યાદ કરીને પાછો ફર અને પહેલાનાં જેવાં કાર્ય કર. જો તું પાછો નહિ ફરે તો હું આવીશ અને તારી દીવીને તેના સ્થાનેથી ખસેડી નાખીશ. 6આમ છતાં તારી તરફેણમાં આટલું છે: મારી જેમ તું પણ નિકોલાયતીઓનાં કૃત્યોને ધિક્કારે છે. 7પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેમને સાંભળવાને કાન હોય તે સાંભળે; જે વિજય પ્રાપ્ત કરશે, તેને હું ઈશ્વરના પારાદૈસમાંના જીવનવૃક્ષનું ફળ ખાવા આપીશ.”
સ્મર્નામાંની મંડળીને સંદેશ
8સ્મર્નામાંની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે પ્રથમ અને છેલ્લો છે અને મૃત્યુ પામીને સજીવન થયો છે, તે આમ કહે છે:
9“તારી યાતનાઓ અને ગરીબાઈ હું જાણું છું. જો કે તું તો ખરેખર શ્રીમંત છે! જેઓ પોતાને યહૂદી કહેવડાવે છે પરંતુ શેતાનના સભાગૃહના છે તેઓ તારી કેવી નિંદા કરે છે તે પણ હું જાણું છું. 10જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ. 11પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે, જે વિજય પામશે તેને બીજા મરણનું દુ:ખ ભોગવવું નહિ પડે.”
પેર્ગામમની મંડળીને સંદેશ
12પેર્ગામમની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેના મુખમાં તીક્ષ્ણ બેધારી તરવાર છે તે આમ કહે છે: 13‘હું જાણું છું કે જ્યાં શેતાનનું રાજ્યાસન છે ત્યાં તું વસે છે! તું તો મારા નામને વફાદાર રહ્યો છે અને જ્યાં શેતાન રહે છે ત્યાં મારા વફાદાર સાક્ષી આંતિપાસને મારી નાખવામાં આવ્યો એવા સમયમાં પણ તેં મારા પરના તારા વિશ્વાસનો ત્યાગ કર્યો નથી; 14પરંતુ મારે તારી વિરુદ્ધ થોડીક બાબતો કહેવાની છે: તારે ત્યાં કેટલાક બલઆમના શિક્ષણને અનુસરનાર છે. ઇઝરાયલી લોકોને કેવી રીતે પ્રલોભનમાં પાડવા તે બલઆમે બાલાકને શીખવ્યું, જેથી તેઓ મૂર્તિઓને અર્પેલો ખોરાક ખાય અને વ્યભિચાર કરે. 15એ જ પ્રમાણે કેટલાક નિકોલાયતીઓના શિક્ષણને અનુસરનારા પણ છે. 16તારાં પાપથી પાછો ફર. જો તું નહિ ફરે તો હું તરત તારી પાસે આવીશ અને મારા મુખમાંથી નીકળતી તલવારથી હું એ લોકો સાથે યુદ્ધ કરીશ. 17પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે, તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું ગુપ્ત રાખવામાં આવેલા માન્‍નામાંથી ખાવા આપીશ. વળી, હું તેને એક સફેદ પથ્થર આપીશ; જેના પર એક એવું નામ લખેલું છે કે જેને એ પથ્થર મળે તેના વગર બીજું કોઈ તે જાણતું નથી.”
થુઆતૈરાની મંડળીને સંદેશ
18થુઆતૈરાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેની આંખો અગ્નિની જ્વાળા જેવી તેજસ્વી છે અને જેના પગ ભઠ્ઠીમાં શુદ્ધ કરેલા તાંબા જેવા ચળક્તા છે તે, એટલે ઈશ્વરપુત્ર આમ કહે છે: 19‘તારાં કાર્યો, તારો પ્રેમ, તારી વફાદારી, તારી સેવા અને તારી ધીરજ હું જાણું છું. પહેલાંના કરતાં તું અત્યારે વધારે કાર્યરત છે. 20પણ તારી વિરુદ્ધ મારે આટલું કહેવાનું છે: પોતાને ઈશ્વરની સંદેશવાહિકા કહેવડાવતી પેલી સ્ત્રી ઈઝબેલને તું સાંખી લે છે. તે પોતાના શિક્ષણથી મારા સેવકોને વ્યભિચાર કરવા અને મૂર્તિને ચઢાવેલો ખોરાક ખાવા ગેરમાર્ગે દોરે છે. 21મેં તેને તેનાં પાપથી પાછા ફરવાનો સમય આપ્યો છે. પણ તે પોતાનો વ્યભિચાર ત્યજી દેવા માંગતી નથી. 22તેથી હું તેને માંદગીના બિછાને નાખીશ અને તેણે કરાવેલાં કૃત્યોથી વ્યભિચારીઓ પાછા નહિ ફરે તો હું તેમને ભારે સતાવણીમાં નાખીશ. 23હું ઈઝબેલના અનુયાયીઓને મારી નાખીશ. એથી બધી મંડળીઓ જાણશે કે મન અને દયને પારખનાર હું છું. હું દરેકને તેનાં કૃત્યો પ્રમાણે બદલો આપીશ.
24પરંતુ થુઆતૈરામાં બાકીના જેઓ આ ભૂંડા શિક્ષણને અનુસર્યા નથી, અને લોકો જેને શેતાનનું ગૂઢ રહસ્ય કહે છે તે શીખ્યા નથી, તેમને હું આટલું કહેવા માગું છું: તારા પર હું વધારે બોજ લાદીશ નહિ. 25પરંતુ હું આવું ત્યાં સુધી તારી પાસે જે છે તેને વળગી રહેજે. 26-28જે વિજય પ્રાપ્ત કરશે અને મને ગમતાં કાર્યો અંત સુધી કરશે તેને હું જે અધિકાર મારા પિતાએ મને આપ્યો છે તે જ અધિકાર આપીશ. એટલે કે હું તેમને પ્રજાઓ પર લોખંડી રાજદંડથી શાસન કરવા અને માટીના પાત્રની જેમ તેમના ટુકડેટુકડા કરી નાખવાનો અધિકાર આપીશ. વળી, હું તેમને પ્રભાતનો તેજસ્વી તારો આપીશ. 29પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in